ખાડો ખોદીને છુપાવી રાખેલા બે મોબાઇલ ફોન મળ્યા; કારચાલકે મોપેડચાલક પિતા પુત્રને અડફેટે લઈ ઈજાઓ પહોંચાડી | Two mobile phones found hidden by digging a pit; The car driver hit the moped driver father and son and caused injuries | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

ખાડો ખોદીને છુપાવી રાખેલા બે મોબાઇલ ફોન મળ્યા
અધિક પોલીસ મહનિર્દેશક અને જેલ અને સુધારાત્મક વહીવટી કચેરીના ઝડતી સ્કવોડ, જેલર ગ્રુપ નં 2ના દેવસીભાઈ રમણભાઈ કરંગિયા દ્વારા પોતાના સ્ટાફને સાથે રાખીને ગત 23 તારીખે ગોધરા ખાતે આવેલી સબજેલમાં આકસ્મિક રીતે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન બેરેકમાં કેદીઓની ઝડતી દરમિયાન જેલની મુખ્ય જામની બાજુની તથા પાછળની મુખ્ય દીવાલના ખૂણા પાસે જમીનમાં ખાડો કરીને છુપાવી રાખેલો સિમકાર્ડ સાથેનો ચાલુ હાલતમાં એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. તેમજ બેરેક નં 7 સામે આવેલા પીપળાના ઝાડની બાજુમાં ઓટલા પાસે ખાડો કરીને છુપાવી રાખેલો સીમ કાર્ડ વિનાનો ચાલુ હાલતમાં મોબાઇલ ફોન મળી આવ્યો હતો. આમ ઝડતી સ્કવોડ બંને મોબાઇલ ફોન કબ્જે લેવામાં આવ્યા હતા અને સબજેલના અનધિકૃત રીતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરનારા અજાણ્યા કેદી સામે ગોધરા શહેર A-ડિવિઝન પોલીસમથકે પ્રીઝન્સ એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણવાજોગ નોંધાવી
ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલ મહાવીરનગર સોસાયટીમાં રહેતા ભદ્રેશકુમાર પંડ્યાએ ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસમથકે જાણવા જોગ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ ગોધરા નગરપાલીકામાં ઇજનેર તરીકે ફરજ બજાવે છે. ત્યારે ગત 10 તારીખે સાંજના સમયે હમીરપુર ખાતે આવેલા ગોધરા નગર પાલિકાના ભૂગર્ભ ગટર યોજનાના મુખ્ય પંપીંગ સ્ટેશન ખાતે મેઈન સ્વીચ સુધી લગાવેલો રૂ. 50 હજારની કિંમતનો 12 મીટર જેટલો કેબલ શોર્ટ સર્કિટને કારણે આકસ્મિક રીતે આગ લાગવાથી બળીને ખાક થઈ ગયો હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસે જાણવાજોગ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસકર્મીની બુક તૃપ્તિ ચોકડી નજીક ગુમ થતાં જાણવાજોગ
પ્રાપ્ત માહિતી મુજબ, શહેરા પોલીસ મથકે ફરજ બજાવતા ASI સિદ્ધરાજસિંહ સામતસિંહે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસમથકે જાણવાજોગ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત 17 તારીખે સાંજના સમયે તેઓ ગાડી લઈને વડોદરા રોડ પર આવેલ તૃપ્તિ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. જે દરમ્યાન તેઓના ગાડીના બોનેટના આગળના ભાગે મૂકી રાખેલ તમાકુ અધિનિયમની બુક ગુમ થઈ ગઈ હતી. ત્યારે સમગ્ર મામલે પોલીસે જાણવા જોગ નોંધીને બુકની ચોરી થઈ છે કે ગુમ થઈ ગઈ છે, તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

કારચાલકે મોપેડચાલક પિતા પુત્રને અડફેટે લઈ ઈજાઓ પહોંચાડી
પ્રાપ્ત વિગતો મુજબ, ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલા વૃંદાવનનગર સોસાયટીમાં રહેતા ધવલ દિપકકુમાર શાહે ગોધરા શહેર A-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત 20 તારીખે બપોરના સમયે પોતાના પુત્ર સાથે પોતાનું મોપેડ વાહન લઇને અમદાવાદ જવા માટે નીકળ્યા હતાં. તેઓ વૃંદાવન નગર સોસાયટીમાંથી બહાર નીકળી રહ્યા હતા. તે વેળાએ સામેથી પૂરઝડપે આવેલા કારચાલકે પિતા પુત્રને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ધવલ શાહ અને તેઓનો પુત્ર અંશ બંને મોપેડ પરથી નીચે પડ્યા હતા. જેમાં અંશ કાર સાથે ધસડાયો હતો. બીજી તરફ સ્થાનિકો દ્વારા બંને ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં 13 વર્ષીય અંશને પગના ભાગે ફ્રેકચર હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સમગ્ર અકસ્માતની ઘટના મામલે આજરોજ ગોધરા શહેર A-ડિવિઝન પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Previous Post Next Post