દ્વારકા ખંભાળિયા18 મિનિટ પહેલા
- કૉપી લિંક

દેવભૂમી દ્વારકામાં દિવસેને દિવસે અકસ્માતના અને ક્રાઈમના બનાવો વધી રહ્યાં છે. તો આજે વધુ બે કિસ્સા પોલીસના ચોપડે નોંધાયો છે. જેમાં ખંભાળિયા નજીક પુરપાટ જતી બાઇકની બસ સાથે ટક્કર થવા પામી હતી. જેમાં બાઈકચાલકને માથાના ભાગે ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું. તો બીજા બનાવમાં હરીપર ગામની સીમ વિસ્તારમાંથી પોલીસે એક શખ્સને જામગરી બંદૂક સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બાઇકની બસ સાથે ટક્કરમાં એકનું મોત
ખંભાળિયા નજીકના જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આતરે સાત કિલોમીટર દૂર જામનગર તરફ જઈ રહેલી જી.જે. 03 બી.વાય. 1158 નંબરની બસ સાથે પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 25 આર 1082 નંબરના હોન્ડા સાઈન મોટરસાયકલના ચાલક રણમલભાઈ ઉગાભાઇ પરમાર (રહે. પોરબંદર) દ્વારા ધડાકાભેર અકસ્માત સર્જવામાં આવ્યો હતો.
બાઈકચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો
આ જીવલેણ ટક્કરમાં બાઈક ચાલક રણમલભાઈ પરમાર ફંગોળાઈ જતા તેને માથાના ભાગે તથા શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે બસના ચાલક આલાભાઈ હાજાભાઈ પતાણી (ઉં.વ. 27, રહે. ખંભાળિયા)ની ફરિયાદ પરથી પોલીસે હોન્ડા સાઈનના ચાલક રણમલભાઈ પરમાર સામે આઈ.પી.સી. કલમ 304(અ), 279 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.
જામગરી બંદૂક સાથે યુવાન ઝડપાયો
ખંભાળિયાના હરીપર ગામની સીમ વિસ્તારમાંથી પોલીસે સચિન રાજેશભાઈ મકવાણા (ઉં.વ. 22, રહે. ચાંદાણી મસ્જિદની બાજુમાં, ખંભાળિયા) નામના શખ્સને ગેરકાયદેસર, પાસ પરવાના વગરની દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લઇ, તેની સામે હથીયાર ધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.