અમદાવાદ16 મિનિટ પહેલા
- કૉપી લિંક

ફાઈલ તસવીર
- હોટેલ, રેસ્ટોરાં, ક્લબ, પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ સહિત 100 સ્થળે ડાન્સ પાર્ટીનું આયોજન થયું છે
- એક્શન પ્લાન તૈયાર
મિતેશ બ્રહ્મભટ્ટ
ચાલુ વર્ષે શહેરની જુદી જુદી હોટેલ, રેસ્ટોરાં, ક્લબ, પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ સહિત 100 જગ્યાએ 31 ડિસેમ્બરની રાતે ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે ચાલુ વર્ષે પહેલી જ વખત શહેર પોલીસ ડ્રગ્સનો નશો કરનારાઓને પકડવાની(રેપિડ ડાઈગ્નોસ્ટિક ટેસ્ટ)નો ઉપયોગ કરશે. જો કે આ કિટ પીસીબી, ક્રાઈમ બ્રાંચ, એસઓજી જેવી મહત્વની એજન્સીના ખાસ અધિકારીઓને જ આપવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ સહિત રાજ્યભરમાં દારૂ કરતાં પણ ડ્રગ્સનું ચલણ ખૂબ વધી ગયું હોવાથી પોલીસ પણ સતર્ક બની છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનું ચલણ હદ પાર વધી જતા 6 મહિના પહેલા જ રાજ્ય સરકારે ડ્રગ્સનો નશો કરનારને પકડવા માટે ખાસ કિટ બનાવડાવી હતી. આ કિટને રેપિડ ડાઈગ્નોસ્ટિક ટેસ્ટ કિટ કહેવામાં આવે છે. જો કે રથયાત્રાના આગળના દિવસોમાં એસઓજીની ટીમે 10 કિટનો ઉપયોગ કર્યો હતો. જેમાંથી 1 વ્યક્તિએ ડ્રગ્સનો નશો કર્યો હોવાથી તે ઓળખાઈ ગયો હતો.
ત્યારબાદ 31 ડિસેમ્બરે યોજાનારી ડાન્સ પાર્ટીઓના સ્થળે પોલીસ આ કિટનો ઉપયોગ કરશે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે દારૂ કરતાં પણ ડ્રગ્સનું ચલણ વધી ગયું હોવાથી આ વખતે ડાન્સ પાર્ટીઓમાં ડ્રગ્સનો નશો ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જો કોઈ યુવાનો કે યુવતી બહારથી ડ્રગ્સનો નશો કરીને ડાન્સ પાર્ટીના સ્થળે આવશે તો તે પણ આ કિટના આધારે સરળતાથી પકડાઈ જશે.
લાળનો નમૂનો લઈ 5-7 મિનિટમાં જ પકડી પડાશે
દારૂ પીવા વાળાને જે રીતે બ્રીથ એનલાઈઝરની ભૂંગળીમાં ફૂંક મારીને પકડવામાં આવે છે. ડ્રગ્સનો નશો કરવા વાળાની લાળનો નમૂનો લેવામાં આવશે અને પાંચથી સાત મિનિટમાં ડ્રગ્સનો નશો કર્યો છે કે તેની ખબર પડી જશે. આ કિટ દેખાવમાં બ્રીથ એનલાઈઝર જેવી જ છે.
ડ્રગ્સના રવાડે ચઢેલાને પકડવા વિશેષ ડ્રાઈવ
દર વર્ષે 25 થી 31 ડિસેમ્બર સુધી પોલીસ દારૂ પીને ફરતા લોકોને પકડવા ખાસ ડ્રાઈવ યોજે છે. ચાલુ વર્ષે દારૂડિયાઓને પકડવાની સાથે ડ્રગ્સનો નશો કરનારાને પકડવા માટે ખાસ ડ્રાઈવ શરૂ કરાઈ છે. સિંધુ ભવન રોડ, એસજી હાઈવે, એસપી રિંગ રોડ, રિવરફ્રન્ટ સહિતના સ્થળે પોલીસ વોચ રાખશે.
સિક્યુરિટીની વ્યવસ્થા આયોજકો પર નખાઈ
દર વર્ષે ડાન્સ પાર્ટીના સ્થળે પોલીસ બ્રીથ એનલાઈઝર અને હેન્ડ મેટલ ડિડેકટરથી સજ્જ રહે છે. પરંતુ ચાલુ વર્ષે આ બંનેની વ્યવસ્થા ડાન્સ પાર્ટીના આયોજકોને માથે નખાઈ છે. આયોજકોએ દરેક જગ્યાએ મહિલા – પુરુષ સિકયોરિટી ગાર્ડ બ્રીથ એનલાઈઝર અને હેન્ડ મેટલ ડિટેકટરથી સજ્જ રાખવા પડશે.
CCTVનું રેકોર્ડિંગ 1 માસ સુધી રાખવું ફરજિયાત છે
શહેરમાં જે પણ જગ્યાએ ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ છે, ત્યાં પોલીસ સરપ્રાઈઝ ચેકિંગ કરશે. જ્યારે શી ટીમ પણ દરેક જગ્યાએ ખાનગી કપડામાં તહેનાત રહેશે. તેમ છતાં પણ દરેક આયોજકોને ડાન્સ પાર્ટીના સ્થળ, પાર્કિંગ એિરયા, એન્ટ્રી-એક્ઝિટ ગેટ કવર થાય તે રીતે સીસીટીવી લગાવવા સૂચના આપવામાં આવી છે. તેમજ આ સીસીટીવીનું રેકોર્ડીંગ 1 મહિના સુધી ફરજિયાત સાચવી રાખવા પોલીસે સૂચના આપી છે.