AAP સંયોજક અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રના પ્રવાસે

[og_img]

  • ગામડામાં ડોર ટુ ડોર ફરીને પોતે આ ગેરંટી કાર્ડનું વિતરણ કરશે
  • આજે દેવભૂમિ દ્વારકા, કાલે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે
  • અમદાવાદની મુલાકાતે પણ આવી શકે છે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસની સૌરાષ્ટ્રની મુલાકાતે છે. આગામી વિધાનસભાની ચૂંટણી માટે આપવામાં આવતા પ્રજાકીય સેવાના કામોના વચનો પૂરા કરવાની ગેરંટી આપતા ગેરંટીકાર્ડ વિતરણનો ગણેશચતુર્થીથી પ્રારંભ કરવામાં આવ્યો છે. તેઓ કોઈ એક ગામડામાં ડોર ટુ ડોર ફરીને પોતે પણ આ ગેરંટી કાર્ડનું વિતરણ કરશે.

ગેરંટીકાર્ડનું વિતરણ શરૂ કરવામાં આવ્યું
ગુજરાત-સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને તાલુકાના મુખ્ય શહેરો સાથે નાનામાં નાના ગામડાંઓમાં ડોર ટુ ડોર ફરીને આમ આદમી પાર્ટીના કાર્યકરો આ ગેરંટી કાર્ડનું વિતરણ કરશે. જેનો પ્રારંભ આજથી સૌરાષ્ટ્રના ગામડાઓમાં કરવામાં આવ્યો છે. પક્ષના સૂત્રોએ એમ જણાવ્યું કે, કેજરીવાલ અને પક્ષ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવનારા આ વિવિધ પ્રજાલક્ષી સેવા સાથે ચૂંટણી ઢંઢેરામાં પણ આપવામાં આવનારા વચનોની ગેરંટી આપવા પાછળનો મૂળ હેતુ પક્ષે આપેલા વચનોની યાદી લોકો સુધી ઘેર ઘેર પહોંચે અને એ વચનો પરિપૂર્ણ કરવાની ખાતરી આપવા માટે ગેરંટીકાર્ડનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

અમદાવાદની મુલાકાતે આવશે
પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર 2જી સપ્ટેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા તથા તા.3ના રોજ સુરેન્દ્રનગરની મુલાકાતે કેજરીવાલ આવનાર છે. આ પછી જ્યારે પણ અમદાવાદની મુલાકાતે આવશે ત્યારે શહેરના કોઈ એક વિસ્તારમાં ડોર ટુ ડોર ફરીને ગેરંટીકાર્ડનું વિતરણ કરશે.