મુંબઈ5 મિનિટ પહેલા
- કૉપી લિંક

- નવા વર્ષમાં રાહદારીઓ માટે પુલ ખુલ્લો મૂકાશે, ઓડિશાથી 120 ટનના 5 ગર્ડર મગાવવામાં આવ્યા
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતેના હિમાલય પુલનું કામ ઝડપથી ચાલુ છે. આ પુલ માટે ખાસ ઓડિશાથી સ્ટેનલેસ સ્ટીલના 120 ટનના 5 ગર્ડર મગાવવામાં આવ્યા છે. આ ગર્ડર ઓછામાં ઓછા 100 વર્ષ ટકશે એટલા મજબૂત હોવાનો દાવો કરવામાં આવે છે. નવા વર્ષમાં આ પુલ રાહદારીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે.
સીએસએમટી ખાતે હિમાલય પુલ 14 માર્ચ 2019ના તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 7 જણના મૃત્યુ થયા હતા. છેલ્લા ચાર વર્ષથી પુલનું રખડી પડેલું કામ 2022માં ઝડપથી ચાલુ છે. આ પુલની લંબાઈ 30 મીટર અને પહોળાઈ 9 મીટર હશે. લગભગ 11 કરોડ રૂપિયાના ખર્ચે આ પુલ નવેસરથી બાંધવામાં આવી રહ્યો છે.
અત્યાર સુધી ટાઈમ્સ ઓફ ઈંડિયા અને સીએસએમટી રેલવે સ્ટેશન એમ બંને તરફ એક એક પિલર ઊભો કરવામાં આવ્યો છે અને હવે ઉતરવા માટે દાદરા બનાવવાનું કામ ચાલુ છે. આમ તો પુલના તમામ પિલર બંધાઈને તૈયાર છે. દુર્ઘટના પછી મહાપાલિકાના પુલ વિભાગ તરફથી પુલ બાંધવા બાબતની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. નવી રૂપરેખા અનુસાર હિમાલય પુલ સ્ટેનલેસ સ્ટીલનો બાંધવામાં આવી રહ્યો છે. આ પુલનું કામ અત્યારે અંતિમ તબક્કામાં છે.
આ પુલ ડી.એન.રોડ જેવા સતત અવરજવરવાળા રોડ પર છે અને આ પુલ પરથી દરરોજ હજારો લોકોની અવરજવર થતી હતી. તેથી પુલના મજબૂત હોવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ પુલ માટે ઓડિશાથી મગાવેલા સ્ટેનલેસ સ્ટીલના ગર્ડર મજબૂત છે અને એને કાટ નહીં લાગે એવો દાવો કરવામાં આવ્યે છે. પરિવહન વિભાગની પરવાનગી પછી આ ગર્ડર લગાડવામાં આવશે. નવા વર્ષમાં ફેબ્રુઆરી કે માર્ચના અંત સુધી આ પુલ રાહદારીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે એવો વિશ્વાસ પુલ વિભાગના અધિકારીઓએ વ્યક્ત કર્યો હતો.
પુલમાં એસ્કેલેટર : ઓડિશાથી કુલ 5 ગર્ડર મગાવવામાં આવ્યા છે. દરેક ગર્ડર 35.211 મીટર લાંબો છે. ગર્ડર લગાડવામાં આવ્યા પછી સ્લેબ નાખવામાં આવશે. આ કામ આગામી એકથી દોઢ મહિનામાં પૂરું કરવાનો પ્રયત્ન રહેશે. આ પુલમાં એસ્કેલેટર લગાડવામાં આવશે જેથી વરિષ્ઠ નાગરિકો, ગર્ભવતી મહિલાઓ માટે સગડવભર્યું રહેશે.
ગણતરીની મિનિટમાં સીએસએમટી
આ પુલ અત્યારે બંધ હોવાથી સીએસએમટી સ્ટેશનમાં જનારા પ્રવાસીઓએ પુરપાટ ઝડપે જતા વાહનો વચ્ચેથી રસ્તો ઓળંગવો પડે છે. ટ્રાફિક સિગ્નલ માટે થોભીને અથવા મહાપાલિકા મુખ્યાલય નજીકના સબવેમાંથી વળાંક લઈને જવું પડે છે.
આ પુલના લીધે ક્રાફર્ડ માર્કેટ સહિત મુંબઈ પોલીસ મુખ્યાલય, મુંબઈ મહાપાલિકા મુખ્યાલય, કામા હોસ્પિટલ, મેટ્રો થિયેટર, સેંટ ઝેવિયર્સ કોલેજ અને બીજા ભાગમાંથી આવતા નાગરિકો સીએસએમટી સ્ટેશનમાં ગણતરીની મિનિટમાં પહોંચી શકશે.