મોરબી8 કલાક પહેલા
- કૉપી લિંક
મોરબી નગરપાલિકાની ડમ્પિંગ સાઈટમાંથી ભંગાર ચોરી થઇ હોવાની જાણ થતા જ પાલિકાના અધિકારીઓ દોડી ગયા હતા અને મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધી અને ટ્રેક્ટર ચાલકને ઝડપી પાડ્યો હતો.
મોરબી નગરપાલિકામાં હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ફરિયાદી કનૈયાલાલ કાલરીયાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કે, મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સિમમાં રફાળેશ્વર ગામ પાસે, જીઓટેક કારખાના સામે, રેલવે ફાટક પાસે મોરબી નગરપાલિકાની ડમ્પિંગ સાઈડ આવેલી છે. જેનો ઉપયોગ મોરબી શહેરનો કચરો નાખવા માટે થાય છે. આ જગ્યામાં સરકાર તરફથી ખુલ્લો શેડ બનાવવામાં આવેલ છે. જે શેડનો ઉપયોગ કુંડીયા બનાવી તેમાં કચરો નાખી ખાતર બનાવવા ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપરાંત મોરબી નગરપાલિકા દ્વારા આ સાઈડ ઉપરથી ભંગાર ભરી પંચાસર રોડ પર આવેલા નંદીઘરમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. નિયમ અનુસાર આ ભંગારને ભરવા માટે જે.સી.બી.ના ડ્રાઇવર રહીશભાઈ જેડા પોતાનું જેસીબી લઈને આવ્યા હતા. પરંતુ એ સમયે ભંગાર મળી આવ્યો ન હતો. જેથી તેમણે તુરંત કનૈયાલાલને આ બાબતે ફોન દ્વારા જાણકારી આપી હતી. જેથી કનૈયાલાલ, નગરપાલિકાના સુપરવાઇઝર હિતેશભાઈ રવેશીયા, નગરપાલિકાના ઓડિટર ભાવેશભાઈ દોશી, કેશિયર મહાવીરસિંહ જાડેજા અને વાહન વિભાગના જયદીપ લોરીયા સહિતના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા.
તપાસ કરતા સામે આવ્યું હતું કે, આ શેડમાંથી નાની મોટી ચેનલ નંગ 30 તથા કેચી એંગલ નંગ 40 અને નાના-મોટા ગોળ પાઇપ નંગ 21 એમ મળી કુલ દોઢ ટનનો ભંગાર જેની કિંમત આશરે રૂપિયા 52 હજાર થાય છે. તે ઘટના સ્થળે મળી આવ્યો ન હતો અને ડમ્પીંગ સાઈડ પર કામ કરતા તેમના માણસોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું. કે, આ ભંગારની ચોરી રવાપર ગ્રામ પંચાયતના ટ્રેક્ટરના ડ્રાઇવર મનુ વાસુનિયાએ કરી હતી અને તે જ આ ભંગાર ભરીને લઈ ગયો હતો. જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આરોપી મનુભાઈ વાસીનિયાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.