અમરેલી3 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર
- ડ્રંક ડ્રાઇવીંગ સામે પોલીસની રહેશે બાજ નજર : ફાર્મ હાઉસમાં પણ નશાની પાર્ટી પર રખાશે વોચ, એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પર 5 દિવસ બાજ નજર રખાશે
અમરેલી જિલ્લામા દર વર્ષે 31 ડિસેમ્બર આસપાસના દિવસોમા દારૂના દુષણને ડામવા પોલીસને વિશેષ મથામણ કરવી પડે છે. નવા વર્ષની ઉજવણીના બહાને ઠેકઠેકાણે દારૂની મહેફિલો મંડાય છે. આ દિવસો દરમિયાન ગેરકાયદે વેચાતા ઇંગ્લીશ દારૂના ભાવ પણ આસમાને આંબે છે. આવી મહેફિલો ઉપરાંત દિવ અને અન્ય સ્થળોએ નવા વર્ષની ઉજવણી કરી પરત ફરતા લોકો પણ મોટા પ્રમાણમા નશો કરેલી હાલતમા નજરે પડે છે. ખાસ કરીને નશો કરેલી હાલતમા ડ્રાઇવીંગ કરતા વાહન ચાલકો અકસ્માત સર્જે છે.
આજે જિલ્લા પોલીસવડા હિમકર સિંઘની સુચનાથી સમગ્ર અમરેલી જિલ્લામા નશાખોરોને ભરી પીવા માટે 15 ચેકપોસ્ટ કાર્યરત કરવામા આવી હતી. આમ તો કેટલીક ચેકપોસ્ટ અગાઉથી કાર્યરત છે. પરંતુ હવે કુલ 15 ચેકપોસ્ટ પર રાઉન્ડ ધી કલોક વાહનનુ ચેકીંગ શરૂ કરવામા આવશે. અહી દિવસ રાત વાહનોનુ ચેકીંગ કરવામા આવશે. દારૂની હેરફેર તો તેનાથી વોચ રહેશે જ. સાથે સાથે નશો કરેલી હાલતમા મુસાફરી કરતા અને ડ્રાઇવીંગ કરતા શખ્સો સામે કાર્યવાહી કરાશે. આ માટે અમરેલી જિલ્લાને જોડતા જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લાના તમામ માર્ગો પર ચેકપોસ્ટ કાર્યરત કરાઇ છે.
પોલીસ સુત્રોએ એમપણ જણાવ્યું હતુ કે માત્ર અવરજવરના મુખ્ય માર્ગો જ નહી પરંતુ દરેક શહેર અને ગ્રામિણ વિસ્તારમા નશાખોરીના દુષણ સામે પાંચ દિવસ સુધી ખાસ ઝુંબેશ ચલાવવામા આવશે. આ માટે દરેક પોલીસ મથકના સ્ટાફ ઉપરાંત વિવિધ એજન્સીઓને પણ કામે લગાડવામા આવી છે. બે વર્ષ દરમિયાન પોલીસે નવા વર્ષની ઉજવણી દરમિયાન આ રીતે જ દારૂના દુષણ સામે ઝુંબેશ ચલાવી હતી અને મોટા પ્રમાણમા નશાખોરોને પકડી પાડયા હતા.
દારૂની મહેફિલો થશે ત્યાં પોલીસ ત્રાક્ટશે: જિલ્લા પોલીસવડા
જિલ્લા પોલીસવડા હિમકર સિંઘે જણાવ્યું હતુ કે નવા વર્ષની ઉજવણીના નામે દારૂના દુષણને હરગીઝ ચલાવી નહી લેવાય. નશો કરેલી હાલતમા વાહન ચલાવનારાઓ સામે સખત પગલા લેવાશે. દારૂની મહેફિલો થવા નહી દેવાય. પાંચ દિવસ સુધી પોલીસ દિવસ રાત વિશેષ વોચ રાખશે.> હિમકર સિંઘ
સામાન્ય પાર્ટી પર કોઇ પ્રતિબંધ નહી
પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ કે નવા વર્ષની ઉજવણી માટે કોઇપણ સ્થળે યોજાતી સામાન્ય પાર્ટી સામે કોઇ પ્રતિબંધ નથી. પરંતુ આવી પાર્ટીઓમા દારૂ કે નશાનુ દુષણ નજરે પડશે તો પોલીસ ચૌક્કસ કાર્યવાહી કરશે.
દીવથી આવતા વાહનો પર ખાસ નજર
નવા વર્ષની ઉજવણીના નામે મોટા પ્રમાણમા લોકો દિવના પ્રવાસે જાય છે અને બાદમા ત્યાંથી નશો કરેલી હાલતમા પરત ફરે છે અને સાથે ઇંગ્લીશ દારૂની હેરફેર પણ કરે છે. ત્યારે દિવ તરફથી આવતા તમામ રસ્તાઓ પર પોલીસની ખાસ નજર રહેશે.
પોલીસે ફાર્મ હાઉસના લીસ્ટ તૈયાર કર્યા
જિલ્લાભરના ફાર્મ હાઉસમા યોજાતી પાર્ટીઓ પર પોલીસ નજર રાખશે. ગીરકાંઠાના વિસ્તારમા મોટા પ્રમાણમા ફાર્મ હાઉસ છે. પોલીસ દ્વારા આવા ફાર્મ હાઉસનુ લીસ્ટ પણ તૈયાર કરાયુ છે.
એલસીબી-એસઓજીને વિસ્તાર સોંપાયો
15 ચેકપોસ્ટ પર પોલીસ કર્મચારીઓને ડયુટી તો આપી દેવાઇ છે. સાથે સાથે એલસીબી અને એસઓજી જેવી એજન્સીઓને પણ આ માટે કામે લગાડાઇ છે અને જિલ્લાના જુદાજુદા બે વિસ્તાર બનાવી બંનેને ડયુટી સોંપાઇ છે.