ઉમાશંકર રેલ્વે ઓવરબ્રિજ અને વિજાપુર બાયપાસ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો | Traffic jam occurred on Umashankar Railway Overbridge and Vijapur Bypass Road | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકનો વધારો થતા કોઈ વાહન બ્રેક ડાઉન થાય ત્યારે ટ્રાફિક જામ થવાના દ્રશ્યો જોવા મળે છે. જેને લઈને ઉનાળાની ગરમીમાં ટ્રાફિકમાં શેકાવું પડે છે.

હિમતનગરમાં સોમવારે સવારે 10 થી 12 ના સમય ગાળા દરમિયાન એસટી બસ સ્ટેન્ડ પાસેના ઉમાશંકર રેલ્વે ઓવરબ્રિજ પર ઈનોવામાં ખામી સર્જાતા બ્રેક ડાઉન થઇ હતી. જેને લઈને જુના સિવિલ સર્કલથી ઉમાશંકર રેલ્વે ઓવરબ્રિજ પર ટ્રાફિક જામ થયો હતો. તે દરમિયાન 108 પણ આ ટ્રાફિક વચ્ચે ફસાઈ હતી. તો પુલ સાંકડો હોવાને લઈને એક તરફ વારાફરતી વાહન અવર જવર કરવાને લઈને એસટી સ્ટેન્ડ આગળ પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેને લઈને વાહન ચાલકોને ઉનાળાની ગરમીમાં શેકાવું પડયું હતું. જોકે અડધો કલાક બાદ ટ્રાફિક પૂર્વવત થયો હતો.

બીજી તરફ સવારના સમયે હિંમતનગર-વિજાપુર બાયપાસ રોડ ઉપર RTO પાસે ચાલતા ટ્રકનું ડ્રાઈવર સાઈડનું ટાયર અચાનક નીકળી ગયું હતું. જેને લઈને ટ્રક 10 ફૂટ ઘસડાયો હતો. જેથી રોડ વચ્ચે ટ્રક ખોટકાઈ જતા ત્રણ કિલોમીટરનો ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ટોલનાકાથી લઈને આરટીઓ સર્કલ અને આરટીઓથી લઈ પાણપુર પાટિયા તેમજ ઈડર રોડ ઉપર સુધીના ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. ત્રણ કિલોમીટર ટ્રાફિકની લાઇનમાં વાહન ચાલકો અટવાયા હતા. ઘટના સ્થળે પોલીસ પહોંચી ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો. હિંમતનગર આરટીઓ થી મોતીપુરા સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો ઇડર અને હિંમતનગર તરફ ત્રણ-ત્રણ કિલોમીટર લાંબી વાહનોની લાઈનોની કતારો જોવા મળી હતી. અવરજવર કરતા વાહન ચાલકો ફસાયા હતા. બીજી તરફ સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી..ત્યારબાદ ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો.