સુરેન્દ્રનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વણોદ પંથકમાં જોરદાર વરસાદી ઝાપટું પડતા ગામ સોસરા પાણી નીકળી ગયા હતા. જ્યારે પાટડી નગરમાં ભારે પવનના લીધે લાઇટ ડુલ થઇ જતા નગરજનો અકળાયા હતા.
પાટડી પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યાં બાદ વરસાદી ઝાપટા શરૂ થયા હતા. જેમાં પાટડી તાલુકાના વણોદ અને પાનવામાં અડધો કલાક વરસેલા વરસાદે ગામ સોસરા પાણી કાઢી નાંખ્યા હતા. આ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં અસહ્ય બફારાનો સામનો કરી રહેલા લોકોને મહદઅંશે રાહત થઇ હતી.
પાટડી તાલુકામાં આકાશ કાળાડીબાંગ વાદળોથી ગોરંભાયેલું છે. બીજી બાજુ રણમાંથી મીઠું ખેંચવાની સીઝન પૂર્ણતાના આરે છે. આગામી એકાદ અઠવાડિયામાં રણમાંથી ખારાઘોડા અને ઝીંઝુવાડામાં મીઠું ખેંચવાની સીઝન પૂર્ણ થઇ જશે. ત્યારે વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ રણ વિસ્તારમાં પણ વરસાદી માહોલના પગલે મીઠાના વેપારીઓ અને રણમાં મીઠું પકવતા અગરિયાઓનો જીવ પડીકે બંધાયો છે. જ્યારે પાટડી શહેરમાં પણ ભારે પવનના સૂસવાટા વચ્ચે વિજળી ડુલ થઇ જતાં નગરજનો અકળાયા હતા. જ્યારે હાલમાં પણ પાટડી પંથકમાં વરસાદી માહોલ વચ્ચે મોડીરાત્રે પણ વરસાદ ઝીંકાવાની સંભાવના તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.