Monday, August 29, 2022

ભારત-પાકિસ્તાન મેચમાં બન્યા અનોખા રેકોર્ડ, કોહલીએ રચ્યો ઈતિહાસ

[og_img]

  • ભારતના ફાસ્ટ બોલરોએ પાકિસ્તાનની તમામ 10 વિકેટ લીધી
  • ભુવનેશ્વર પાકિસ્તાન સામે T20માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બોલર
  • કોહલી ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમનાર એશિયાનો પ્રથમ ખેલાડી

એશિયા કપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. મેચ છેલ્લી ઓવર સુધી ચાલી હતી, જેમાં ભારતીય ટીમે 5 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. આ મેચમાં ઘણા મોટા અને અનોખા રેકોર્ડ પણ બન્યા હતા.

તમામ 10 વિકેટ ભારતના ફાસ્ટ બોલરોએ લીધી

આ મેચમાં પાકિસ્તાન ટીમની તમામ 10 વિકેટ ભારતના ફાસ્ટ બોલરોએ લીધી હતી. T20 ઈન્ટરનેશનલ મેચમાં આ પહેલો પ્રસંગ છે, જ્યારે ભારતીય ટીમની મેચમાં તમામ વિકેટ ઝડપી બોલરોએ લીધી હોય. મેચમાં ભુવનેશ્વર કુમારે 4, હાર્દિક પંડ્યાએ 3, અર્શદીપ સિંહે 2 અને અવેશ ખાને એક વિકેટ લીધી હતી. આ મેચ પહેલા ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે તેના ઘરે T20 મેચ રમી હતી. જેમાં ભારતની તમામ 10 વિકેટ સ્પિન બોલરોએ લીધી હતી. T20માં ભારતની તમામ વિકેટ સ્પિનરોએ લીધી હોય તેવું પણ પ્રથમ વખત બન્યું હતું.

પાકિસ્તાન સામે T20માં સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન

આ મેચમાં ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 26 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ રીતે, તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની T20 મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ભારતીય બોલર બની ગયો છે. જો કે, બંને વચ્ચેનો આ રેકોર્ડ પાકિસ્તાનના મોહમ્મદ આસિફના નામે છે, જેણે સપ્ટેમ્બર 2007માં 18 રનમાં 4 વિકેટ લીધી હતી.

વિરાટ કોહલીની 100મી T20 મેચ

પાકિસ્તાન સામેની મેચમાં એન્ટ્રી કરવાની સાથે જ વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ પણ બનાવી લીધો છે. આ તેની 100મી T20 આંતરરાષ્ટ્રીય મેચ હતી. આ સિદ્ધિ મેળવનાર તે બીજો ભારતીય બન્યો છે. રોહિત શર્મા 133 T20 મેચ રમનાર વિશ્વનો પ્રથમ ખેલાડી છે.

ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમનાર એશિયાનો પ્રથમ ખેલાડી

આ સાથે વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI, T20)માં 100-100 મેચ રમનાર એશિયાનો પ્રથમ અને વિશ્વનો બીજો ખેલાડી બન્યો. આ રેકોર્ડમાં ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ખેલાડી રોસ ટેલર ટોચ પર છે. ટેલરે 112 ટેસ્ટ, 236 ODI અને 102 T20 મેચ રમી છે. 100 T20 મેચો સિવાય વિરાટ કોહલીએ 262 ODI અને 102 ટેસ્ટ મેચ રમી છે. કોહલીએ અત્યાર સુધીમાં 70 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. પાકિસ્તાન સામેની મેચમાં કોહલીએ 34 બોલમાં 35 રન બનાવ્યા હતા.

પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત

મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ મોટી ભાગીદારી કરીને ભારતીય ટીમને જીત અપાવી હતી. જાડેજાએ 35 અને પંડ્યાએ 33 રનની અણનમ ઇનિંગ રમી હતી. ત્રણ વિકેટ લેનાર પંડ્યાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.