અંગ્રેજીમાં 'ઢ' છતાં IELTSમાં 8 બેન્ડ મેળવી મહેસાણાના ચાર યુવાનોને અમેરિકા મોકલવાનું કૌભાંડ | Scam to send four youths to America after getting 8 band in IELTS despite 'bad' in English

મહેસાણા43 મિનિટ પહેલાલેખક: રાજુ નાયક

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • મહેસાણા જિલ્લાના આવા 4 વિદ્યાર્થીઓ અમેરિકા પહોંચી જતાં SOGએ તપાસ આરંભી
  • અમેરિકન સરકારે મુંબઈ એમ્બેસીને અને એમ્બેસીના અધિકારીએ મહેસાણા એસપીને જાણ કરી

અંગ્રેજી આવડતું ન હોવા છતાં પણ IELTSમાં 8 બેન્ડ લાવી ભારતથી કેનેડા અને કેનેડાથી ગેરકાયદે અમેરિકા ઘૂસી ગયેલા મહેસાણા જિલ્લાના 4 વિદ્યાર્થીઓએ અંગ્રેજીમાં “ઢ” હોવા છતાં કેવી રીતે બેન્ડ લાવ્યા..?ની મુંબઈ એમ્બેસીના પત્રના આધારે જિલ્લા પોલીસવડાએ મહેસાણા એસઓજીને તપાસ સોંપતાં IELTSની પરીક્ષામાં કંઈક રંધાયું હોવાની ગંધ પોલીસને પ્રાથમિક તપાસમાં આવી છે.

અમેરિકાની કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ કાર્યવાહી
મહેસાણા, વિસનગર અને જોટાણા તાલુકાના 4 વિદ્યાર્થીઓ વિદેશ જવા માટેની IELTSના 8 બેન્ડ સાથે કેનેડા પહોંચ્યા હતા. જ્યાંથી ગત 28 એપ્રિલ 2022ના રોજ કેનેડા અને અમેરિકાની બોર્ડર વચ્ચે આવેલી સેન્ટ રેઝીસ નામની નદીમાં બોટ મારફતે હાડ થીજવતી ઠંડીમાં અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે બોટ પાણીમાં ડૂબતી હોઇ યુએસએ પોલીસે રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા અને અમેરિકાની કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ કાર્યવાહી દરમિયાન આ ચારેય વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં જવાબ આપી શક્યા નહોતા.

IELTSની પરીક્ષામાં જ કંઈક ગરબડ ગોટાળો થયો હોવાની શંકા ​​
IELTSની પરીક્ષામાં 8 બેન્ડ લાવી વિદેશ પહોંચેલા આ વિદ્યાર્થીઓ અંગ્રેજી બોલી શકતા ન હોવાથી શંકા જતાં અમેરિકન સરકાર અને એમ્બેસીએ આ અંગે પત્ર લખી મુંબઈ એમ્બેસીને જાણ કરી હતી. મુંબઈ સ્થિત ભારત એમ્બેસીના ચોંગલે મેજબિન એમ નામના ક્રિમિનલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે ગત 23 મે 2022ના રોજ મહેસાણા જિલ્લા પોલીસવડાને આ અંગે પત્ર લખ્યો હતો. જેને પગલે એસપી અચલ ત્યાગીએ એસઓજીને તપાસ સોંપી હતી. પીઆઇ ભાવેશ રાઠોડ અને ટીમે તપાસ શરૂ કરી અમેરિકા પહોંચી ગયેલા 4 વિદ્યાર્થીઓના પરિવારજનો, એજન્ટો સહિતનાં નિવેદનો લેતાં IELTSની પરીક્ષામાં જ કંઈક ગરબડ ગોટાળો થયો હોવાનું મનાય છે.

અમેરિકા પહોંચી ગયેલા 4 વિદ્યાર્થીઓ

1. પટેલ ધ્રુવ રસિકભાઈ

(રહે.પરાવાસ, માંકણજ,તા.મહેસાણા)

2. પટેલ નીલ અલ્પેશકુમાર

(રહે.ધામણવા, તા.વિસનગર)

3. પટેલ ઉર્વીશ શૈલેષભાઈ

(રહે.રામનગર, ખદલપુર, તા.જોટાણા)

4. પટેલ સાવન રાજેન્દ્રકુમાર

(રહે.સાંગણપુર, તા.જિ. મહેસાણા)

કેનેડા મોકલનારા 2 એજન્ટનાં નિવેદન લેવાયાં
31 મેના રોજ અમને તપાસ સોંપાઇ હતી. જેમાં ચારેય વિદ્યાર્થીઓના પરિવારજનો અને ભારતથી કેનેડા મોકલનાર સહિત બે એજન્ટોના નિવેદન લીધાં છે. જેમાં ચારેય વિદ્યાર્થીઓ કોઈપણ જાતના કોચિંગ ક્લાસ કર્યા વિના ડાયરેક્ટ IELTSનું સેટિંગ કરી વિદેશ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.> ભાવેશ રાઠોડ, પીઆઈ એસઓજી,મહેસાણા

“અમને ખબર નથી..’નું પરિવારજનોનું રટણ
તપાસને પગલે એસઓજીની ટીમે અમેરિકા પહોંચી ગયેલા ચારેય વિદ્યાર્થીઓના પરિવારજનોનું નિવેદન લેતાં તમામ પરિવારજનોએ અમને ખબર નથીનું એક જ રટણ કર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

કૌભાંડમાં મોટા માથાઓના પગ નીચે રેલો આવવાની શક્યતા
તપાસમાં IELTSની પરીક્ષામાં જ સેટિંગની વાત આવી રહી છે, જેને પગલે આગામી દિવસોમાં આ ચાર વિદ્યાર્થીઓએ કયા સેન્ટરથી પરીક્ષા આપી,કોણે મહત્વનો રોલ ભજવ્યોની તપાસ હાથ ધરી છે. ત્યારે આ કેસમાં આગામી દિવસોમાં મોટા માથાના પગ નીચે રેલો આવવાની શક્યતા પોલીસ પણ નકારી રહી નથી.

10 હજાર કેનેડિયન ડોલર દંડ ભરી વિદ્યાર્થીઓ છૂટી ગયા
યુએસએની પોલીસે કોર્ટમાં રજૂ કરેલા ચારેય વિદ્યાર્થીઓ 10,000 કેનેડિયન ડોલર કોર્ટમાં ભરીને છૂટી ગયા હતા અને આ દંડની રકમ ચાર વિદ્યાર્થીઓ પૈકી અમેરિકા રહેતા સાવન પટેલના પિતા રાજેન્દ્રકુમારે ભરી હોવાનું પોલીસ કહી રહી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post