સુરેન્દ્રનગર25 મિનિટ પહેલા
- કૉપી લિંક
- ડેમનું સૌંદર્ય લોકોને આકર્ષે છે પણ નર્મદાના પ્રવાહથી પડેલાં 40 ફૂટ ઊંડા ખાડા જોખમી
સૌરાષ્ટ્ર કચ્છનું પાણિયારું બની ગયેલા ધોળીધજા ડેમના પાણીમાં ડૂબી જવાથી 3 મિત્રોના મોત થતાં 2 માતા પિતાએ તો એકના એક દીકરા ગુમાવ્યા છે. શહેરભરમાં પરિવારના લાડકવાયા ડૂબી ગયા તેની જ ચર્ચા ચાલી રહી છે ત્યારે ખાસ કરીને અત્યારે ઉનાળુ વેકેશન ચાલતું હોવાથી અનેક લોકો ડેમની મુલાકાત લઇને નહાવા પડી રહ્યા છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે ડેમની મુલાકાત લઇને સાચી વિગતો જાણવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
ડેમ અને નર્મદા કેનાલના પાણીમાં નહાવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં ડેમમાં નહાવા જનાર વ્યક્તિને કોઇ રોકતું નથી. જો તંત્ર જાગતું હોત અને આ બાળકોને ડેમના પાણીમાં નહાતા રોક્યા હોત તો પરિવારોના લાડકવાયાઓની જીંદગી બચી ગઇ હોત. પરંતુ તંત્રે ડેમ ઉપર નહાવા ઉપર પ્રતિબંધનું માત્ર બોર્ડ મૂકીને સંતોષ માની લીધો છે. આટલું જ નહી પરંતુ જે બોર્ડ મૂક્યું છે તેનું લખાણ બાવળની આડમાં ઢંકાઇ જાય છે. સુરક્ષા માટે એસઆરપી ચોકી છે.
પરંતુ ચોકીને તો તાળાં જ મારેલા હોય છે. ડેમ ઉપર એક માત્ર મોટી ઉંમરના પગી જ બેસે છે. જો કે ડેમના પાણી તરફ જતા રસ્તા ઉપર બેરીગેટર મૂકીને રસ્તો બંધ કર્યો છે છતાં લોકો આશાનીથી ડેમના પાણી સુધી પહોચી શકે તેમ છે. હજુ પણ જો નર્મદા વિભાગ સજાગ નહી બને તો આવી દુર્ધટના બને તેવી સ્થિતિ છે.
ગઇ કાલે જે ડેમમાં 3 યુવાન ડૂબ્યા, તે ધોળીધજા ડેમમાં આજે પણ લોકો ચિંતામુક્ત બની નહાઈ રહ્યા છે
બોર્ડનું લખાણ બાવળની આડમાં ઢંકાઈ જાય છે
લોકોને ડૂબતા બચાવવા માટે એક માત્ર ફેન્સિંગનો સહારો પણ તેનો અભાવ
શહેરમાં વર્તમાન સમયે કોઇ ફરવા લાયક સ્થળ નથી. આથી જ લોકો શહેરના એક માત્ર ડેમ ઉપર આવે છે. આવા સમયે જો તંત્ર દ્વારા ડેમમાં જ્યાંથી ઊંડા પાણીની શરૂઆત થાય છે ત્યાર ફેન્સિંગ કરવામાં આવે તો જ ડેમમાં ડૂબતી જીંદગીને બચાવી શકાય તેમ છે.
આ કારણથી… લોકો આકર્ષાય છે પણ ઊંડા ખાડાની અજાણતા જોખમી બની જાય છે
ધોળીધજા ડેમમાં જ્યારે નર્મદાનું પાણી ઠાલવવામાં આવે છે ત્યારે ખોલેલા દરવાજાથી પાણીનો ધસમસતો પ્રવાહ ડેમમાં જાય છે. ભરેલો ડેમ, સાંજે ખીલેલી સંધ્યાથી ડેમ રમણીય બનતા લોકો આકર્ષાય છે. નર્મદાના પાણીથી ડેમમાં પથ્થરો નીકળી રહ્યા છે. તેની સાથે સાથે પથ્થરની બાજુમાં 40 ફૂટ ઊંડા ખાડા પડેલા છે તેનાથી લોકો અજાણ છે. આથી પથ્થર સુધીનું પાણી છીછરું હોય લોકો પહોંચી જાય છે. જેના થોડે જ દૂર ઊંડી ખાઈ આવે છે. જે લોકો માટે જોખમી બની ગઇ છે.
ડેમમાં સેવાળનું પ્રમાણ વધુ, જો પગ ફસાઈ તો તરવૈયા માટે પણ બહાર નીકળવું મુશ્કેલ
નર્મદાનું પાણી સામાન્ય રીતે ઠંડુ હોય છે તેને કારણે તેમા સેવાળ ખૂબ થાય છે. અત્યારે ડેમમાં સેવાળનું પ્રમાણ પણ ઘણુ છે.તેમાં જો પગ ફસાય જાય તો સારા તરવૈયા હોય તો પણ બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. આ ઉપરાંત ડેમમાં ઊંડા ખાડા પણ લોકો માટે જોખમી બની ગયા છે.> કયવંતસિંહ હેરમા, એન્જીન્યર સંયુકત પાલિકા
એસઆરપીને પમ્પિંગ સ્ટેશને સિફટ કર્યા છે, પણ હવે તેમને ડેમ પર બોલાવી લઈશું
લોકોની સુરક્ષા અને કેનાલની પાણી ચોરી માટે ધોળીધજા ડેમ ઉપર એસઆરપીની ચોકી બનાવવામાં આવી છે. આ જવાનો કેનાલના પેટ્રોલિંગ પણ કરતા હોય છે. તેમને અત્યારે પમ્પિંગ સ્ટેશનને સિફ્ટ કરવામાં આવ્યા છે. પરંતુ હવે તેમને ધોળીધજા ડેમ ઉપર બોલાવી લઈશું. > વિજયભાઇ કરમટા, નાયબ કાર્યપાલક ઇજનેર, નર્મદા