વડોદરા30 મિનિટ પહેલા
- કૉપી લિંક

વાઘોડિયા તાલુકાના કછાટા ગામની સીમમાંથી પુરૂષનું કંકાલ મળી આવ્યું
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રુસ્તમપુરાના કછાટા ગામની સીમમાંથી અજાણ્યા પુરૂષનું માનવ કંકાલ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગેની જાણ પોલીસને થતાં પોલીસે માનવ હાડપીંજર કબજે કરી પોષ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. બીજી બાજુ પોલીસે માનવ કંકાલ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
ગામલોકો ટોળે વળ્યા
મળેલી માહિતી પ્રમાણે વાઘોડિયા તાલુકાના રુસ્તમપુરા પાસે આવેલા કછાટા ગામની સિમના ખેતરની વરસાદી કાંસ પાસેથી અજાણ્યા પુરુષનું માનવ કંકાલ પડ્યું હતું. આ અંગેની જાણ ખેતર માલિકે વાઘોડિયા પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તે સાથે સ્થાનિક ગામ લોકો કંકાલને જોવા માટે ટોળે વળ્યા હતા

FSLની મદદ લેવાઇ
વાઘોડિયા પોલીસે આ કંકાલ 20 થી 25 દિવસ જુનું હોવાનું અનુમાન લગાવ્યું હતું. જોકે ચોક્કસ માહિતી મેળવવા માટે પોલીસે FSLની મદદ લીધી હતી. FSLની ટીમે કંકાલના નમુના લીધા હતા. બીજી બાજુ પોલીસે કંકાલના અવશેષો પોષ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. મૃતકનું મોત કેવી રીતે થયું તે FSL અને પોષ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બહાર આવશે. પંથકમાં ચકચાર જગાવી મૂકનાર આ કંકાલ ઉપર પેન્ટ-શર્ટ હોવાથી આ કંકાલ પુરૂષનું હોવાનું મનાય રહ્યું છે. ત્યારે આ કંકાલ કયા વ્યક્તિનું છે તે દીશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસે વિડીયો ગ્રાફી કરાવી
મળી આવેલા કંકાલ અંગે પોલીસે જિલ્લામાં ગુમ થયેલા વ્યક્તિઓની પણ વિગતો મંગાવી હોવાનું જાણવા મળ્યું છે. કંકાલની ઓળખ થયા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ચર્ચાય છે કે, આ કંકાલ જે સ્થળે પહેલાં હતું તે સ્થળેથી 20 થી 25 દૂર પશુઓ ખેંચી ગયા હતા. પોલીસે વિડીયો ગ્રાફી કરાવી તપાસ શરૂ કરી છે.