- Gujarati News
- Local
- Gujarat
- Jamnagar
- Fierce Brawl Between Traders And Municipal Staff As Estate Department Confiscates Goods From Outside Shop In Jamnagar, Video Goes Viral
જામનગર2 મિનિટ પહેલા
જામનગર શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈ એસ્ટેટ વિભાગ અને ટ્રાફિક પોલીસ પર સવાલો ઉઠતા એસ્ટેટ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. એવામાં આજે શહેરના ત્રણબત્તી વિસ્તારમાં દુકાનની બહાર વેપારીને પડેલો સામાન જપ્ત કરાતા વેપારી દંપતીએ એસ્ટેટ વિભાગના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી. એસ્ટેટના કર્મચારીઓએ ટ્રેકટરમાં સામાન લઈ જવાનો પ્રયાસ કરતા વેપારી ટ્રેકટર નીચે સૂઈ ગયા હતા. બાદમાં એસ્ટેટ વિભાગે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.

શહેરના ત્રણબત્તી વિસ્તારનો બનાવ
જામનગર શહેરનો ત્રણબત્તી વિસ્તાર સતત ધમધમતો વિસ્તાર છે. આ વિસ્તાર વનવે હોવા છતા દિવસભર ટ્રાફિક રહે છે. એસ્ટેટ વિભાગ દ્વારા આજે આ વિસ્તારમાં ફૂટપાથ પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. આ સમયે એક દુકાનની બહાર પડેલા બોર્ડ જપ્ત કરતા વેપારી અને એસ્ટેટ વિભાગના સ્ટાફ વચ્ચે બોલાચાલી થઈ હતી. વેપારીએ પોતાની દુકાનમાંથી સામાન્ય ઉપાડ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તો એસ્ટેટ વિભાગે દુકાનની બહાર સામાન હોવાથી જપ્ત કર્યો હોવાનું કહ્યું હતું.

સામાન પરત લેવા વેપારી ટ્રેકટર નીચે સૂઈ ગયા
વેપારીએ પોતાના જપ્ત કરેલા સામાનને પરત મેળવવા ટ્રેકટર નીચે સૂઈ ગયા હતા. જ્યારે તેમના પત્ની ટ્રેકટર ઉપર ચડી ગયા હતા અને સામાન પરત લેવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવના કારણે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

એસ્ટેટ વિભાગે પોલીસને બોલાવવાની ફરજ પડી
વેપારી અને એસ્ટેટના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ એસ્ટેટના કર્મચારીઓને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. એસ્ટેટ અધિકારી એન.આર.દિક્ષિતે જણાવ્યું હતું કે, અમારે કોઈ વેપારી સાથે અંગત દુશ્મની હોતી નથી. અમે માત્ર અમારી ફરજ બજાવી રહ્યા હતા. આ મામલે અમે કોઈ ફરિયાદ નોંધાવી નથી. જે ફૂટપાથ પર માલ હતો તે અમે દૂર કર્યો હતો. વેપારી વચ્ચે બોલાચાલી થતા અમારે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.