સુરત ભાજપના સિનિયર કાર્યકરના પુત્રનું ડમ્પર નીચે કચડાઈ જતા મોત, મોપેડને અડફેટે લેતા પુત્રી રસ્તા પર પટકાઈ | Senior BJP worker's son crushed to death by dumper in Surat, daughter hit on road | Times Of Ahmedabad

સુરત31 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરતના પાલ વિસ્તારમાં ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક ડમ્પર ચાલકે મોપેડને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેથી સુરત ભાજપના વોર્ડ નંબર-9ના સિનિયર કાર્યકરના પુત્રનું ડમ્પર નીચે કચડાઈ જતા મોત નીપજ્યું હતું. જયારે તેમની પુત્રી રસ્તા પર પટકાઈ હતી. અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે

મોપેડ પર સવાર હતા
સુરત શહેરમાં અકસ્માતના બનાવો અવાર નવાર સામે આવી રહ્યા છે. બે દિવસ પહેલા જ પાલ હજીરા રોડ પર અકસ્માતની ગંભીર ઘટના બની હતી. ત્યારે આજે ફરી એક વખત આજ માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. જેમાં સુરત ભાજપના વોર્ડ નંબર-9ના સિનિયર કાર્યકરના સંતાનો 14 વર્ષીય ભવ્ય અને તેની બહેન તેના મામીનો જન્મદિન ઉજવવા ગયા હતા અને ઉજવણી કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બહેન મોપેડ ચલાવતી હતી અને ભવ્ય પાછળ બેસીને જતો હતો. આ સમયે કાળમુખા ડમ્પરની અડફેટે આવી જતા ભવ્યનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ડમ્પર ચાલક નાસી છૂટ્યો
એ દરમિયાન ડમ્પર ચાલકે તેમના મોપેડને ટક્કર મારી હતી. જેને લઇ ભાઈ-બહેન રોડ પર પટકાયા હતા. અને 14 વર્ષે ભવ્ય પટેલ પરથી ડમ્પર ફરી વળ્યું હતું. જેથી ભવ્યનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેની બહેનને ઇજા પહોંચતા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જયારે ડમ્પરની અડફેટે મોપેડ આવી આવી ગયા બાદ ભવ્ય પટેલ ડમ્પરની નીચે કચડાઈ ગયો હોવાનું ખબર પડતા ડમ્પર ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો

ઘટના સ્થળે પોલીસ પહોંચી
સ્થાનિક લોકો દ્વારા બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. અકસ્માત થયો હોવાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બનાવને પગલે લોક ટોળું એકત્ર થઈ ગયું હતું અને ટ્રાફિક જામ થઈ ગયો હતો જેને પોલીસે દૂર કર્યા હતા. અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.

વોર્ડ નંબર-9ના સિનિયર કાર્યકર
પોલીસ તપાસ કર્યા બાદ જાણવા મળ્યું હતું કે અકસ્માતમાં ભોગ બનનાર ભવ્ય પટેલ અને તેની બહેનના પિતાનું નામ ભરતભાઈ પટેલ છે. ભરત પટેલ વોર્ડ નંબર-9ના ભાજપના ખૂબ જ વર્ષોથી સિનિયર કાર્યકર્તા રહ્યા છે અને સમાજ સેવાના કાર્યો કરે છે. ભરતભાઈ પટેલ વ્યવસાયે બિલ્ડર હોવાનું જાણવા મળ્યું છે અને જહાંગીરપુરા ખાતે આવેલ કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના હાલ ટ્રસ્ટી હોવાનું જાણવા મળ્યું હતું.

પરિવારનો શોકમાં ગરકાવ
સુરતના પાલ હજીરા રોડ પર ભવ્ય પટેલ અને તેની બેન સાથે અકસ્માત થયો હોવાની જાણ પરિવારને થતા પરિવારના સભ્યો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળ પર સ્થિતિ જોતા પરિવારનું હૈયાફાટ રૂદન જોવા મળ્યું હતું. બનાવને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. મળતી માહિતી મુજબ ભરતભાઈ પટેલને ભવ્ય એકનો એક પુત્ર હતો અને તેમને બે પુત્રી હતી. ત્યારે બે બહેનના એકના એક ભાઈ અને પરિવારના એકના એક પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થઈ જતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો ઘટનાની જાણ પોલીસને થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનાને પગલે પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામનાર 14 વર્ષીય ભવ્ય પટેલના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ઘટનાને પગલે પોલીસે ડમ્પર કબજે લઇ અકસ્માત મોતનો ગુનો નોંધી ફરાર ડમ્પરચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

બે દિવસ પહેલા જ અકસ્માત મહત્વનું છે કે પાલ વિસ્તારમાં બે દિવસ પહેલા જ અકસ્માતની ઘટના સામે આવી ચુકી છે. આજ માર્ગ પર એક વિદ્યાર્થીનીને પણ ડમ્પર ચાલકે અડફેટે લીધી હતી. આ બનાવમાં પણ વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

Previous Post Next Post