ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયામાં એક સગીર પ્રેમી યુગલ દરિયાની ભરતીમાં ફસાયું હતું. સગીર અને સગીરા ઉમરગામના દરિયા કિનારે ફરવા આવ્યા હતા અને એકાંત માણવા તેઓ દરિયામાં દૂર એક પથ્થર પર બેઠા હતા. થોડા સમય બાદ દરિયામાં ભરતી શરૂ થઈ હતી. પરંતુ તેમ છતાં સગીર અને સગીરા તેની પરવા કર્યા વિના જ પથ્થર પર બેસી રહ્યા હતા. આથી દરિયાની ભરતીનું પાણી પથ્થર ની આજુબાજુ ફરી વળ્યું હતું. પથ્થર કિનારાથી દૂર હોવાથી બંને દરિયાના પાણીમાં ફસાઈ ગયા હતા.
ફાયર બ્રિગેડના જવાનોએ બન્નેને બહાર કાઢ્યા
જોકે, દરિયા કિનારે ફરવા આવેલા પર્યટકો અને સ્થાનિક લોકોએ આ બંનેને દરિયામાં ફસાયેલા જોતા તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ ઉમરગામ પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંનેને બહાર નીકળવા જણાવ્યું હતું. બંનેની ઉંમર નાની હોવાથી તેઓ બહાર આવવા તૈયાર ન હતા. આથી ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક લોકો દરિયાના પાણીમાં જઈને બંનેને હેમખેમ બહાર લાવ્યા હતા.
આમ ઉમરગામના દરિયાકિનારે સગીર યુગલ પાણીમાં ફસાતા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યાં હતા. જોકે, બંનેની ઉંમર નાની હોવાથી તેઓ ક્ષોભ અનુભવતા હતા. આ ઘટનામાં બંનેની નાની ઉંમરે આ હરકત બંનેના પરિવારજનો માટે ચિંતાનો વિષય છે. આમ, અન્ય લોકોએ પણ પોતાના સંતાનો પર નજર રાખવી જરૂરી છે.