અમદાવાદ21 મિનિટ પહેલાલેખક: નિર્મલ દવે
- ગાંધીનગર ખાતે સદસ્ય નિવાસ સ્થાનમાં ટેલિફોન રાખશે તો તેનો ખર્ચ પણ સરકાર ભોગવશે
- વર્ષ 2002માં શપથ ગ્રહણ બાદ 5 જ દિવસમાં વિધાનસભા સત્ર બોલાવ્યું હતું
- પ્રતિ કિલોમીટર સીએનજી કાર ના 6, ડીઝલ કાર ના 10 અને પેટ્રોલ કારના 11 રૂપિયા મુસાફરી ભથ્થું મળશે
ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર રાજ્ય સરકારે બોલાવ્યું છે. તારીખ 20 ડિસેમ્બરના રોજ એક દિવસીય સત્ર યોજાશે જેમાં સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે. તેમજ બપોરે 12 વાગ્યે યોજાનારી બીજી બેઠકમાં રાજ્યપાલનું સંબોધન પણ યોજાશે. આમ, એક દિવસીય સત્ર યોજાતાની સાથે જ ધારાસભ્યોને મળતા તમામ લાભોની શરૂઆત સત્તાવાર રીતે થઈ જશે.
વિધાનસભા સત્ર ટૂંકી નોટિસમાં બોલાવાયું
આ સાથે જ તમામ ધારાસભ્યોને પગાર તથા વિવિધ ભથ્થા મળવાની પણ શરૂઆત થઈ જશે. મૂળ તો ધારાસભ્યોના વહેલા પગાર શરૂ થાય તે માટે વહેલું વિધાનસભા સત્ર બોલાવાયું હોય તેમ માનવામાં આવી રહ્યુ છે. અગાઉ વર્ષ 2002માં શપથ વિધિ બાદ માત્ર પાંચ જ દિવસમાં વિધાનસભા સત્ર ટૂંકી નોટિસમાં બોલાવાયું હતું જેના 20 વર્ષ બાદ પ્રથમ વખત આ ઘટના બની રહી છે.

19 ડિસેમ્બર, 2027ના રોજ 15મી વિધાનસભાની મુદત પૂર્ણ થશે
15મી વિધાનસભાની પ્રથમ સત્તાવાર બેઠક 20 ડિસેમ્બરના રોજ મળી રહી છે. નિયમ પ્રમાણે જોઈએ તો વિધાનસભાની પહેલી બેઠક શરૂ થાય તે સમયથી પાંચ વર્ષ સુધી જે તે વિધાનસભાની મુદત હોય છે. આમ, 15મી વિધાનસભાની પ્રથમ બેઠક 20 ડિસેમ્બર, 2022ના રોજ મળી રહી છે. ત્યારે પાંચ વર્ષ પ્રમાણે જોઈએ તો 19 ડિસેમ્બર, 2027ના રોજ 15મી વિધાનસભાની મુદત પૂરી થશે.
બંધારણની કલમ 172 મુજબ વિધાનસભાની મુદત ગણાય છે
બંધારણની કલમ 172ની અંદર રાજ્ય વિધાનસભાની મુદત માટેની વ્યાખ્યા અને જોગવાઈ કરવામાં આવી છે. જોગવાઈ મુજબ જોઈએ તો દરેક રાજ્યની વિધાનસભાનું વહેલું વિસર્જન ના થાય તો પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી 5 વર્ષ સુધી વિધાનસભા ચાલુ રહેશે પણ તેનાથી વધુ નહિ અને મુદત પૂરી થયે વિધાનસભાનું આપોઆપ વિસર્જન થયું ગણાશે. પણ જો કટોકટી અમલમાં હોય તો સંસદ કાયદો કરીને સદરહુ મુદત એક સાથે વધુમાં વધુ એક વર્ષ સુધી લંબાવી શકશે. પરંતુ ઉદઘોષણાનો અમલ બંધ થયા પછી કોઈ સંજોગોમાં તે મુદત વધુમાં વધુ 6 મહિના કરતાં વધારે લંબાવી શકશે નહિ.

પ્રતિ દિન 1.25 રૂપિયા આવાસનું ભાડું
ધારાસભ્ય બન્યા બાદ તમામ સભ્યોને ગાંધીનગર ખાતે એમ.એલ.એ ક્વાટર્સ ખાતે એક આવાસ ફાળવવામાં આવશે. આ આવાસમાં ધારાસભ્યને એક ડ્રોઈંગ રૂમ, બે બેડરૂમ, ડાઈનીંગ રૂમ અને રસોડા સહિતના ફ્લેટની સગવડ આપવામાં આવે છે. રહેઠાણનું રોજનું ભાડું રૂ. 1.25 રાખવામાં આવ્યું છે. આમ, જોઈએ તો માસિક માત્ર રૂપિયા 37.5ના ખર્ચે ધારાસભ્યને સરકારી આવાસનો લાભ મળશે.
ધારાસભ્યોના હાલના પગાર ધોરણનું વિવરણ
બેઝીક પગાર – 78,800
મોંઘવારી ભથ્થું (મૂળ પગાર પર 34 ટકા) – 26792
ટેલિફોન બિલ – 7000
ટપાલ અને લેખન સામગ્રી – 5000
અંગત મદદનીશ ભથ્થું – 20000
કુલ પગાર – 1,37,592/-

ધારાસભ્યોને મળતા વધારાના આર્થિક લાભ
1) દૈનિક ભથ્થુ (વિધાનસભા કે સમિતિની બેઠકમાં હાજરી આપે ત્યારે) – 1000
અથવા
કાર મારફતે મુસાફરી કરે તો પ્રતિ કિલોમીટર
પેટ્રોલ કાર – 11 રૂપિયા
ડીઝલ કાર – 10 રૂપિયા
સીએનજી કાર – 6 રૂપિયા
દ્વી ચક્રી વાહન – 2.50 રૂપિયા
અન્ય રીતે કરવામાં આવેલી મુસાફરી – 2.50 રૂપિયા
2) જો સભ્ય રેલવે દ્વારા મુસાફરી કરે તો તેઓને રેલવેના પ્રથમ વર્ગ અથવા સેકન્ડ એસીનું ભાડું મળવાપાત્ર થાય છે. તે ઉપરાંત પ્રથમ વર્ગ અથવા સેકન્ડ એસીનું અડધું ભાડું આનુષંગિક ખર્ચ તરીકે મળવાપાત્ર છે.
સભ્યોની મુસાફરીની સગવડ
રેલવે: વિધાનસભા સભ્ય પોતાના પતિ કે પત્ની અને બીજા બે કુટુંબીજન સાથે ગુજરાત રાજ્યની અંદર રેલવેના પ્રથમ વર્ગ કે સેકન્ડ એસીમાં મુસાફરી કરી શકે છે. ગુજરાત બહાર પણ ઉપર મુજબ જ સભ્યો મુસાફરી કરી શકે છે. પરંતુ સભ્ય એકલા ગુજરાત રાજ્ય બહાર એક નાણાકીય વર્ષમાં 10,000 કિલોમીટર અને તેમના સહયાત્રીઓ સાથે 20000 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે.

એસટી: વિધાનસભાના સભ્યો પોતાના ઓળખપત્ર દ્વારા રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસમાં (લક્ઝરી બસ સહિત) તેની પત્ની કે પતિ અને બીજા બે કુટુંબીજનો સાથે મુસાફરી કરી શકે છે.
વિમાની સેવા: વિધાનસભાના સભ્ય પોતાના કુટુંબના એક સભ્ય સાથે એક નાણાકીય વર્ષમાં પોતાના નજીકના એરપોર્ટથી ભારતના કોઈપણ ભાગમાં ત્રણ વખત આવવા – જવાની મુસાફરી કરી શકે છે. તે અંગે થયેલ ખર્ચ પેટે રેલવેના પ્રથમ વર્ગ અથવા સેકન્ડ એસી બેમાંથી જે વધારે હોય તે ભાડું જેટલું જ ભાડું ખર્ચ થાય છે.
તબીબી સારવાર
વિધાનસભાના વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોને તેના પર આધારિત કુટુંબીજનોને રાજ્યમાં આવેલી સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે તબીબી, સારવાર મળવાપાત્ર થાય છે. આ ઉપરાંત કોર્પોરેશન કે પંચાયતની હોસ્પિટલ, ગ્રાન્ટ ઈન એઈડ હોસ્પિટલ અને જીએમઈઆરએસની સરકારી તથા ખાનગી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં લીધેલી સારવારનું સંપૂર્ણ વળતર મળવાપાત્ર છે. ખાનગી હોસ્પિટલમાં પણ અંદરના અને બહારના દર્દી તરીકે લીધેલી સારવારનો પણ સંપૂર્ણ ખર્ચ મળવાપાત્ર છે. જ્યારે પૂર્વ ધારાસભ્ય તથા તેના પર આશ્રિત કુટુંબીજનોને ખાનગી હોસ્પિટલમાં અંદરના દર્દી તરીકે લીધેલી સારવારનું વળતર પેકેજ રેટ પ્રમાણે મળવાપાત્ર થાય છે.
ટેલિફોનની સગવડ
1) સભ્યને તેમના વતનના નિવાસ સ્થાનના ટેલિફોનનું ભાડું મળવાપાત્ર છે.
2) ગાંધીનગર સ્થિત સદસ્ય નિવાસ સ્થાને જો ટેલિફોન જોડાણ લે તો સરકાર તેનો ભાડાં ખર્ચ ભોગવે છે.

ભોજનની સગવડ
સદસ્ય નિવાસ ખાતે સદસ્ય ભોજનાલયમાં સભ્યોને રાહત દરે ભોજનની સગવડ આપવામાં આવે છે.
રેલવે રિઝર્વેશન કાઉન્ટર સવલત
વિધાનસભાના સભ્યોને વિધાનસભાના મકાનમાં રેલવે રિઝર્વેશન કાઉન્ટર સવલત આપવામાં આવી છે.
પગાર-મોંઘવારી ભથ્થામાં ગુજરાત
દેશભરના ટોપ-10 રાજ્યની વાત કરીએ તો સૌથી વધુ મોંઘવારી ભથ્થું આપનાર રાજ્ય તેલંગાણા છે. અહીંયા ધારાસભ્યોનો પગાર મહિને 2.50 લાખ રૂપિયાની આસપાસ છે, જેમાં રૂ.20,000 પગાર અને 2.30 લાખ રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે. ત્યારબાદ બીજા નંબરે ઉત્તરાખંડ આવે છે. અહીંયા ધારાસભ્યોને મહિને 1,98,000 રૂપિયા મળે છે, જેમાં 30 હજાર રૂપિયા પગાર અને 1.68 લાખ રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે. આ લિસ્ટમાં ગુજરાત 8મા નંબર પર આવે છે. અહીંયા ધારાસભ્યોને મહિને 1.16 લાખ રૂપિયાની આસપાસ મળે છે, જેમાં તેમનો પગાર 78,800, જ્યારે 26792 રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે.
કયા રાજ્યમાં ધારાસભ્યોનો કેટલો પગાર
ઉત્તરાખંડ – 2 લાખ 91 હજાર
ઝારખંડ – 2 લાખ 25 હજાર
મહારાષ્ટ્ર – 2 લાખ 13 હજાર
હરિયાણા – 1 લાખ 65 હજાર
દિલ્હી – 1 લાખ 34 હજાર
રાજસ્થાન- 1 લાખ 30 હજાર
વર્ષ 2002 બાદ પ્રથમ વખત ઝડપી સત્ર બોલાવ્યું
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રી મંડળે વર્ષ 2002માં શપથ લીધા બાદ માત્ર પાંચ જ દિવસમાં શોર્ટ નોટિસ આપી અને વિધાનસભા સત્ર બોલાવ્યું હતું. જેના 20 વર્ષ બાદ ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા શપથ લેવાના માત્ર 8 જ દિવસમાં શોર્ટ નોટિસ આપી અને વિધાનસભા સત્ર બોલાવ્યું છે.

મંત્રીઓ-ધારાસભ્યોના પગારમાં 65 ટકાનો વધારો
વર્ષ 2018માં ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારે મુખ્યમંત્રી, મંત્રીઓ, તમામ ધારાસભ્યોના પગારમાં 65 ટકાનો તગડો વધારો કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં એમ.એલ.એના પગારમાં સુધારો કરતું વિધેયક પસાર કરાયું હતું. રાજ્યના ધારાસભ્યોના પગાર-ભથ્થા 70,727થી વધારીને 1,16,316 અને મંત્રીઓના પગાર-ભથ્થામાં 45 હજારનો વધારો કરી 87 હજારમાંથી 1 લાખ 32 હજાર કરવામાં આવ્યો હતો.
મંત્રીને 1.55 લાખ તો ધારાસભ્યોને 1.37 લાખ પગાર
કોરોના કાળ બાદ રાજ્યના ધારાસભ્યનો પગાર રૂપિયા 1.16 લાખ હતો જેમાં તબક્કાવાર મોંઘવારી ભથ્થામાં વધારો કરતાં હાલ ધારાસભ્યોને 1.37 લાખ જ્યારે મંત્રી – અધ્યક્ષને 1.55 લાખ જેટલો પગાર મળે છે.
અધ્યક્ષ – મંત્રીઓને મળતા મૂળ પગાર કરતા 36 ટકા વધુ
વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, મંત્રીઓ અને વિરોધ પક્ષના નેતા સહિતના પદાધિકારીઓ અને ધારાસભ્યોને મળતા મૂળ પગાર કરતા 36 ટકા વધુ પગાર મળે છે. સૂચિત જોગવાઈ અનુસાર મૂળ પગાર રૂ. 70125 ના સ્થાને રૂ. 98500, એકત્રિત ભથ્થું રૂ 7000 ના બદલે રૂ 20000, વાહન ભથ્થુ રૂ. 4000 ના બદલે રૂ. 7000, મોંઘવારી ભથ્થું રૂ. 5,679ના સ્થાને રૂ. 6,895 ચૂકવાય છે. સભ્ય સિવાય ના પદાધિકારીઓને પ્રતિમાસ રૂ. 86804 ના બદલે નવી જોગવાઈ મુજબ પ્રતિમાસ રૂ.1,32,395 મળવાપાત્ર થયો છે. આમ, પદાધિકારીઓને પ્રતિમાસ રૂ. 45, 591 જેટલી વધુ રકમ મળવાપાત્ર થાય છે. વર્ષ 2018 ના સપ્ટેમ્બર માસમાં 14 મી વિધાનસભાના બીજા સત્રમાં આ વિધેયક પસાર કરાયું હતું જેનો 14 મી વિધાનસભાની પ્રથમ બેઠકની તારીખ થી અને પદાધિકારીઓને સૂચિત પગાર ભથ્થા વધારા નો લાભ તા.22-12-2017 થી મળવાપાત્ર કરવામાં આવ્યો હતો.
વિપક્ષના નેતાનો ટપાલ ખર્ચ 1 હજારથી વધારી 10 હજાર
અગાઉ પગાર ભથ્થા બિલ પસાર કરી અને ધારાસભ્યનું દૈનિક ભથ્થું 200 રૂપિયાથી વધારી 1000 કરવામાં આવ્યું હતું. જ્યારે નેતા વિપક્ષનો માસિક ટપાલ ખર્ચ રૂપિયા 1000થી 10 હજાર રૂપિયા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2005 બાદ પહેલીવાર ધારાસભ્યો અને મંત્રીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો હતો.