Header Ads

ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, અમદાવાદનું તાપમાન પણ ગગડ્યું

અમદાવાદઃ રાજ્યમાં વર્ષે ઠંડીની મોડી શરુઆત થઈ પણ હવે ઠંડી જામી રહી છે, હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની વાત કરી છે. જેમાં ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યના હવામાન પર પડશે. આ સાથે ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની અસર પણ ધીમે-ધીમે ગુજરાતમાં વર્તાઈ રહી છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ ઠંડીનું જોર વધી રહ્યું છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યના સૌરાષ્ટ્ર તથા કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધશે. રાજ્યમાં સૌથી ઓછું નલિયામાં લઘુત્તમ તાપમાન 9.3 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 11 અને અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં ઉત્તરિય પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે ઠંડીનો ચમકારો વધ્યો છે આ સાથે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસોમાં એકથી બે ડિગ્રી તાપમાન વધવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

ચાલુ વર્ષે પાછલા વર્ષો કરતા ડિસેમ્બરમાં શિયાળો હુંફાળો રહ્યો છે અને તેના કારણે કેરી સહિતના પાક પર પણ તેની માઠી અસર પડી રહી છે.

માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોચ્યું છે. ડિસેમ્બરના અંતમાં માઉન્ટ આબુમાં ગુજરાતી પ્રવાસીઓનો ભારે ધસારો રહેતો હોય છે. આવામાં અહીં પહોંચેલા મુલાકાતીઓને કાતિલ ઠંડીનો અનુભવ કરવા મળ્યો છે. અહીં પાર્ક કરેલા વાહનો પર પણ બરફની ચાદર છવાઈ ગઈ હતી. માઉન્ટ આબુમાં ઠંડી પડવાના કારણે આગામી દિવસોમાં અહીં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં હજુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. ઉત્તર ભારતના પર્વતિય વિસ્તારમાં હિમવર્ષા થઈ રહી હોવાથી દેશના દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ઠંડીના કારણે દિલ્હી જઈ રહેલી ટ્રેનના સમયમાં પણ અસર પડી હતી.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Tejas Jingar

First published:

Tags: Ahmeadabad News, Gujarat Weather, Gujarat Weather Forecast, ગુજરાત

Powered by Blogger.