નડિયાદ4 કલાક પહેલા
- કૉપી લિંક

ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં સ્થાનિક પોલીસે ટ્રકમાં ઘઉના કટ્ટાની આડમાં લઈ જવાતો લાખોની કિંમતનો પોશડોડાનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે આ પોશડોડાના જથ્થા સાથે ટ્રક ચાલક અને ક્લીનરની અટકાયત કરતાં અન્ય 3 વ્યક્તિઓની સંડોવણી ખુલ્લી છે.રૂપિયા 81.68 લાખના પોશ ડોડાનો જથ્થો સાથે ટ્રક મળી કુલ રૂપિયા 1 કરોડ 1 લાખ 32 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અને તમામ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ પોશડોડાનો જથ્થો મધ્યપ્રદેશના મન્સોરથી સૌરાષ્ટ્રના બોટાદ ખાતે લઇ જવાતો હોવાનુ બહાર આવ્યુ છે.
ખેડા જિલ્લા હદ વિસ્તારમાં ત્રણેક જેટલી પોલીસની ચેકપોસ્ટો પણ આવેલી છે. તેમ છતાં રોજ આ હાઇવે રોડ પર થઈ મોટી માત્રામાં વિદેશી દારૂ સહિતના માદક દ્રવ્યોની હેરફેર થઈ રહી હોય તે સૂચક બાબત છે. પોલીસ દ્વારા સમયે સમયે આ હાઇવે રોડ પર વાહનોમાં હેરફેર થતાં વિદેશી દારૂ તેમજ નશીલા ગાંજા સહિતના માદક દ્રવ્યો ઝડપી પાડવામાં આવે છે. કઠલાલ પોલીસને ગઈકાલે સાંજના સમયે બાતમી મળી હતી કે મોટી માત્રામાં નશીલો ગાંજો છુપાવી લઈ જતી ટ્રક નંબર (RJ 14 GB 9617) અમદાવાદ ઈન્દોર હાઇવે પર થઈ પસાર થવાની છે જેના પગલે પોલીસ ટીમ અમદાવાદ ઈન્દોર હાઇવે રોડ પર આવેલ લાડવેલ પીકઅપ સ્ટેન્ડ ખાતે વોચમાં ગોઠવાઈ ગઈ હતી.
આ સમયે બાતમી વાળી ટ્રક ત્યાં આવતા પોલીસે અટકાવી હતી અને પોલીસે ટ્રકની તલાસી હાથ ધરી હતી. ટ્રકમાંથી પોલીસને ઘઉંના કટ્ટા મળી આવ્યા હતા. જેને ઉથલાવી જોતાં 125 નંગ પ્લાસ્ટીકની કોથળીઓમાં ભરેલ નસીલા વનસ્પતિ જન્ય પોશડોડા 2770 કિ.ગ્રા 800 ગ્રામ કુલ કિમત રૂપિયા 81 લાખ 68 હજાર 400નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પોશ ડોડાનો જથ્થો, ટ્રક, ઘઉંના કોથળા રોકડા રૂપીયા 18 હજાર 300 સહિત કુલ રૂપિયા 1 કરોડ 1 લાખ 32 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે પોલીસે ટ્રકના ચાલક અને ક્લીનર ગ્યારસી કલ્યાણ રેગર (રહે.જામોલી તા જહાજપુર જીલ્લો- ભીલવાડા રાજસ્થાન) અને નેમી કલ્યાણ રેગર (રહે.જામોલી તા.જાજપુર જીલ્લો- ભીલવાડા રાજસ્થાન)ની અટકાયત કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં રાજસ્થાનના અસલમ નૂર નામના ઈસમે અને નેમી કલ્યાણ રેગરે મધ્યપ્રદેશના મનસોર ખાતેથી ટ્રકમાંથી પોશડોડાનો જથ્થો મોબાઇલ નંબર વાળી વ્યક્તિ પાસેથી ટ્રકમાં ભરી આપ્યો હતો અને ગુજરાતના સૌરાષ્ટ્ર ખાતેના બોટાદ દેવધરી પાસે એક વ્યક્તિને પહોંચાડવાનો હતો તેવો ખુલાસો થયો હતો. આમ પોલીસે કુલ 5 સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.