જૂનાગઢમાં બિસ્માર-ધૂળિયા રસ્તાને લઈ લોકો રસ્તા ઉપર ઉતર્યા: ચક્કાજામ કર્યો

[og_img]

  • છેલ્લા દોઢ-બે વર્ષથી મોટા ભાગના રોડ-રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા
  • જનતાની ધીરજનો અંત આવતા અડધી કલાક રસ્તા રોકી સૂત્રોચ્ચાર
  • મોતીબાગથી સ્વામિનારાયણ મંદિર સુધીના રસ્તાથી વેપારીઓમાં રોષ

જૂનાગઢમાં મોતીબાગથી સ્વામિનારાયણ મંદિર સુધીના બિસ્માર અને ધૂળિયા રસ્તાને લઈને પરેશાન બનેલા વાહન ચાલકો અને વેપારીઓ દ્વારા આજે સાંજે રોડ ઉપર બેસી જઇને ચક્કાજામ કરતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. જેને લઈને પોલીસે આવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. જો કે આજે આંદોલનનું આ ટ્રેલર હોવાનું જણાવી રોષિત લોકોએ જણાવ્યું કે, 72 કલાકમાં કામ શરુ નહી થાય તો ગુરુવારથી ફરી ચક્કાજામ કરવાની ચિમકી આપી હતી.

જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટર અને ગેસની લાઈન નાખવા માટે છેલ્લા દોઢ-બે વર્ષથી મોટા ભાગના રોડ-રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા બાદ તેને મહાનગરપાલિકા દ્વારા રીપેર નહી કરવામાં આવતા આ રસ્તાઓ ચોમાસાના વરસાદમાં પગપાળા ચાલવા લાયક પણ રહ્યા નથી, તેવામાં બિસ્માર રસ્તાઓ ધૂળિયા બની જતા રોડ ઉપર દુકાનો ધરાવતા વેપારીઓ અને રસ્તે પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો સતત ઉડતી રઝકણ અને ધૂળથી પરેશાન બન્યા છે. વરસાદે વિરામ લીધાને સાતેક દિવસ થયા છતાં હજુ સુધી મનપા દ્વારા રો-રસ્તાના કામ શરુ કરવામાં ન આવતા અંતે જનતાની ધીરજ ખૂટી ગયેલ હતી.

આજે સાંજે મોતીબાગથી સ્વામિનારાયણ રોડના વેપારીઓ અને સ્થાનિક નાગરિકોએ રોડ ઉપર બેસી જઇને ચક્કાજામ કર્યા હતા, પરંતુ અડધી કલાક બાદ પણ મનપામાંથી કોઈ પદાધિકારી કે અધિકારીઓ ફરક્યા ન હતા, જેને લઈને લોકોમાં રોષ ફેલાયો હતો, આ સમયે રોડના બંને તરફ એકથી દોઢ કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી જતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો, રસ્તા પે બેઠેલા લોકોને સમજાવીને રસ્તાઓ ખુલ્લા કરાવ્યા હતા.

મનપાને 72 કલાકનું અલ્ટીમેટમ, ગુરુવારે ફરી ચક્કાજામ

ચક્કજામમાં જોડાયેલા જાગૃત નાગરિક તુષાર સોજીત્રાએ જણાવ્યું હતું કે, આજે લોકોની ધીરજનો અંત આવી ગયો છે, લોકોની પરીક્ષા ન લો, આજે લોકો રસ્તા પર બેઠા છે પરંતુ કાલે તમને ઘર ભેગા કરીને તમને રસ્તા પર બેસાડી દેશે, આજે તંત્રની આંખ ઉઘાડવા પ્રતિક આંદોલન કર્યું હતું, સોમવારે આ મામલે મ્યુ.કમિશ્નરને આવેદન આપીને 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવશે, અન્યથા ગુરુવારથી સજ્જડ ચક્કાજામ કરવાની ચિમકી આપી હતી.

Previous Post Next Post