ગાંધીનગર સેક્ટર - 21 પોલીસ મથકના પીઆઈ સસ્પેન્ડ, હત્યાનાં પ્રયાસના આરોપીને લોકઅપની જગ્યાએ રૂમમાં રખાયાનો વીડિયો વાયરલ થયો હતો | Gandhinagar Sector - 21 Police Station PI suspended, accused of attempted murder kept in room instead of lockup went viral | Times Of Ahmedabad

ગાંધીનગર3 કલાક પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરના સેક્ટર – 21 પોલીસ મથકમાં હત્યાના પ્રયાસના ગુનાના આરોપીને લોકઅપની જગ્યાએ પોલીસ સ્ટેશનના રૂમમાં રહેવાની સગવડ આપવામાં આવી હોવાનો કથિત વીડિયો વાયરલ થવાના પ્રકરણમાં પીઆઈ પી બી ખાંભલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. જેને લઈ પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે.

ગાંધીનગરના સેક્ટર – 24 શ્રીનગર સોસાયટીમાં નજીવી બાબતે ધિંગાણું થયું હતું અને તલવાર વડે હુમલો કરી વકીલની હત્યાનાં પ્રયાસનો ગુનો સેક્ટર – 21 પોલીસ મથકમાં નોંધાયો હતો. ગાંધીનગર સેક્ટર – 24 શ્રીનગર સોસાયટીમાં રહેતાં 24 વર્ષીય વકીલ જગદીશભાઈ અતુલભાઇ દેસાઈ 8મી માર્ચની રાત્રે જમી પરવારીને આંટો મારવા નીકળ્યા હતા. ત્યારે નજીકમાં રહેતાં કસ્તુર ભાઈ મારવાડી (માલી) ના ઘર આગળ કેટલાક માણસો ગાળાગાળી કરી રહ્યા હતા. આથી જગદીશભાઈએ સોસાયટીમાં અન્ય લોકો પણ રહેતાં હોવાનું જણાવી ગાળો નહીં બોલવા કહ્યું હતું.

આ સાંભળીને કસ્તુરભાઈ એકદમ ઉશ્કેરાઈ ગાળો બોલી કહેવા લાગેલ કે, તું તારી પંચાયત કરે મને તારે કાંઈ કહેવાનું નહીં અને નીચે પડેલ સિમેન્ટનો બ્લોક માથામાં મારી દીધો હતો. જેનું ઉપરાણું લઈને તેના દીકરા આકાશ અને સંજય અને તેના ભાઈ તુલસીભાઈ માલી તલવાર તથા પાઇપો લઇને આવી ગયા હતા. બાદમાં આકાશે તલવાર કપાળના તેમજ માથાના ભાગે મારતા જગદીશભાઈ લોહી લુહાણ થઈ ગયા હતા. આ જોઈને જગદીશભાઈનાં પિતા અને ભાઈ સમીર દોડી ગયા હતા. જેઓને પણ પાઈપ વડે માર મારવામાં આવ્યો હતો.

બીજી તરફ કસ્તુરભાઇ માલીએ પણ સામે પક્ષે ફરિયાદ આપેલી કે, તેઓ જુદી જુદી જગ્યાએ ચોળાફળીનો વેપાર કરે છે. બનાવની રાત્રે, જગદિશભાઇ, સમીર તેમજ અતુલભાઈ દેસાઈએ ચોળાફળી માંગી હતી. જો કે હાલમાં ચોળાફળી નથી તેવુ કસ્તુરભાઈએ કહેતાં જ જગદીશભાઇ એકદમ ઉશ્કેરાઇ ગાળો બોલી ગળદાપાટુથી માર મારવા લાગ્યા હતા. જેનું ઉપરાણું લઈ તેના ભાઇ સમીર અને પિતા અતુલભાઇ ગાળો બોલી ઝપાઝપી કરવા લાગેલા.

જેમને છોડાવવા માટે દીકરો આકાશ અને પુત્રવધૂ રેખાબેન વચ્ચે પડતાં સમીરે પાઈપ વડે હૂમલો કર્યો હતો. આ ઝઘડામાં કસ્તુરભાઈનાં ગળામાંથી સોનાની ચેઇન પડી ગઈ હતી. બાદમાં આસપાસના લોકો એકઠા થઈ જતાં મામલો શાંત પડ્યો હતો. આ પ્રકરણમાં સેકટર – 21 પોલીસ દ્વારા થોડા દિવસ પહેલાં કસ્તુર માલી સહીતના આરોપીની હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી લેવાઈ હતી.

પોલીસ મથકમાં આરોપીને વીઆઈપી સુવિધા આપવામાં આવતી હોવાનું માનીને વકીલ જગદીશભાઈ દેસાઈ રાત્રીના સમયે પોલીસ મથકે પહોંચી ગયા હતા. જ્યાં આરોપીને લોકઅપમાં રાખવાની જગ્યાએ એક રૂમમાં પંખાની સુવિધા સાથે રાખવામાં આવ્યો હોવાનો વીડિયો ઉતારી લીધો હતો. જે વીડિયો વાયરલ થયો હતો. જેની ગંભીર નોંધ લઈને પોલીસ વડાએ સેકટર – 21 પોલીસ મથકના પીઆઈ પી બી ખાંભલાને સસ્પેન્ડ કરી દીધા છે. આ સિવાય અન્ય બે ત્રણ કસૂરવાર પોલીસ કર્મચારીઓ સામે પણ ડીઓ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Previous Post Next Post