ખાંભાના સિમ વિસ્તારમાં બિલાડીનો શિકાર કરવા જતાં દીપડો કૂવામાં ખાબક્યો, વનવિભાગની ટીમે રેસ્ક્યૂ કર્યું | While hunting a cat in the SIM area of Khambha, a leopard fell into a well, a forest department team rescued | Times Of Ahmedabad

અમરેલી15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં દીપડાની સંખ્યા વધતા ગ્રામ્ય વિસ્તારમાં પણ દીપડાની સતત લટાર જોવા મળી રહી છે. ત્યારે ખાંભા પંથકમાં વહેલી સવારે ભીમભાઈ બચુભાઇ સાખટની વાડી નજીક પાણી ભરેલા કુવામા એક દીપડો ખાબક્યો હતો. જેથી વનવિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવી લેવાયો છે.

વનવિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે વહેલી સવારે દીપડો શિકારની શોધમાં આવી ચડ્યો હતો, અહીં બિલાડી સામે આવતા દીપડો તેનો શિકાર કરવા માટે દોડ્યો હતો. જોકે, બિલાડી જીવ બચાવવા દોડી અને કુવાની આગળ નીકળી જતા દીપડાએ છલાંગ લગાવી શિકાર કરવાનો પ્રયાસ કરતા શિકારના બદલે દીપડો કૂવામાં ખાબક્યો હતો. ઘટનાના પગલે આસપાસના વાડી વિસ્તારના લોકોએ ખાંભા વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવ્યો હતો. દીપડાનું હેલ્થ ચકાસવા માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.

આ ઉપરાત અન્ય દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કરવાની ઘટના પણ સામે આવી છે. ખાંભાના ભાણીયા ગામ જંગલ વિસ્તારમાં આવેલું ગામ છે અહીં ફળિયામાં સુતેલા જીલુભાઈ ડાયાભાઈ સોલંકી ઉંમર 45 આધેડ ઉપર દીપડાએ હુમલો કરતા તેમને સામાન્ય ઇજાઓ થઈ છે. જોકે, દીપડો અહીંથી નાચી છૂટ્યો હતો, જેના કારણે લોકોએ રાહત અનુભવી છે. ઘટનાની જાણ થતાં રેન્જના આર.એફ.ઓએ વનવિભાગને સૂચના આપતા ઘટના સ્થળે દોડી પાંજરા ગોઠવવામાં આવ્યાં છે અને દીપડાને પકડવા માટેની કવાયત હાથ ધરી છે.