અમદાવાદએક કલાક પહેલાલેખક: આનંદ મોદી
કૌન બનેગા કરોડપતિમાં અત્યારે જુનીયર કિડ્સ સ્પેશીયલ એપિસોડ ચાલી રહ્યા છે. શોમાં બાળકો પોતાના જ્ઞાન દ્વારા સારી એવી રકમ જીતી રહ્યા છે. ત્યારે અમદાવાદનો નવ વર્ષીય બાળક KBCમાં હોટ સીટ પર બેસીને એક પછી એક સવાલોના સાચા જવાબ આપીને 25 લાખ જીત્યો છે.
સવાલનો જવાબ આપતા KBCનો દ્વાર ખુલ્યો
મૂળ રાજકોટના પરંતુ અમદાવાદમાં રહેતા ગૌતમ શાહનો દીકરો આર્ય ચોથા ધોરણમાં ઉદગમ સ્કુલમાં અભ્યાસ કરે છે. ગૌતમભાઈ નોકરી કરે છે અને તેમના પત્ની નેહાબેન હાઉસવાઈફ છે. ગૌતમભાઈ તેમના પરિવાર સાથે વૈષ્ણવદેવી સર્કલ પાસે રહે છે. તેમનો 9 વર્ષનો બાળક આર્ય શરૂઆતથી જ ભણવામાં હોશિયાર છે. આર્યને પુસ્તકો વાંચવાનો ખુબ શોખ છે. સોની લીવ એપ્લીકેશનમાં સવાલનો જવાબ આપીને આર્ય માટે KBCનો દ્વાર ખુલ્યો હતો.

મુંબઈ પણ ઈન્ટરવ્યુનો સિલસિલો ચાલુ
એપ્લિકેશનમાં જુનીયર KBC માટે એક સવાલનો સાચો જવાબ આપતા કોમ્પ્યુટર મારફતે એક કોલ આવ્યો હતો. જેમાં 3 સવાલ કરવામાં આવ્યા હતા જે સાચા પડતા આર્ય પર એક વ્યક્તિનો કોલ આવ્યો જેમને 2 સવાલ કર્યા હતા. આમ 3 અલગ અલગ સ્ટેજમાંથી પસાર થયા બાદ આર્ય માટે મુંબઈ જવાનો રસ્તો ખુલ્યો હતો. જોકે, હજુ આટલેથી અટક્યું નહોતું. મુંબઈ ગયા બાદ પણ ઈન્ટરવ્યુનો સિલસિલો ચાલુ જ હતો.
ફાસ્ટર ફિંગર ફર્સ્ટમાં ઝડપથી જવાબ આપ્યા
મુંબઈમાં આર્યનું સૌ પ્રથમ વીડિયો ઈન્ટરવ્યું કરવામાં આવ્યું હતું. જે પાસ કરતા આર્યનું એક પર્સનલ ઈન્ટરવ્યું કરવામાં આવ્યું હતું. જે પાસ કર્યા બાદ આખરે KBCના સ્ટેજ પર આર્યને પ્રવેશ મળ્યો હતો. KBCના સ્ટેજ પર આર્યને પોતાના જેવા 9 લોકો મળ્યા હતા. આ 9 લોકો સાથે હવે આર્યની હરીફાઈ હતી. આ હરીફાઈ હોટ સીટ માટેની હતી. ફાસ્ટર ફિંગર ફર્સ્ટમાં આર્યએ શરૂઆતના 2 પ્રશ્નોના ઝડપથી જવાબ આપ્યા હતા. જે બાદ ત્રીજા પ્રશ્નનો જવાબ પહેલા ના આપ્યો.

હોટ સીટ પર બેસતા જ આર્યની આંખો પહોળી થઇ ગઈ
છતાં આર્યને જવાબ આપવાની સ્પીડ અન્ય કરતાં વધારે હતી. જેથી તેનું હોટ સીટ માટે નામ ફાઈનલ થયું. હોટ સીટ માટે નામ આવતા આર્ય આજુબાજુમાં દેખવા લાગ્યો અને જોવા લાગ્યો કે સાચે જ તેનું નામ સિલેક્ટ થયું. સાથે ગયેલા માતા પિતા ઉભા થઈને ખુશી સાથે રડતી આંખે તાળીઓ પાડી રહ્યા હતા. જે જોઇને આર્યને થયું સાચે તે હોટ સીટ પર જશે. હોટ સીટ પર અમિતાભ બચ્ચન સામે બેસતા જ આર્યની આંખો પહોળી થઇ ગઈ હતી.
50 લાખના પ્રશ્ન પર આર્યએ ક્વિટ કર્યું
આર્યને પ્રથમ પ્રશ્ન ગુજરાતી ફૂડ અંગે પૂછવામાં આવ્યો હતો જેનો તેને સાચો જવાબ આપ્યો હતો. જે બાદ એક બાદ એક સવાલ આવતા રહ્યા હતા. 25 લાખ માટેનો સવાલ આવ્યો હતો કે, 1950માં ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં કઈ સિટીના ક્રિસમસ ટ્રીને સ્થાન મળ્યું હતું. જેનો જવાબ લાઈફ લાઈન વિના અર્યાએ સીએટલ આપ્યો હતો, જે જવાબ સાચો પડ્યો હતો. આ બાદ 50 લાખનો પ્રશ્ન આવ્યો હતો. જેમાં કયા ક્રિકેટર ટેસ્ટ મેચમાં 5 દિવસમાંથી એકપણ દિવસ બેટિંગ કરી નથી. તે સવાલ હતો જેનો જવાબ ના આવડતો હોવાથી અને લાઈફ લાઈન પૂરી થઇ ગઈ હોવાથી આર્યએ ક્વિટ કરી દીધું હતું. આર્યએ 1.20 લાખ, 12.50 લાખ અને 3.20 લાખના પ્રશ્ન માટે પણ આર્યએ લાઈફ લાઈન વાપરી હતી. 50 લાખના પ્રશ્ન પર ક્વિટ કર્યું હતું. 15 દિવસ અગાઉ આ તમામ શુટિંગ થયું હતું અને ગઈકાલે રાતે સોની ટીવી પર એપિસોડ પબ્લિશ થયો હતો.

‘એક દિવસમાં એક આખી બુક વાંચી લવ છું’
આર્યએ જણાવ્યું હતું કે, મારો અનુભવ ખુબ જ શાનદાર રહ્યો હતો. મને બુક રીડિંગનો બહુ જ શોખ છે. એક દિવસમાં એક આખી બુક વાંચી લવ છું. મમ્મી પપ્પા ક્યારેક તો વાંચતા રોકી લે છે. સ્કુલમાં પણ મારો અભ્યાસ સારો છે. મારા ક્લાસમાં મેમ સવાલ કરે ત્યારે દર વખતે હું હાથ ઉંચો કરીને જવાબ આપું છું. તો હવે મેમ પણ મને કહે છે કે હવે તું નહિ બીજાને ચાન્સ આપ.
‘ચિકનગુનિયા થતાં હોસ્પીટલમાંથી તૈયારી કરી’ આર્યના માતા નેહાબેને જણાવ્યું હતું કે આર્યનું નામ સિલેક્ટ થયું ત્યારથી અમને ખુશી હતી, અમેં તેને જનરલ નોલેજની બુક્સ વંચાવતા હતા. 15 દિવસનો સમય તૈયારી માટે હતો પરંતુ આર્યને ચિકનગુનિયા પણ થઇ ગયો હતો જેથી 2 દિવસ તો હોસ્પિટલમાંથી તૈયારી કરી હતી. આર્યનો કોન્ફિડન્સ ખુબ જ સારો છે. આર્ય 3 વર્ષથી વાંચે છે. તેના લેવેલ પ્રમાણે તેને વાંચવાનું વધાર્યું છે.
‘તે KBCનો શો હોસ્ટ કરવા માંગે છે’
આર્યના પિતા ગૌતમ શાહે જણાવ્યું હતું કે, સૌથી નાની ઉંમરનો બાળક આટલી રકમ જીત્યો તે પ્રથમ વખત થયું છે. આર્યનું નામ જાહેર થયું ત્યારે મારી આંખો ભીની થઇ ગઈ હતી. તેની પસંદગી થઇ ત્યારથી અમે તેની સાથે મહેનત કરી રહ્યા હતા. હવે તે KBCનો શો હોસ્ટ કરવા માંગે છે તેને જે કરવું હશે તે તમામમાં અમે તેનો સપોર્ટ કરવાના છીએ.