સુરેન્દ્રનગર19 મિનિટ પહેલા
- કૉપી લિંક

તા.31/12/2022ના રાત્રીના નવા વર્ષની ઉજવણી (થર્ટી ફર્સ્ટ) નિમિતે લોકો દ્વારા રાત્રીના મોડે સુધી હોટલો, ફાર્મ હાઉસ, ક્લબો, પ્રાઇવેટ પાર્ટી પ્લોટ વગેરે જાહેર સ્થળોએ ડાન્સ અને ડિનર પાર્ટીના કાર્યક્રમો યોજાતા હોય છે. તેમાં યુવક-યુવતીઓ નશો કરેલી હાલતમાં આવતા હોય છે. અને સામાન્ય બોલાચાલીને કારણે મારા-મારીના બનાવો તથા યુવતીઓની છેડતી તથા બળાત્કારના બનાવો બનતા હોય છે. આ ઉપરાંત જાહેર રસ્તા પર યુવાનો દ્વારા સ્ટન્ટ કરી વાહનો બેફામ રીતે ચલાવી લોકોની જીંદગી જોખમમાં મુકાય તે રીતે હંકારી જાહેર જનતામાં ભય અને ત્રાસનું વાતાવરણ ફેલાવતા હોય છે. આ અંગે જરૂરી તકેદારી રાખવા અને ન્યુ યરની ઉજવણી દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જે રેન્જના તમામ જીલ્લાઓમાં 31મી ડિસેમ્બરની ઉજવણી નિમિતે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી બંદોબસ્ત ગોઠવવા માટે સુચના આપી છે.
જે અન્વયે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક હરેશકુમાર દુધાતે અત્રેના જીલ્લામાં 31મી ડિસેમ્બરની ઉજવણી શાંતિ પૂર્ણ રીતે થાય અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારૂ જળવાઇ રહે તે માટે સુરેન્દ્રનગર જીલ્લાને અડીને આવેલી અન્ય જીલ્લાઓની સરહદો ઉપરથી સામાજીક ઇસમો દ્વારા અવનવી તરકીબથી અલગ અલગ વાહનો મારફતે જીલ્લામાં પ્રવેશવાના કોઇપણ રસ્તેથી ગે.કા. દેશી, વિદેશી દારૂનો જથ્થો ઘૂસાડવાની તથા ગેરકાયદેસર શસ્ત્રોની હેરાફેરીને નશાકારક ચીજવસ્તુઓ ઘુસાડવાની ગુન્હાહિત પ્રવૃતિમાં સફળ ન થાય તેના આગોતરા આયોજનરૂપે જીલ્લાની તમામ બોર્ડરો ઉપર જીલ્લામાં પ્રવેશવાના તમામ રસ્તાઓ ઉપર 12 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે.

જે ચેકપોસ્ટો ઉપર વાયરલેસ સેટ, બેરીકેટ, સીસીટીવી કેમેરા ગોઠવી રાઉન્ડ ધ કલોક વાહન ચેકીંગની અસરકારક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જીલ્લામા આવેલા અગત્યના 39 પોઇન્ટો ઉપર બેરીકેટ સાથે નાકાબંધી પોઇન્ટો રાખી તેમજ તમામ પો.સ્ટે. મોબાઇલ, પી.સી.આર. મોબાઇલ તેમજ સરકારી મોટર સાયકલ ઉપર પેટ્રોલીંગ ફરી ચોક્કસ રૂટ નકકી કરી દારૂ પીને બાઇક ચલાવતા તેમજ વધારે ગતિમા વાહનો ચલાવતા ચાલકો વિરૂધ્ધ એમ.વી.એકટ 207, 185 આઇ.પી.સી. 279, તેમજ શંકાસ્પદ ઇસમોને બ્રેથ એનેલાઇઝરથી ચેક કરવામાં આવશે. અને શરાબ પિનારા ઇસમો સામે ગુના નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ હોટલો, ફાર્મ હાઉસ, ક્લબો, પ્રાઇવેટ પાર્ટી પ્લોટ વગેરે સ્થળ ખાતે વોંચ રાખવામાં આવશે. તેમજ લાઉડ સ્પિકર ધ્વની પ્રદુષણની માત્રાની વધારે અવાજથી વગાડતા માલુમ પડે તો લાઉડ સ્પીકર / ડી.જે. વગાડતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મહિલાઓની સુરક્ષા
31મી ડિસેમ્બરની ઉજવણી દરમ્યાન યુવતીઓની છેડતી તથા બળાત્કારના બનાવો ન બને તે માટે મહિલાોઅની સુરક્ષા માટે બોડી વોર્ન કેમેરાની મદદથી મહિલા પોલીસની ટીમ તૈયાર કરી પ્લેન ક્લોથમાં પેટ્રોલીંગ રાખવામાં આવનારૂ છે. તેમજ સુરેન્દ્રનગર જીલ્લામાં સરકાર દ્વારા વિશ્ર્વાસ પ્રોજેક્ટ અંતર્ગત હાઇ ડેફીનેશન કવોલીટીના સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલા હોય, જે નેત્રમ (કમાન્ડ કંટ્રોલ સેન્ટર) ઉપર પોલીસની ટીમ તૈયાર રાખી, કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા શહેરનું સતત મોનીટરીંગ કરી ગુનાઓ આચરતા ગુનેગારોને ડામવામાં આવશે.
સોશિયલ મીડિયા
31મી ડિસેમ્બરની ઉજવણી દરમ્યાન સોશ્યલ મીડીયા દ્વારા કોઇ અફવાઓ ન ફેલાય તેમજ કોઇની ધાર્મિક લાગણીઓ ન દુભાય તે માટે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા સાયબર સેલ દ્વારા વોટ્સએપ, ઇન્સ્ટ્રાગ્રામ, ફેસબુક, ટ્વીટર વગેરે ઉપર ખાસ વોચ રાખી સોશ્યલ મીડિયામાં કોઇ પણ જાતની ગેરકાયદેસર વિગતો પ્રસિધ્ધ કરનાર વિરૂધ્ધ તાત્કાલીક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.