મહેસાણા6 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર
- બે મકાનોમાંથી માલ મળ્યો, અન્ય બે મકાનોમાં ચોરોનો ફેરો માથે પડ્યો
- વસઇ પોલીસે ગુનો નોંધી ચોરોની શોધખોળ હાથ ધરી
વેપારી મથક કુકરવાડાના પરા વિસ્તાર આનંદપુરામાં એક જ રાતમાં 4 મકાનોનાં તાળાં તૂટ્યાં હતાં. જેમાં તસ્કરો બે મકાનમાંથી રૂ.19,800ની મત્તા ચોરી ગયા હતા. જ્યારે અન્ય બે મકાનોમાંથી ચોરોને કશું હાથ લાગ્યું ન હતું. વસઈ પોલીસે ગુનો નોંધી ચોરોની શોધખોળ હાથ ધરી છે.
વિજાપુર તાલુકાના કુકરવાડાની નજીક આવેલા આનંદપુરા ગામે નિવૃત્ત જીવન ગાળી રહેલા બાબુભાઈ બેચરદાસ પટેલ ગત 8 ડિસેમ્બરના રોજ ગાંધીનગર અને વડોદરા ખાતે રહેતા બંને દીકરાઓને ત્યાં રહેવા ગયા હતા. ત્યારે બુધવારે રાત્રે ત્રાટકેલા તસ્કરોએ તેમના બંધ મકાનનું તાળું તોડી માળીયા ઉપર મૂકેલી બેગમાંથી રૂ.12 હજારની રોકડ અને તિજોરીમાં મૂકેલી ચાંદીની શેરો અને સિક્કા તેમજ પટેલ દિપકભાઈ મંગળભાઈના મકાનમાંથી રૂ.4,000 રોકડ અને ચાંદીનો એક સિક્કા ચોરી ગયા હતા.
જ્યારે પટેલ ભગાભાઈ અંબાલાલ અને પટેલ મંગળભાઈ બબાભાઈના મકાનનાં પણ તાળાં તોડ્યાં હતાં. પરંતુ કશું હાથ નહીં લાગતાં ચોરોને બે મકાનમાં ફેરો પડ્યો હતો. ગામમાં એક જ રાતમાં 4 બંધ મકાનોને ચોરોએ નિશાન બનાવતાં ગામલોકોમાં ભયનો માહોલ ખડો થયો છે. વસઈ પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો હતો.