અરવલ્લી (મોડાસા)4 મિનિટ પહેલા
અરવલ્લી જિલ્લામાં વર્તમાન રવિ સીઝનમાં પરંપરાગત ખેતી કરતા ખેડૂતો હજારો હેકટર જમીનમાં ઘઉંનું વાવેતર કરી આર્થિક રીતે સંપન્ન બનવા અથાગ પ્રયાસ કરી રહ્યા છે.
અરવલ્લી જિલ્લામાં વર્ષોથી ખેડૂતો રવી સીજનમાં ઘઉંનું વાવેતર કરતા આવ્યા છે. ત્યારે આ વર્ષે પણ જિલ્લાના અનેક ખેડૂતોએ 70,478 હેકટર જમીનમાં ઘઉંનું વાવેતર કર્યું છે, જેમાં સૌથી વધુ વાવેતર મોડાસા તાલુકાના ખેડૂતોએ કર્યું છે. મોડાસા તાલુકાની 18,014 હેકટર જમીન પર ઘઉંનું વાવેતર કરાયું છે. બાયડ તાલુકામાં 13,426 હેકટર, ભિલોડા તાલુકામાં 13,145 હેકટર, મેઘરજ તાલુકામાં 11,293 હેકટરની સાથે સાથે માલપુર તાલુકામાં 9,700 હેકટર જમીનમાં ઘઉંનુ વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. જિલ્લામાં ઘઉંનું સૌથી ઓછું વાવેતર ધનસુરા તાલુકાના ખેડૂતોએ કર્યું છે, ધનસુરા તાલુકામા ફક્ત 4,900 હેકટર જમીન પર ઘઉંની વાવણી કરાઈ છે.

જિલ્લાના ખેડૂતોએ રવિ સિઝનની શરૂવાત થતા જ મોંઘા ભાવનું ઘઉંનું બિયારણ, ખાતર અને દવાઓ લાવી સમયસર ઘઉંનું વાવેતર કરી દીધું છે. છેલ્લા કેટલાક દિવસોથી ઘઉંના પાકને અનુકૂળ ઠંડી પણ પડી રહી હોવાથી આ વર્ષે સારું ઉત્પાદન મેળવવાની આશા ખેડૂતો રાખી રહ્યા છે. વાવેતર કરેલા વિસ્તારમાં પિયત કરવાની જરૂર હોય છે તે વિસ્તારમાં ખેડૂતો રાત્રી ઉજાગરો વેઠીને પણ પિયત કરી રહ્યા છે. ખેડૂતો ચાલુ વર્ષે સારા પ્રમાણમાં ઉત્પાદન અને સારા ભાવની આશા રાખી બે પાંદડે બનવા પણ ભરચક પ્રયાસ કરી રહ્યા છે.
