લક્ષ્મી અને નારાયણ બંન્નેની કૃપા પ્રાપ્ત કરાવશે રમા એકાદશી, જાણી લો વ્રતની આ ફળદાયી વિધિ

રમા એકાદશીનું (Rama Ekadashi) વ્રત કરવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થવાની અને સ્વાસ્થ્ય સુખાકારીની પ્રાપ્તિ થવાની માન્યતા પ્રચલિત છે. રમા એકાદશી એ વર્ષની અંતિમ એકાદશી મનાય છે. તે દૃષ્ટિએ આ વ્રતનો મહિમા અનેકગણો વધી જાય છે !

લક્ષ્મી અને નારાયણ બંન્નેની કૃપા પ્રાપ્ત કરાવશે રમા એકાદશી, જાણી લો વ્રતની આ ફળદાયી વિધિ

લક્ષ્મી નારાયણ (પ્રતિકાત્મક છબી)

હિન્દુ ધર્મમાં દર મહિને 2 એકાદશીની (ekadashi) તિથિ આવતી હોય છે. એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને (lord vishnu) સમર્પિત હોય છે. જેમાં આસો માસના વદ પક્ષની એકાદશીને રમા એકાદશીના (rama ekadashi) નામથી ઓળખવામાં આવે છે. ગુજરાતી પંચાંગ અનુસાર રમા એકાદશી એ વર્ષની અંતિમ એકાદશી મનાય છે. તે દૃષ્ટિએ આ વ્રતનો મહિમા અનેકગણો વધી જાય છે. રમા એકાદશી એ ભગવાન વિષ્ણુ સહિત માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવા માટે સર્વોત્તમ મનાય છે. માન્યતા અનુસાર તેનાથી માતા લક્ષ્મી ધનના ભંડાર અખૂટ રાખે છે !

આસો વદ એકાદશીને રમા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. દિવાળી પૂર્વે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટેનો આ સુવર્ણ અવસર મનાય છે. આ વખતે આ એકાદશી 21 ઓક્ટોબર, શુક્રવારના રોજ છે. વાઘ બારસનો ઉત્સવ પણ આ જ દિવસે ઉજવાશે. કહે છે કે આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિધિવિધાન સાથે પૂજા-આરાધના કરવાથી ભક્તોના સમસ્ત કષ્ટોનો નાશ થાય છે. ભગવાન વિષ્ણુ માટે ખાસ આ દિવસે વ્રત કરવામાં આવે છે અને તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઇને ભક્તોના ધનના ભંડાર અખૂટ કરી દે છે. આ વ્રત કરવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થવાની અને સ્વાસ્થ્ય સુખાકારીની પ્રાપ્તિ થવાની માન્યતા પ્રચલિત છે. તો ચાલો, વ્રતની સંપૂર્ણ વિધિ જાણીએ.

રમા એકાદશી વ્રતની વિધી

⦁ રમા એકાદશીનું વ્રત કરવાની મનશા રાખનાર ભક્તે દશમની તિથિએ સાંજે ભોજનમાં કંઈ જ ગ્રહણ ન કરવું. જો ભૂખ્યા રહેવું અશક્ય હોય તો પણ માત્ર ફળ જ ગ્રહણ કરવા.

⦁ એકાદશીની તિથિએ બ્રહ્મ મૂહુર્તમાં ઊઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત થવું.

⦁ ઘરમાં મંદિર પાસે એક બાજોઠ મૂકી તેના પર લક્ષ્મી-નારાયણની તસવીર કે પ્રતિમાની સ્થાપના કરો.

⦁ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સમક્ષ બેસીને વ્રતનો સંકલ્પ લો.

⦁ પ્રભુ સમક્ષ ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજવલિત કરો.

⦁ પંચોપચાર વિધિથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજાનો પ્રારંભ કરવો. એટલે કે અબીલ, ગુલાલ, કુમકુમ, પુષ્પ, હારથી પૂજન-અર્ચન કરો.

⦁ લક્ષ્મી-નારાયણને તમારી ઇચ્છા અનુસાર ભોગ અર્પણ કરો. પરંતુ, ભોગમાં ભૂલ્યા વિના તુલસીદળ અવશ્ય મૂકવું. કારણ કે, તેના વિના શ્રીહરિનું નૈવેદ્ય અપૂર્ણ મનાય છે.

⦁ અંતમાં આરતી કરીને પ્રસાદ લોકોમાં વહેંચી દો.

⦁ ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીના મંત્રોની ઓછામાં ઓછી એક માળા જરૂરથી કરવી.

⦁ વ્રત કરનારે સમગ્ર દિવસ ઉપવાસ રાખવો. ભોજનમાં ફળ સિવાય બીજું કશું જ ગ્રહણ ન કરવું.

⦁ ભગવાનને શયન ભોગ પણ અર્પણ કરવો.

⦁ રાત્રે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના નામનું સ્મરણ કરવું. ભજન-કીર્તિન કરતા રાત્રી જાગરણ કરવું. તમે ભગવદ્ ગીતાજીનું પઠન પણ કરી શકો છો.

⦁ 22 ઓક્ટોબર, શનિવારના રોજ એકાદશી વ્રતના પારણાં કરવા. સાથે જ જરૂરિયાતમંદ લોકોને ફળ, ચોખા જેવી જીવન જરૂરી વસ્તુઓનું દાન કરવું.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Previous Post Next Post