અમદાવાદ8 મિનિટ પહેલા
- કૉપી લિંક

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી…
સફેદ બગલો ક્યાંય પાછળ પડતો નથી
હાલમાં જ નવી સરકાર ગુજરાતમાં યથાવત થઈ છે. અધિકારીઓની બદલી થવાની પણ શક્યતા વર્તાઈ રહી છે તેવા સંજોગોમાં સીએમઓમાં સફેદ બગલાની રી-એન્ટ્રી નવાઈ પમાડે તેવી છે. રાજકોટ ખાતે જૂની બિનખેતી થયેલી જમીનની ફાઈલમાં કરોડો રૂપિયાનો વેપાર કરાવનારો સફેદ બગલો ફરીથી એક વાર સક્રિય થયો છે. ભ્રષ્ટાચારની અઢળક ફરિયાદ હોવા છતાં ફરીથી કોન્ટ્રાક્ટ રીન્યુ થતા સફેદ બગલાને જાણે વધારે પાંખ આવી ગઈ છે. જોકે આ રીન્યુઅલ પાછળ એક જાણીતા બિલ્ડરનો હાથ હોય તેમ લાગે છે. ભૂતકાળમાં ભોગ ધરાવાય તો નેગેટિવ ફાઈલને પણ પોઝિટિવ કરતાં આ બગલાને અનેકગણું મીડિયા કવરેજ મળ્યું હોવા છતાં કાળા કામો કરવામાં માહેર આ સફેદ બગલો ક્યાંય પાછળ પડતો નથી તેવો ગણગણાટ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ એક ફાઈલ અંગે સફેદ બગલાએ મિસ બ્રીફ કરી અને નેગેટિવ ફાઈલને પોઝિટીવ કરવા માટે ભોગ ચડાવવાની માંગ કરી હોવાની જે તે પાર્ટી એ ઉપલા લેવલે જ વાત કરતાં હવે આ બગલો ફાઈલ નેગેટિવ કરવા દોડધામ કરી રહ્યો હોવાની માહિતી મળી રહી છે.

ગઈ વખતની સરકાર કરતાં આ વખતની સરકારમાં શુભચિંતકોની સંખ્યા ઘટી
13 સપ્ટેમ્બર, 2022ના રોજ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ નવા મંત્રીઓની વરણી થઈ હતી. આ નિયુક્તિ બાદ સચિવાલય ખાતે મુલાકાત કરતા શુભેચ્છકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. લગભગ એકાદ મહિના સુધી શુભેચ્છકોની શુભેચ્છાઓનો ધોધ સતત વહેતો રહ્યો હતો. તાજેતરમાં જ ગુજરાતની નવી સરકારના મંત્રીઓએ શપથ લીધા છે અને શુભેચ્છકો પણ મળવા આવી રહ્યા છે. જોકે ગત સરકારની સરખામણીએ આ સરકારમાં આવતા શુભેચ્છકોની સંખ્યા ઓછી છે ત્યારે મંત્રીની ઓફિસ સ્ટાફ તર્ક લગાવી રહ્યા છે કે ગઈ વખતે ચૂંટણી હોવાથી ટિકિટ મેળવવાનો સ્વાર્થ હોવાથી લોકો શુભેચ્છા પાઠવવા આવતા હતા પરંતુ હવે ચૂંટણી તો છે નહીં એટલે શુભેચ્છકોની સંખ્યા ઓછી હોય તેમ લાગે છે.
મંત્રીઓ ચેમ્બર ભુલી જાય છે
ગુજરાતની નવી સરકારના મંત્રીઓને ચેમ્બર પણ ફાળવાઈ ગઈ છે પરંતુ અનેક એવા મંત્રીઓ છે કે જેમની ગત સરકારમાં કેબીન અલગ જગ્યાએ હતી અને હાલની સરકારમાં કેબીન અલગ જગ્યા પર ફાળવવામાં આવી છે. હવે માનવ સહજ સ્વભાવ છે કે વારંવાર કરવામાં આવતી વસ્તુ કે પ્રક્રિયા એક રૂટિન આદત બની જાય છે એ જ રીતે ગત સરકારના જૂના મંત્રીઓ કે જેમને વર્તમાન સરકારમાં રિપીટ કર્યા છે તેમની સાથે બની રહ્યું છે. જૂની ટેવ પ્રમાણે તે જૂની ચેમ્બર તરફ જ જતા રહે છે. આવું જ્યારે થાય છે ત્યારે જે ચેમ્બરમાં જાય છે ત્યાંથી તેમને નવી ચેમ્બર તરફ દોરવામાં આવે છે.

મંત્રીઓને અપાતાં પુષ્પ ગુચ્છ પણ એના એ જ વપરાય છે
નવી સરકારના મંત્રીઓએ ચાર્જ લઈ લીધો છે. લોકો શુભેચ્છા મુલાકાત કરવા પણ આવી રહ્યાં છે. આવનારા મુલાકાતીઓ મંત્રીઓને પુષ્પ ગુચ્છ આપી અને શુભેચ્છા પાઠવે છે પરંતુ ફરીથી એના એ જ પુષ્પ ગુચ્છ પરત આવી જાય છે અને ફરીથી એ જ પુષ્પ ગુચ્છથી મંત્રીઓ શુભેચ્છા મેળવે છે. આમ, એકના એક જ પુષ્પ ગુચ્છની હેરાફેરી પણ મંત્રીઓની ચેમ્બરમાં જોવા મળી રહી છે.
ચૂંટણીના પરિણામે આંતરિક વિરોધીઓના મોઢા બંધ કરી દીધા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં આંતરિક જૂથવાદ ચરમસીમા આવી ગયો હતો. નવા ચહેરાઓને ટિકિટ મળતા જુના સિનિયર અને પીઢ નેતાઓ નારાજ હતા. ચૂંટણીમાં પણ અમુક લોકો નિષ્ક્રિય થઈ ગયાનું જાણવા મળ્યું હતું તો કે ચૂંટણીમાં જેને ટિકિટ મળી હતી. એવા લોકો હારે તો મવડી મંડળથી લઈ ગુજરાત સરકારને ખબર પડે તેવો ભાવ મનમાં હતો પરંતુ પરિણામ અને ખાસ કરીને લીડ દરેક ઉમેદવારની આવતા જ આંતરિક વિરોધીઓના મોઢા સિવાય ગયા હતા અને ફિલ્ડમાં દેખાવાનું કે કાર્યાલય પર રહેવાનું ટાળ્યું હતું. ભાજપના અમુક નેતાઓ અને ઉમેદવારો જ્યારે મળે ત્યારે અંદરો અંદર ગણગણાટ પર કરતા હોય છે કે જે લોકોએ ભરાવાનું બીડું ઝડપ્યું હતું એ લોકો કેમ દેખાતા નથી અને તેમના મોટા કેમ સિવાય ગયા છે એવું કહી એક બીજાને તાલી મારી હસતા હોય તેવા દૃશ્યો સૌરાષ્ટ્રમાં જોવા મળ્યા હતા.

ભાજપ યોગ્ય ઉમેદવારની પસંદગી ન કરી જેવા કારણે ન જીત્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની 16 વિધાનસભા બેઠકમાંથી 14 વિધાનસભા બેઠક પર ભાજપનો વિજય થયો છે. દાણીલીમડા અને જમાલપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારો હાર્યા છે. શહેરની તમામ 16 વિધાનસભા બેઠકો પર વિજય મેળવવાના લક્ષ્યાંક હતો પરંતુ જમાલપુર બેઠક પર વિજય ન મેળવાયો તેમાં ભાજપના જ શહેર અને પ્રદેશના નેતાઓની ભૂલ હોવાની ભાજપના જ કાર્યકરોમાં ચર્ચા ચાલી રહી છે. જમાલપુર બેઠક પર ઉમેદવાર નક્કી કરવા મામલે ક્યાંકને ક્યાંક ભાજપના જ નેતાઓ થાપ થઈ ગયા હોવાના કારણે જમાલપુરની જનતાએ તેઓને સ્વીકાર્યા નહીં.
શું ભાજપના નેતાઓમાં કોઈ સેટિંગ થઇ ગયું?
બે વખત ચૂંટણી હારેલા ઉમેદવારને ફરીથી કેમ ટિકિટ આપવામાં આવી શું ભાજપના નેતાઓમાં કોઈ સેટિંગ થઇ ગયું અથવા તો પોતાના માણસોને ચૂંટણી લડાવવા માટે લોબિંગ કરી ટિકિટ અપાવી તેની ચર્ચા કાર્યકરો કરી રહ્યા છે. મુસ્લિમ મતદારો બે ભાગમાં વહેંચાઈ જાય તેવું ચિત્ર પણ આ વિધાનસભાની ચૂંટણીમાં ઊભું થયું હતું. જેથી જો ભાજપ દ્વારા યોગ્ય ઉમેદવાર ઉભો રાખવામાં આવ્યો હોત તો જમાલપુરની બેઠક પર આસાનીથી ભાજપનો વિજય થયો હોત. પરંતુ જે રીતે ભાજપની નેતાગીરીએ ઉમેદવાર જાહેર કર્યા અને ત્યારબાદ જમાલપુરની જનતાનો વિશ્વાસ મેળવવા માટે જે રીતે ચૂંટણીમાં વિજય મેળવવા માટે પ્રયાસ કરવા જોઈએ તેવા પ્રયાસો ન થતા આજે જમાલપુરની બેઠક ફરીથી ન મેળવવા માટે ખુદ ભાજપના નેતાઓ જ જવાબદાર હોવાનું ભાજપના કાર્યકરોમાં ચર્ચા ચાલી છે.
મ્યુનિસિપલ કમિશનરને આ સમસ્યા દેખાતી નથી!
અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ એમ. થેન્નારસન વિવિધ વિસ્તારોમાં રાઉન્ડ લેવાનું શરૂ કર્યું હતું. જેમાં સફાઈ, રોડ-રસ્તા, કર્મચારીઓની હાજરી અને ગંદકી મામલે બેદરકારી જોતા વિભાગોના અધિકારીઓને કાર્યવાહી કરવા સૂચના આપી છે. શહેરનો સૌથી મોટો પ્રશ્ન ટ્રાફિકનો છે. રોડ પર અને ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે દબાણ કરી અને લારી ગલ્લાઓ વાત કરી દેવામાં આવે છે કહે છે જે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ સૌથી મોટું ગેરકાયદેસર દબાણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસથી અડધો કિલોમીટર દૂર એવી લાલદરવાજા ભદ્ર બજાર અને આસપાસના વિસ્તારમાં છે. લાલ દરવાજા બસ સ્ટેન્ડ, અપના બજાર અને ભદ્ર પ્લાઝા વિસ્તારમાં આશરે 3,000થી વધુ લારી-ગલ્લાઓના દબાણો છે. જેના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાય છે.
અધિકારીઓ હપ્તા ઉઘરાવવા આવતા હોવાની અનેક ફરિયાદો
કમિશનર દરેક જગ્યાએ રાઉન્ડ લે છે તો પછી શા માટે તેઓ ભદ્ર પ્લાઝા અને ભદ્રની આસપાસના વિસ્તારોમાં રાઉન્ડ લઇ અને આવા દબાણો દૂર કેમ નથી કરાવી શકતા નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારી અને વોર્ડના ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓનો ભદ્ર પ્લાઝા અને આસપાસના વિસ્તારના વેપારીઓ પાસેથી હપ્તા ઉઘરાવવા આવતા હોવાની અનેક ફરિયાદો છે છતાં પણ મ્યુનિસિપલ કમિશનર જ અધિકારીને સાચવી રહ્યા છે તેવી ચર્ચા ચાલી રહી છે.
RMC સ્વચ્છતાની સલાહ માટે ચૂકવશે વર્ષે 35 લાખ
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ સહિતના અન્ય પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારની કંપની નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર સર્વિસીઝ ઇન્કોર્પોરેટેડને કન્સલ્ટન્સી આપવામાં આવી છે. આ સંસ્થા સાથે થયેલા કરાર પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેનું માળખું ગોઠવી આપશે અને તેની સલાહ આપશે. જેના બદલે રાજકોટ મહાનગરપાલિકા સંસ્થાને મહિને 2,94,250 રૂપિયા જેના વાર્ષિક 35.31 લાખ રૂપિયા જેટલી રકમ ચુકવશે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણયને લીલીઝંડી આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં આ સંસ્થા સ્વચ્છતા સર્વેક્ષણ માટે જરૂરી દસ્તાવેજો,જન જાગૃતિની રીત અને એર ક્વોલીટી સહિતના મુદ્દે માર્ગદર્શન આપશે.
લાખો રૂપિયાનો પગાર લેતા ઇજનેરો નથી સક્ષમ
રાજકોટ મહાનગરપાલિકાએ મંજૂર કરેલી દરખાસ્તના કારણે લાખો રૂપિયા વસુલતા ઇજનેરોની કાર્યક્ષમતા સામે સવાલો ઉઠી રહ્યા છે. શહેરને સ્વચ્છ રાખવા માટે મનપાએ કોઇ સંસ્થાને ભાડે રાખવી પડી રહી છે. જેની સામે દર મહિને મનપાના ઇજનેરો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે મનપાના સત્તાધીશોને તેના ઇજનેરો અધિકારીઓ પર ભરોસો નથી કે પછી આ અધિકારીઓ શહેરમાં સ્વચ્છતા માટેની સલાહ આપવા માટે પણ સક્ષમ નથી તે મોટો સવાલ છે.