ભુજ16 મિનિટ પહેલા
- કૉપી લિંક
- ભૂકંપ સમયે સહાય માટે દસ્તાવેજનો ગેરઉપયોગ અટકાવવા લાગ્યું હતું
- કલેકટર કચેરીમાં મંજુરી માટે પત્ર લખ્યા બાદ હજુ જવાબ નથી
ભુજ શહેરમાં 2001ની 26મી જાન્યુઅારીના ભૂકંપ બાદ ભુજ નગરપાલિકાના રેકર્ડ રૂમમાં દસ્તાવેજોનો ગેરઉપયોગ અટકાવવા સીલ લાગ્યું હતું. જે 22 વર્ષ સુધી ખૂલ્યું નથી. પરંતુ, નવી ઈમારત બનાવવા માટે તોડવું પડે અેમ છે અને અે માટે કલેકટરની મંજુરી મળવાની બાકી છે, જેથી જૂની ઈમારત તોડવાની કામગીરી અટકી પડી છે.
ભૂકંપ બાદ પુન:વસનની કામગીરીમાં પ્લોટ અને મકાન બાંધકામ માટે મિલકતની માલિકી અને ભાડાચિઠ્ઠી સહિતના અાધારો લેવાતા હતા. અે સમયે ભુજ નગરપાલિકાના રેકર્ડ રૂમમાં ઉપલબ્ધ રહેતા હતા, જેથી કેટલાક વગદારો દ્વારા કોઈને કોઈ નામે વધુને વધુ પ્લોટ અને મકાન બાંધકામ સહાય મેળવવા માટે રેકર્ડ રૂમમાંથી દસ્તાવેજોનો ગેરઉપયોગ થતો હોવાની ફરિયાદ ઉઠી હતી, જેથી કલેકટર કક્ષાઅેથી રેકર્ડ રૂમ સીલ કરી દેવાયો હતો.
જોકે, કેટલાક લોકોઅે શંકા વ્યક્ત કરી કહ્યું હતું કે, ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવી સિલિંગ પ્રક્રિયા હતી. અેટલું જ નહીં પણ પાછળથી પણ સીલ તૂટ્યાની ભીતિ છે. વળી 22 વર્ષ પછી રૂમ ખોલવામાં અાવે છે, જેથી તમામ રેકર્ડ નાશ પામ્યાની શક્યતા છે. જે હોય તે પણ હાલ ભુજ નગરપાલિકાની નવી કચેરી અેજ સ્થળ બનાવવાની હોઈ જૂની ઈમારત તોડવી પડે અેમ છે, જેથી કલેકટરમાંથી સીલવાળો રૂમ તોડવાની પરવાનગી લેવાની અાવશ્યકતા ઊભી થઈ છે.
કલેકટરે મારેલા સીલ કલેકટર ખોલવાની મંજુરી અાપે તો જ ખોલી શકાય. નહીંતર ભવિષ્યમાં કાયદાકીય ગૂંચ ઊભી થાય અેમ છે. જે બાબતે હેડ કલાર્ક હિતેન્દ્રસિંહ જાડેજાને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હજુ તો બે ત્રણ દિવસ પહેલા કલેકટર કચેરીમાં પત્ર મોકલ્યો છે. અેટલે સ્વાભાવિક રીતે પ્રત્યુત્તરની પ્રક્રિયાના ભાગ રૂપે મંજુરી મળવાને હજુ બે-ત્રણ દિવસ લાગી જાય.