જૂનાગઢ3 મિનિટ પહેલા
- કૉપી લિંક
- કોરોના પેશેન્ટ માટે સિવીલ હોસ્પિટલ તંત્ર સજ્જ થઇ રહ્યું છે
- હોસ્પિટલમાં જરૂરી વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ધારાસભ્ય સંજય કોરડીયા
વિશ્વના અનેક દેશોમાં કોરોનાને કારણે ઉભી થયેલી સ્થિતિમાં મેડિકલ વ્યવસ્થા કોલેપ્સ થઇ ગઈ હોય તેવી સ્થિતિ છે. ભારતમાં કોરોનાની બીજી લહેર વખતે આવી સ્થિતિ થઇ હતી. પરંતુ આવનારા સમયમાં કોરોના પોઝિટિવ દર્દીઓ વધે તો પણ વ્યવસ્થા જળવાય રહે તે માટે સરકારે તૈયારીઓ શરૂ કરી છે અને તેનું નિરીક્ષણ પણ થઇ રહ્યું છે.
બુધવારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાતે ધારાસભ્ય સંજય કોરડીયા પહોંચ્યા હતા અને દરેક પાસાઓનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. એટલું જ નહીં હોસ્પિટલમાં જે વ્યવસ્થાઓ કે જરૂરિયાત છે તેની માહિતી માંગી હતી. સાથે કહ્યું હતું કે જે પણ ખૂટતું હોય એ ચકાસી લ્યો અને તાત્કાલિક જેની જરૂર હોય તેની વિગતો સાથે પ્રપોઝલ આપશો તો હોસ્પિટલમાં વ્યવસ્થા માટે જરૂરી બધા જ પગલાં ભરી શકાશેે.
સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય પહોંચ્યા બાદ તેમણે સિવિલ સર્જન અને મેડિકલ કોલેજના ડીન સહિતના તમામ અધિકારીઓને સાથે રાખી અલગ અલગ વોર્ડ અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. સિવિલ સર્જન નયનાબેન લકુમ અને મેડિકલ કોલેજના ડીન ડો. મનીષ મહેતા સાથે જરૂરી વ્યવસ્થા અગે લાંબી ચર્ચાઓ કરી હતી.
એટલું જ નહીં જે પણ જરૂરી વ્યવસ્થાઓ ખૂટતી હોય તેની દરખાસ્ત તાત્કાલિક સરકાર તરફે કરવા કહ્યું હતું. એ ઉપરાંત ધારાસભ્ય એ તબીબોની ઘટ અથવા કર્મચારીઓની ઘટ હોય તેની વિગતવાર માહિતી આપવા તાકીદ કરી હતી. સિવિલ હોસ્પિટલમાં મંગળવારે જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓએ મોકડ્રિલ કરી હતી જેમાં જુદી જુદી વ્યવસ્થા અંગે ચર્ચા થઇ હતી.
પરંતુ બુધવારે જાગૃત જન પ્રતિનિધિએ મુલાકાત લીધી ત્યારે કેટલીક વધુ વિગતો બહાર આવી હતી.લાંબી મુલાકાત દરમ્યાન કેટલીક એવી વાતો પણ ધ્યાનમાં આવી હતી જે દર્દીઓ માટે અવ્યવસ્થા ઉભી કરનારી હોઈ શકે છે. તે મામલે ધારાસભ્ય સ્પષ્ટ કહ્યું હતું કે,જે પણ હોય આ દરિદ્રનારાયણનું મંદિર છે તેમાં વ્યવસ્થાનો અભાવ ચલાવી લેવાશે નહીં એ પછી ધારાસભ્યએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ સિવિલ હોસ્પિટલમાં 95 બેડ વેન્ટિલેટર સાથે કુલ 300 બેડની વ્યવસ્થા રાખી છે.
ગેરહાજર તબીબોને ફોન કરીને પુછ્યું હજુ સુધી કયાં છો.?!!
સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય પહોંચ્યા બાદ તેમણે સિવિલ સર્જન અને મેડિકલ કોલેજના ડીન સહિતના તમામ અધિકારીઓને સાથે રાખી અલગ અલગ વોર્ડ અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. તસવી: મેહુલ ચોટલીયા
હું તબીબ છું, ફરજ ઉપર ન આવું તો શું પગલાં લેશો ?
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ બુધવારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. મુલાકાત સમયે કેટલાક કર્મચારીઓ અને તબીબો ગેરહાજર હતા તેવું જાણવા મળતા ધારાસભ્ય એ કહ્યું હતું કે, માની લ્યો હું જ ડોક્ટર છું અને ફરજ ઉપર હાજર નથી, તો શું પગલાં લેશો? તેના જવાબમાં સિવિલ સર્જન નયનાબેન લકુમે કહ્યું હતું કે, ગેરહાજર ગણીને નિયમ મુજબ કાર્યવાહી કરીએ છીએ.
ત્યારે ધારાસભ્યએ કહ્યું હતું કે, અત્યાર સુધીમાં શું પગલાં લીધા ? તેની વિગતો આપો. આ સાંભળીને અધિકારીઓ મૌન થઇ જતા ધારાસભ્યએ સ્પષ્ટ કહ્યું હતું કે, આવી રીતે બેદરકારી ચાલશે નહીં. જે કરવાનું હોય તે કરો પણ ગેરહાજરી ચલાવી લેવાશે નહીં.