- Gujarati News
- Local
- Gujarat
- An Important Decision For Government Recruits, The Fourth Wave Of Education In The Country From January? Be Prepared To Be Cold
11 મિનિટ પહેલા
સરકારે ખાલી જગ્યાઓની કરશે સમીક્ષા
રાજ્યના યુવાનોને રોજગારી મળી રહે તેવા હેતુથી સરકારના વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે તેવું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલ અગત્યના નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, રાજ્યના યુવાનોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી સરકાર દ્વારા તમામ સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ- મંજૂર મહેકમને સમયબદ્ધ આયોજન દ્વારા વહેલી તકે ભરવાનો નિર્ણય મુખ્યંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કર્યો છે.
ભારતમાં જાન્યુઆરીમાં કોરોનાની ચોથી લહેરનું જોખમ
ભારતમાં જાન્યુઆરીમાં કોરોનાની ચોથી લહેરનું જોખમ વર્તાઈ રહ્યું છે. હવે પછીના 40 દિવસ દેશ માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે. ગુજરાત સહિત તમામ રાજ્યોએ તૈયારી શરૂ કરી દીધી છે. મંત્રાલયના સૂત્રોએ બુધવારે કહ્યું કે કેટલાક દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. દેશમાં કોરોનાની વધુ એક લહેર આવી શકે છે. આવી સ્થિતિમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્વાસ્થ્ય સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.
ધોરણ 6થી 8 માટે 10 બેગલેસ-ડેની જાહેરાત
ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે 10 બેગલેસ-ડેની જાહેરાત કરી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત પ્રિ-વોકેશનલ વિદ્યાર્થીઓને માટે જ આ નિર્ણય છે. જેનો અમલ આગામી જાન્યુઆરી મહિનાથી જ થશે. વર્ષમાં દસ દિવસ વિદ્યાર્થીઓએ બેગ વગર જવાનું રહેશે. તેમને બેંક, ઉદ્યોગો, યુનિવર્સિટી કે ITI જેવી સંસ્થાની મુલાકાતે લઈ જવાશે. અંદાજે 1500 જેટલી સ્કૂલ માટે સરકારે 2 કરોડ રૂપિયાની નાણાકીય જોગવાઇ કરી છે.
નવા વર્ષમાં ઠરવા તૈયાર રહેજો!
ગુજરાતમાં નવા વર્ષની શરુઆતથી જ હાડ થીજવતી ઠંડી પડશે. કડકડતી ઠંડીને લઈ હવામાન વિભાગ મુજબ, થર્ટી ફર્સ્ટથી રાજ્યમાં ઠંડીનો પારો વધવાની શરૂઆત થશે. જાન્યુઆરીના પહેલા સપ્તાહથી કાતિલ ઠંડી અનુભવાશે. આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે જઈ શકે છે. છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગુજરાત હવામાન વિભાગે આગામી બે દિવસની આગાહી કરતા જણાવ્યું છે કે, કચ્છના કેટલાક વિસ્તારમાં આગામી દિવસમાં શીત લહેર છવાઈ શકે છે. તો સાથે કચ્છના નલીયા વિસ્તારમાં હજુ પણ પારો ગગડે તેવી શક્યતા છે.
હીરાબાની તબિયત સ્થિર
PM મોદીનાં માતા હીરાબાની તબિયત સુધારા પર છે. ગઈકાલે PM મોદીના માતા હીરાબાની તબિયત બગડતા તેમને સવારે સારવાર માટે યુ.એન.મહેતા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
જ્યાં 6 એક્સપર્ટ ડોક્ટર દ્વારા તેમની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. આ અંગે સમાચાર મળતાં જ વડાપ્રધાન મોદી દિલ્હીથી સાંજે 4 વાગ્યે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે માતાના સ્વાસ્થ્ય અંગે તબીબો સાથે વાતચીત કરી અને હાલ હીરાબાની તબિયતમાં સુધારો આવતા હોસ્પિટલમાં સવા કલાક સુધી રોકાયા બાદ પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા હતા.
વિદ્યાર્થીને મારવાની ઘટના CCTVમાં કેદ
તા.12 ડિસેમ્બરના રોજ સમા ખાતે આવેલી નૂતન વિદ્યાલય સ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ્કૂલના શિક્ષકે સામાન્ય બાબતમાં ગાલ અને કાન પર 5 જેટલા લાફા મારતા વિદ્યાર્થીના કાનમાંથી લોહી નીકળ્યું હતું. શિક્ષક અનિલભાઇ વિદ્યાર્થીને માર મારી રહ્યા હતા. તે સમયના CCTV ફૂટેજ વાલીને મળ્યા હતા. બહુજન સમાજ પાર્ટીના અગ્રણીની આગેવાનીમાં વાલીઓ સ્કૂલમાં પહોંચ્યા હતા અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રતિલાલ પટેલને મળી શિક્ષકને તાત્કાલિક ડિસમિસ કરવાની લેખિત-મૌખિક રજૂઆત કરી હતી.
ચાલુ બસ ભડભડ સળગી ઊઠી
ચોટીલા પાસે હાઇવે પર દોડતી બસમાં ભડકો થયો. વિકરાળ આગ વચ્ચે મુસાફરો જીવ બચાવવા ભાગ્યા પણ એક વૃદ્ધાનું આગની લપેટમાં મોત થયું. અમદાવાદ-રાજકોટ હાઈવે પર મંગળવારે ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી. સુરત તરફ જઈ રહેલી બસમાં આગ લાગવાને કારણે એમાં ઊંઘી રહેલા મુસાફરોમાં નાસભાગ મચી હતી. બસમાં સવાર એક વૃદ્ધા ગંભીર રીતે દાઝી જતાં મોત થયું છે, જ્યારે અન્ય મુસાફરો પણ દાઝી જતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે