સુરેન્દ્રનગરના રણમાં ધોધમાર વરસાદ, નાવીયાણી ગામમાં વીજળી પડતા એકનું મોત; અગરિયાઓની ચિંતા વધી | Torrential rains in Surendranagar desert, one killed by lightning in Naviyani village; Agarias became worried | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટડી તાલુકાના નાવીયાણી ગામમાં વરસાદી વાતાવરણ વચ્ચે વીજળી પડતા 29 વર્ષના પ્રવીણભાઈ કાળુભાઇ ઠાકોર નામના યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જેમાં પ્રાપ્ત વિગત અનુસાર પાટડી તાલુકાના નાવીયાણીની સીમમા એરંડા ભરતા વીજળી ત્રાટકી હતી. જેમાં આ યુવાનનું અકાળે મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. બાદમાં એને બેચરાજી તરફ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ એનુ કરૂણ મોત થયું હતુ. જેમાં મૃતક પ્રવીણભાઈ કાળુભાઇ ઠાકોર મેરા રોડ પર આવેલા તેના ખેતરમાં પરીવાર સાથે એરંડા ભરી રહ્યા હતા. ત્યારે આ ગોઝારી ઘટના બની હતી.

ખારાઘોડા રણમાં ફરી વરસાદ 60 % મીઠું હજી રણમાં પડ્યું છે ખારાઘોડા અને ઝીંઝુવાડામાં આ વર્ષે અંદાજે 13થી 14 લાખ મેટ્રિક ટન મીઠું ઉત્પાદન થવાનો અંદાજ હતો. અને ગત 1લી એપ્રિલથી રણમાંથી જેસીબી અને ડમ્પર વડે મીઠું પકવવાની સીઝન શરૂ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 40 % જેટલું મીઠું ગંજે આવ્યું છે. અને રણમાં અગરિયા દ્વારા પકવવામાં આવેલું 60 % મીઠું હજી રણમાં જ છે. ત્યારે રણમાં બે દિવસ અગાઉ ખાબકેલા વરસાદ બાદ આજે બપોરે રણના વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ ખારાઘોડા રણના વિસનગર અને નાગબાઇ સહિતના વિસ્તારમાં મુશળધાર વરસાદ ખાબકતા રણમાં મીઠું પકવતા અગરિયાઓ અને મીઠાના વેપારીઓનો જીવ તાળવે ચોંટી ગયો છે. કારણ કે, રણમાં એકવાર જોરદાર વરસાદ ખાબક્યા બાદ રણમાં ચીકણી માટીના કારણે ઘણા દિવસો સુધી રસ્તો ઠપ્પ થઇ જાય છે.