ગુજરાતના સૌથી જુના મ્યૂઝિયમનો દરજ્જો ધરાવતા કચ્છ મ્યૂઝિયમમાં સચવાયેલો છે સંસ્કૃતિ, કલા વારસો અને ધરોહરનો ઈતિહાસ | With the status of the oldest museum in Gujarat, Kutch Museum preserves the history of culture, art heritage and heritage. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • With The Status Of The Oldest Museum In Gujarat, Kutch Museum Preserves The History Of Culture, Art Heritage And Heritage.

કચ્છ (ભુજ )એક કલાક પહેલા

  • કૉપી લિંક

ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યૂઝિયમ દ્વારા આ વર્ષના મ્યૂઝિયમ દિવસની થીમ “સંગ્રહાલયો, ટકાઉપણું અને સુખાકારી” રાખવામાં આવી છે. કચ્છ મ્યૂઝિયમ એ ગુજરાતમાં આવેલું સૌથી જુનુ મ્યૂઝિયમ છે. ભુજ શહેરમાં હમીરસર તળાવના કિનારે ઈટાલિયન ગૌથિક શૈલીમાં તૈયાર થયેલી કચ્છ મ્યૂઝિયમની ઈમારત પ્રથમ દ્રષ્ટિએ જ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા કચ્છ મ્યૂઝિયમની સારસંભાળ અને રખરખાવની કામગીરી કરવામાં આવે છે. વર્ષ 2001માં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ 20 ફેબ્રુઆરી,2008ના રોજ હાલના વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કચ્છ મ્યૂઝિયમનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.

મ્યુઝિયમ ની પ્રવેશ ફી માત્ર રૂ. 5 જ છે
કચ્છ મ્યૂઝિયમની સ્થાપનાના ઈતિહાસ પર નજર કરીએ તો કચ્છના રાજા મહારાવ ખેંગારજી ત્રીજા દ્વારા આચાર્ય જે.ડી. એસ્પેરેન્સના માર્ગદર્શન હેઠળ સ્કૂલ ઓફ આર્ટના ભાગરૂપે 1 જુલાઈ, 1877ના રોજ તેની સ્થાપના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 1884માં રાવ ખેંગારજીના લગ્નપ્રસંગે કચ્છની કળા અને હસ્તકલાનું એક વિશાળ પ્રદર્શન યોજવામાં આવ્યું. જ્યારે પ્રદર્શન પૂર્ણ થયું ત્યારે આ કલાકૃતિઓને ક્યાં સ્થળે સંગ્રહિત કરવી એ પ્રશ્ન ઉભો થયો. આ કલાકૃતિઓના સંગ્રહ માટે એક અલગ ઈમારતી જરૂરિયાત ઉભી થતા બોમ્બેના તત્કાલિન ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુસન દ્વારા કચ્છ મ્યૂઝિયમની વર્તમાન બિલ્ડીંગનો શિલાન્યાસ કરવામાં આવ્યો. કચ્છમાં ખેંગારજી ત્રીજાના શાસન દરમિયાન કચ્છ મ્યૂઝિયમનો જન્મ ગુજરાતના અન્ય મ્યૂઝિયમના ચળવળના ઈતિહાસમાં એક સીમાચિન્હરૂપ અવસર તરીકે સ્થાપિત થયો. બોમ્બેના તત્કાલિન ગવર્નરના પ્રયાસોને લીધે મહારાજા દ્વારા આ મ્યૂઝિયમનું નામ ફર્ગ્યુસન મ્યૂઝિયમ રાખવામાં આવ્યું હતું.

સમય જતાં બોમ્બેમાંથી ગુજરાતને એક સ્વતંત્ર રાજ્ય બનાવવામાં આવ્યું ત્યારે આ મ્યૂઝિયમને ફરીથી લોકો માટે ખોલવામાં આવ્યું અને તેનું નામ કચ્છ મ્યૂઝિયમ રાખવામાં આવ્યું. તત્કાલિન સ્ટેટ એન્જિનિયર મેક લેલન્ડ દ્વારા કચ્છ મ્યૂઝિયમના બે માળના ભવનને ઈટાલિયન ગૌથિક શૈલીમાં ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ મ્યૂઝિયમને ખાસ પ્રકારના લાલ રંગની રેતીના પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. ભૂકંપની સ્થિતિ પછી મ્યૂઝિયમના વિકાસને ધ્યાનમાં રાખીને બાજુમાં આવેલી આલ્ફ્રેડ હાઈસ્કૂલની ઈમારતને પણ રાજ્ય સરકાર હસ્તગત કરવામાં આવી.

ઈ.સ.1795માં ટીપુ સુલતાન દ્વારા શ્રીરંગપટ્ટણની વિશાળ તોપ હૈદરી કચ્છી લશ્કરના વડા જમાદાર ફતેહ મહમ્મદને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. ભેટમાં મળેલી આ તોપ કચ્છ મ્યૂઝિયમ પરિસરમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. રસપ્રદ કહાની એવી છે કે, ટીપુ સુલતાને કચ્છના ઊંચી નસ્લના ઘોડાઓ લેવા માટે આ તોપ ભેટમાં આપી હતી. આ ઉપરાંત અનેક બહુમૂલ્ય વસ્તુઓનો સંગ્રહ મ્યૂઝિયમમાં કરવામાં આવ્યો છે. વીસમી સદીનો સુવર્ણ મુકુટ, સાતમી સદીની ભગવાન ગૌતમ બુદ્ધની કાંસ્ય પ્રતિમાં, વીસમી સદીનું રોગ આર્ટની કલાકૃતિ, સિંધુ ખીણની સંસ્કૃતિના વાસણો, ભગવાન ઈન્દ્રનો સાત સૂંઢવાળો સફેદ લાકડાના હાથીની બેનમૂન કૃતિ, કચ્છના ક્ષત્રપ શિલાલેખો, અંધૌના શિલાલેખ, ખાવડાનો લેખ, દોલતપરનો લેખ, વાંઢનો લેખ પણ કચ્છ મ્યૂઝિયમમાં સંગ્રહિત છે.

આ સિવાય કચ્છના વિવિધ રજવાડાઓના જુના ચલણી સિક્કાઓ, કચ્છી સંગીત વાદ્યો, રણમાં વિષમ પરિસ્થિતિ વચ્ચે પાંગરેલું કચ્છનું જનજીવન, બન્ની વિસ્તાર વગેરે વિશે રોચક માહિતી કચ્છ મ્યૂઝિયમના માધ્યમથી મળી રહે છે. કચ્છની સામાજિક સ્થિતિનો ખ્યાલ પણ કચ્છ મ્યૂઝિયમમાં લટાર મારવાથી મળે છે. કોળી, વાગડીઆ રબારી, કચ્છી, આહીર, ભીલ, ચારણ, મુતવા, મેઘવાળ, ફકિરાણી જત અને પઠાણ વગેરે સમુદ્દાયોની રહેણીકરણી, સંસ્કૃતિ, વેપાર, કળા વિશે રસપ્રદ માહિતી પ્રદર્શનના માધ્યમથી પીરસવામાં આવે છે. સોના ચાંદીના વાસણો, રાજાશાહી સમયના હથિયારો અને બંદૂકો સહિત ઐતિહાસિક પ્રકાશનો સાથેની રેફરન્સ લાયબ્રેરી પણ અહીં ઉપલબ્ધ છે.

કચ્છ મ્યૂઝિયમના ક્યુરેટર બુલબુલ હિંગલાજિયા જણાવે છે કે, આ મ્યૂઝિયમ ફક્ત વસ્તુઓના સંગ્રહિત કરવાનું જ કામ નથી કરી રહ્યું પણ આગામી પેઢીમાં સાંસ્કૃતિક વારસાના જતન પ્રત્યે જાગૃતતા આવે તે દિશામાં કામ કરી રહ્યું છે. કચ્છ મ્યૂઝિયમ ઈ.સ.પૂર્વે 2500થી લઈને 21મી સદી સુધીની વિવિધ પ્રાચીન વસ્તુઓ અને કલાના અવશેષોનો ખજાનો ધરાવે છે.

Previous Post Next Post