પાટણ15 મિનિટ પહેલા
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નેશનલ હાઇવે પર ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. સાંતલપુર આડેસર નજીક આવેલા એક હોટલ નજીકથી પસાર થઇ રહેલા એક બાઇકચાલકને તેની પાછળ આવી રહેલા ડમ્પરચાલકે ધડાકાભેર ટક્કર મારી હતી. જેથી બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી
સાંતલપુર તાલુકાના તાંતીયાણા ગામે રહેતાં મૃતકના કાકા પરેશ લુહારે નોંધાવેલી ફરીયાદ મુજબ, સાંતલપુર તાલુકાના ડાલડી ગામે રહેતો ભત્રીજો મેલા દેવાભાઇ લુહાર ગુરુવારે સવારે કોઈ કામઅર્થે રાધનપુર ગયો હતો. દરમિયાન પોતાનું બાઇક લઇ સાંતલપુર આડેસર જતાં રોડ પર એકબાજુનો રોડ બંધ હોવાથી બંને સાઇડના વાહનો એકજ રોડ પર આવતા હતા. તે સમયે બાઇકચાલક મેલાભાઈ રોડ સાઇડમાં જઇ રહ્યો હતો, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા એક ડમ્પરચાલકે ધડાકાભેર ટક્કર મારતાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે નેશનલ હાઇવે નં.27 પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા અને કલાકો સુધી ટ્રાફીકનો ચક્કાજામ સર્જાયો હતો.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફીકને હળવો કર્યો હતો. ત્યારબાદ મૃતકની લાશને પી.એમ. અર્થે સાંતલપુરના સરકારી દવાખાને લઇ જવામાં આવી હતી. આ ઘટનામાં ડમ્પરચાલક પોતાનું ડમ્પર મૂકીને ફરાર થઇ ગયો હોવાનું ફરીયાદમાં જણાવવામાં આવ્યું છે. તો આ ઘટના અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

0 comments:
Post a Comment