વડોદરા2 મિનિટ પહેલા
- કૉપી લિંક

વડોદરા નજીક ખાનપુર ગામની સીમમાંથી ગાજરની આડમાં લઇ જવાતો દારુ પકડાયો
- તાલુકા પોલીસે ફિલ્મીઢબે દારુનો જથ્થો ઝડપી પાડ્યો
તાલુકા પોલીસ મથકના સિનીયર પી.એસ.આઇ. વી.જી. લાંબરીયાએ જણાવ્યું હતું કે, તાલુકા પોલીસ મથકના પોલીસ જવાનો પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન સ્ટાફને માહિતી મળી હતી કે, ભારતીય બનાવટનો દારુ ભરેલો એક બોલેરો પીકપ ટેમ્પો અંકોડીયા ગામથી સેવાસી તરફ જવાનો છે. જે માહિતીના આધારે પોલીસ જવાનો એલર્ટ થઇ ગયા હતા. અને બાતમીવાળો ટેમ્પો નજીક આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ટેમ્પોના ચાલકે પોલીસે રોકવાનો પ્રયાસ કરવા છતાં, અને ટેમ્પો ભગાડી મૂક્યો હતો.
દારુ ભરેલો ટેમ્પો મૂકી આરોપી ફરાર
સિનીયર પી.એસ.આઇ.એ વધુમાં જણાવ્યું હતું કે, દારુ લઇને પસાર થઇ રહેલા ટેમ્પો ચાલકે ટેમ્પો ભગાડી મૂકતા પોલીસ જવાનોએ તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પોલીસે પીછો કરતા ટેમ્પો ચાલક ખાનપુર ગામની સીમમાં રોડની સાઇટ ઉપર આવેલ સાંઇ સુધા ફાર્મ હાઉસના ગેટ પાસે ટેમ્પો પાર્ક કરી ફરાર થઇ ગયો હતો. પોલીસે ફરાર થઇ ગયેલા ટેમ્પો ચાલકનો પણ પીછો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ, ટેમ્પોમાં દારુ ભરીને જતો ટેમ્પો ચાલક અંધારાનો લાભ લઇ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

આ બોલેરો પીકપ ટેમ્પોમાં દારુ લઇ જવાતો હતો
852 નંગ દારુની બોટલો મળી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાલુકા પોલીસ મથકના સ્ટાફના એ.એસ.આઇ. સુરેખાબહેન, અ.હે.કો. શાંતિલાલ, અ.પો.કો. કેતનસિંહ, પ્રશાંતભાઇ, જીતેન્દ્રસિંહ અને ધવલસિંહ સાથે ટેમ્પો પાસે પહોંચી ટેમ્પોમાં તપાસ કરતા ગાજર ભરેલા પ્લાસ્ટીકના થેલાની આડમાં ભારતીય બનાવટનો દારુ ભરેલી પેટીઓ મળી આવી હતી. પોલીસે દારુ અને ટેમ્પો કબજો લઇ વધુ તપાસ કરતા ટેમ્પોમાંથી રૂપિયા 3,47,340 ની કિંમતની 852 નંગ દારુની બોટલો મળી આવી હતી. પોલીસે દારુનો જથ્થો અને ટેમ્પો મળી કુલ્લે રૂપિયા 10,47,340 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
રાજસ્થાનથી લવાતો દારુ ઝડપાયો
આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં બોલેરો પીકપ ટેમ્પોના ફરાર ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તાલુકા પોલીસે ફરાર આરોપી સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ફરાર આરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. આ દારુનો જથ્થો આગામી 31 ડિસેમ્બરમાં રેલમછેલ કરવા માટે લઇ જવાતો હોવાનું મનાય છે. અને આ દારુનો જથ્થો રાજસ્થાનથી લવાઇ રહ્યો હોવાનું ટેમ્પોની નંબર પ્લેટ ઉપરથી જણાઇ આવે છે. ટેમ્પો ચાલક ઝડપાયા બાદ આ દારુનો જથ્થો કોણે પહોંચતો કરવાનો હતો. અને રાજસ્થાનથી કોણે ભરાવ્યો હતો. તે સહિતની અન્ય વિગતો બહાર આવશે.