બોટાદ25 મિનિટ પહેલા
- કૉપી લિંક
- ઈજાગ્રસ્તમાં 3ને બોટાદની સબીહા હોસ્પિટલમાં જ્યારે 1ને અમદાવાદ ખસેડાયાં
બરવાળા તાલુકાના રોજીદ ગામે પૂર્વ પ્રેમિકાના લગ્ન પ્રસંગ બાદ ઘર પાસે આવવા અંગે ઠપકો આપ્યાની દાઝ રાખી પિતા પુત્ર સહિતના ચાર શખસનો યુવતીના 2 ભાઈ અને બનેવી ઉપર ધારીયુ, કોદાળી અને લાકડી જેવા હથિયારો વડે હુમલો કરી ત્રણેયને ઈજા પહોંચાડી હતી.
રાણપુરના વેજળકામાં રહેતા દિનેશભાઈ મનજીભાઈ સીતાપરાની બરવાળાના રોજીદ ગામે રહેતી સાળીને આનંદ વિરગામા નામના શખસ સાથે અગાઉ પ્રેમ સબંધ હતા. અને આ પ્રેમ સબંધ તૂટી ગયા બાદ યુવતીના તા.16/12/2022ના રોજ લગ્ન હતા. આ સમયે આનંદ નામનો શખસનો ઘર પાસે આવતાં તેને દિનેશભાઈએ ઠપકો આપ્યો હતો. આ બાબતની દાઝ રાખી લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયા બાદ સાંજના સમયે દિનેશભાઈ અને તેમના સાળા તેમજ સાસરિયા પક્ષના અન્ય લોકો પાર્ટેશન દૂર કરી રહ્યા હતા.
ત્યારે આનંદ બળદેવભાઈ, તેના પિતા બળદેવ વિરગામા, રવિ બળદેવભાઈ વિરગામા અને પોપટ બેચરભાઈ વિરગામા ( રહે. રોજીદ)એ ધારીયુ, કોદાળી, અને લાકડી જેવા હથિયારો લઈ અને યુવાનના સસરાના ઘર પાસે ગાળો બોલી દિનેશભાઈ, તેમના સાળા ધનજીભાઈ અને કુટુબી સાળા નીરલભાઈ નાનજીભાઈ પનારા ઉપર ધારીયુ, કોદાળી, અને લાકડી જેવા હથિયારો વડે હુમલો કરી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા ત્રણેય લોકોને બરવાળા અને ત્યાંથી બોટાદની સબીહા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે નીરલભાઈને માથાના ભાગે વધુ ઈજા પહોચવાના કારણે તેમને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.