મનપાની વેરા વળતર યોજના આવતીકાલથી બંધ, આજે વધુ 38 મિલ્કતોને સીલ કરી રૂ.1.60 કરોડ વસુલાયા | Municipal tax refund scheme closed from tomorrow, 38 more properties sealed today and Rs 1.60 crore collected | Times Of Ahmedabad

રાજકોટ7 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ મનપાની વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ, મિલ્કત વેરા હપ્તા યોજનાની આજે અંતિમ તારીખ છે. એટલે કે, આવતીકાલથી જ આ બંને યોજનાનો લાભ મળશે નહીં. જો કે નવી વેરા વળતર યોજના 30 જૂન સુધી અમલમાં રહેશે. દરમિયાન વેરા વસુલાત શાખાએ આજે રીકવરી ઝુંબેશમાં 38 મીલ્કતોને સીલ કરીને 10 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ ફટકારી હતી. સાથે જ રૂ.1.60 કરોડની રીકવરી કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.1માં જામનગર રોડ પર રૂા.91.795ની રીકવરી, વોર્ડ નં.3માં મોચી બજારમાં સિધ્ધી વિનાયક કોમ્પલેક્ષમાં બે દુકાનો સીલ, વોર્ડ નં.4માં કુવાડવા રોડ પર શકિત ડિઝલને સીલ સાથે રૂા.1,18,564ની રીકવરી, વોર્ડ નં.5માં પેડક રોડ પર 1 યુનીટને નોટીસ, વોર્ડ નં.6 આજી ડેમ વિસ્તારમાં સીલની કાર્યવાહીમાં રૂા.43,210ની રીકવરી, વોર્ડ નં.7માં ઢેબર રોડ, એસટી બસ પોર્ટના ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફલોર શોપમાંથી રૂા.3,28,818ની રીકવરી કરવામાં આવી હતી.

રાજવી પરિવારનાં મિલકત વિવાદની વધુ એક સુનાવણી
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં આજે રેવન્યુ બોર્ડ યોજવામાં આવ્યું હતું. જેમાં 69 કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ તકે સવારના પ્રથમ સેશનમાં 32 કેસોનું હીયરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં રાજવી પરિવારના કરોડોની મિલ્કત વિવાદના કેસની પણ આજે વધુ એક સુનાવણી આ બોર્ડમાં થઈ હતી. અગાઉ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલે આ મામલે માંધાતાસિંહના બહેન અંબાલીકાદેવીની તરફેણમાં હુકમ કર્યો હતો. આ હુકમને માંધાતાસિંહે કલેકટર સમક્ષ પડકારી અપીલ દાખલ કરી હતી. આજના કલેકટરના બોર્ડમાં આ કેસમાં વધુ એક સુનાવણી આજે થઈ હતી. આ સિવાય રેવન્યુ બોર્ડમાં લોધીકા, હડમતીયા, જેતલસર, રીબડા, કાળીપાટ સહિતના 69 જેટલા કેસોનું હીયરીંગ બે સેશનમાં કરાયું હતું.

નોન ક્રિમીલેયર સર્ટીફિકેટ મામલતદાર કચેરીમાંથી મળશે
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ નોન ક્રિમીલેયર સર્ટીફિકેટ આવતીકાલ તા. 1જૂન 2023ના રોજથી મામલતદાર પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દ્વારા મામલતદાર કચેરીમાંથી કાઢી આપવામાં આવશે. બહુમાળી ભવન, સેવા સદન – 2 ખાતે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, બિન અનામત વર્ગ, લધુમતી અને વિચરતી વિમુક્ત જાતિઓના પ્રમાણ પત્ર કાઢી આપવાની કામગીરી સુચારૂ રૂપે અગાઉની જેમ કાર્યરત રહેશે, તેમ જિલ્લા નાયબ નિયામક (વિકસતી જાતિ) જે. એ. બારોટની યાદીમાં જણાવાયું છે.

જિલ્લામાં 4 જૂન સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના
રાજકોટ જિલ્લામાં આગામી તા. 4 જૂન સુધી અંશત: વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતા છે. આ સમય ગાળામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40 થી 41 ડિગ્રી સેલ્સીયસ અને રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન 26 થી 27 ડિગ્રી સેલ્સીયસ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ 67 થી 76 ટકા જ્યારે મહત્તમ ભેજનું પ્રમાણ 17થી 33 ટકા રહેવાની સંભાવના છે. પવનની દિશા પશ્ચિમની અને પવનની ઝડપ 22થી 27 કી.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા હોવાનું જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડિયાની યાદીમાં જણાવાયું છે.

Previous Post Next Post