મુંબઈ12 મિનિટ પહેલા
- કૉપી લિંક
- અશ્લીલ ડાન્સની માહિતી પરથી દરોડામાં 19 ગ્રાહકો સહિત પચ્ચીસની ધરપકડ
દહિસરમાં બારબાળાઓ અશ્લીલ ડાન્સ કરી રહી છે એવી માહિતીને આધારે પોલીસે શુક્રવારે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા, જેમાં બારમાં 16 બાય 8 ફૂટના એક છૂપા રૂમમાં છુપાવવામાં આવેલી 17 બારબાળાઓ મળી આવી હતી. આ પ્રકરણે પોલીસે 19 ગ્રાહકો સહિત 25 જણની ધરપકડ કરી હતી.
સિનિયર પીઆઈ પ્રવીણ પાટીલને મળેલી વિશ્વસનીય માહિતીને આધારે શુક્રવારે રાત્રે 23.20 વાગ્યે અચાનક દહિસરમાં ચિરંજીવી બાર એન્ડ રેસ્ટોરાં પર દરોડા પાડવામાં આવ્યા હતા. તે સમયે બારના હોલમાં ચાર બારબાળાઓ અશ્લીલ નૃત્ય કરતી મળી આવી હતી. વાસ્તવમાં બારમાં અનેક બારબાળાઓ હાજર હોવાની માહિતી મળી હતી.આથી પોલીસ ટીમે શોધખોળ ચાલુ રાખી.
આખરે પહેલા માળ પર મેકઅપ રૂમમાં અરીસાના પાછળ 16 બાય 8 આકારનો છુપો રૂમ મળી આવ્યો હતો. તેમાં વધુ 17 બારબાળાઓ છુપાયેલી મળી આવી હતી. આ સમયે બારમાં મોજૂદ 19 ગ્રાહકો, 4 વેઈટર, કેશિયર અને મેનેજર મળીને 25 જણની ધરપકડ કરવામાં આવી હતી.
વધુ એક ડાન્સ બાર પર દરોડા
દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની સમાજસેવા શાખાએ પણ શુક્રવારે 12.20 કલાકે દહિસર પૂર્વ સીએસ રોડ જરીમારી ગાર્ડન નજીક જયપ્રીત બાર એન્ડ રેસ્ટોરાં પર દરોડા પાડ્યા હતા, જેમાં 13 બારબાળાઓ અશ્લીલ નૃત્ય કરતી મળી આવી હતી. આ પ્રકરણમાં કેશિયર, મેનેયર, વેઈટર, ઓર્કેસ્ટ્રા આર્ટિસ્ટ અને 13 ગ્રાહક સહિત 27 જણની ધરપકડ કરવામાં આવી હતી, એમ એસીપી ચંદ્રકાંત જાધવે જણાવ્યું હતું.