Tuesday, December 20, 2022

ખાનગી સ્કૂલોને FRC લાખોની ફી મંજૂરી, સામે ગ્રાન્ટેડ સ્કૂલોને ખર્ચ સામે સરકારની ચણા-મમરા જેવી ગ્રાન્ટ | FRC allowed lakhs fee to Private schools and grant-in-aid schools grant struggle beside of expenses

13 મિનિટ પહેલા

રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલો સરકારની ગ્રાન્ટ નીતિના કારણે બંધ થઇ રહી છે. હજુ સુધી વર્ષો જૂની જે ગ્રાન્ટ નક્કી થઇ હતી. તે ગ્રાન્ટ મુજબ જ ગ્રાન્ટેડ સ્કૂલોને ગ્રાન્ટ આપવામાં આવે છે. જેથી ગ્રાન્ટેડ સ્કૂલોનું હવે ટકવું મુશ્કેલ થઇ રહ્યું છે. નવી બનેલી સરકારના નવા શિક્ષણમંત્રી પાસે સંચાલકોએ ગ્રાન્ટ નીતિમાં ફેરફાર કરવા માગ કરી છે.

ખાનગી સ્કૂલોનો વ્યાપ વધતા ગ્રાન્ટેડ સ્કૂલ બંધ થવા લાગી
શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, ગ્રાન્ટ નીતિ સાથે ખાનગી સ્કૂલોનો વ્યાપ વધ્યો તે પણ ગ્રાન્ટેડ સ્કૂલ બંધ થવાનું એક કારણ છે. ગ્રાન્ટેડ સ્કૂલ બંધ થાય તેની સામે ખાનગી સ્કૂલો બે ગણા પ્રમાણમાં વધી રહી છે. શિક્ષક અને આચાર્યની ભરતી પણ થતી નથી, જેથી પ્રવાસી શિક્ષકો દ્વારા સ્કૂલો ચાલે છે. જે ફાટેલા કપડાં પર થિંગડાં મારવા જેવું છે, જેનાથી સ્કૂલો બંધ થવા તરફ જઈ રહી છે.

બોર્ડનું પરિણામ ધ્યાને 20 ટકા નિભાવ ગ્રાન્ટ
રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ મંત્રી કૂબેર ડિંડોરને પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં ચાલતી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ સ્કૂલો પ્રવર્તમાન ગ્રાન્ટનીતિના કારણે બંધ થઇ રહી છે. સંચાલકો પોતાની સ્કૂલો ચલાવવામાં મૂંઝવણ અને ગૂંગળામણ અનુભવી રહ્યા છે. 20 ટકા નિભાવ ગ્રાન્ટ આપવામાં આવે છે, નિભાવ ગ્રાન્ટ આપતા બોર્ડનું પરિણામ ધ્યાને રાખવામાં આવે છે. બોર્ડના પરિણામ મુજબ ગ્રાન્ટ કાપવામાં પણ આવે છે. છેલ્લા 10 વર્ષમાં 50 ટકા જેટલું સરેરાશ પરિણામ આવ્યું છે.

રાજ્યમાં 2023થી નવી શિક્ષણ નીતિનો અમલ કરાશે
શિક્ષણ વિભાગના સંદર્ભે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને સહાયનું ધોરણ સુધારવા જોગવાઈ કરવામાં આવી હતી. જે મુજબ વર્ગદીઠ માસિક ગ્રાન્ટ 1800માંથી 2400 કરવામાં આવી હતી. બોર્ડની ટકાવારીને બદલે નાપાસ વિદ્યાર્થી દીઠ ટોકન રકમ નિયત કરવામાં આવે તો ગ્રાન્ટ કાપથી સ્કૂલોને નુકસાન ના થાય. 2023થી ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો અમલ કરવામાં આવશે, ત્યારે મૃતપ્રાય થઇ રહેલી સંસ્થાઓને બચાવવા વર્તમાન ગ્રાન્ટની નીતિમાં ફેરફાર કરવો જરૂરી છે. અગાઉ જૂની સરકારમાં પણ અનેક રજૂઆત કરવામાં આવી હતી, તે મુજબ હવે નવી સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે.

ગ્રાન્ટેડ સ્કૂલોને જૂની પદ્ધતિથી ગ્રાન્ટ
રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલો કેટલાક ટ્રસ્ટ પર ચાલે છે. સરકાર સ્કૂલોને ગ્રાન્ટ આપે છે, પરંતુ સ્કૂલોના ખર્ચ જોવા જઈએ તો સરકારની ગ્રાન્ટ ચણા-મમરા સમાન છે. એક તરફ ખાનગી સ્કૂલોને પ્રોત્સાહન મળતું હોય તેમ FRC લાખો રૂપિયાની ફી પણ મંજૂર કરે છે અને બીજી તરફ ગ્રાન્ટેડ સ્કૂલો જૂની પદ્ધતિથી ગ્રાન્ટ મેળવીને ઓક્સિજન પર આવી ગઈ છે. એમાં પણ કેટલીક સ્કૂલો ઓક્સિજન પરથી વેન્ટિલેટર સુધી પહોંચી હોય એવી સ્થિતિ થઈ છે .

4300 માધ્યમિક મળી રાજ્યમાં 7300 ગ્રાન્ટેડ સ્કૂલ
હાલની 7300 ગ્રાન્ટેડ સ્કૂલમાંથી 4300 ગ્રાન્ટેડ સ્કૂલ માધ્યમિકની જ છે, જેમાં ધોરણ 9 અને 10નો જ અભ્યાસ કરાવવામાં આવે છે, જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર મધ્યમિકની 3000 સ્કૂલ છે. આ સ્કૂલોમાંથી હજુ અનેક સ્કૂલ બંધ થવા તરફ જઈ રહી છે. ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થવાનું મુખ્ય કારણ અત્યારે સરકારની ગ્રાન્ટ નીતિ જ છે.

ગ્રાન્ટેડ સ્કૂલમાં એક ધોરણમાં 2 વર્ગ મળે
મોટા ભાગની ગ્રાન્ટેડ સ્કૂલમાં કોઈપણ એક ધોરણના 2 વર્ગ હોય છે, જેથી એક સ્કૂલમાં ગ્રાન્ટેડના 8 વર્ગ હોય છે. આમ સ્કૂલને એક વર્ગદીઠ 2500 રૂપિયા એટલે કે 8 વર્ગ માટે 20,000 રૂપિયા ગ્રાન્ટ મળે છે, જેની સામે સ્કૂલે 60,000થી વધુ ખર્ચ દર મહિને ભોગવવાનો આવે છે. ગ્રાન્ટ કરતાં 40,000 રૂપિયાથી વધુ ખર્ચ ઉઠાવવો પડે છે. એક વર્ષની વાત કરવામાં આવે તો એક વર્ષમાં 5 લાખ રૂપિયા સ્કૂલે ભોગવવા પડી રહ્યા છે. દરેક સ્કૂલ 5 લાખ ભોગવી શકે એમ ન હોવાથી ગ્રાન્ટેડ સ્કૂલ બંધ કરવા મોટી સંખ્યામાં અરજી આવે છે અને દર વર્ષે અનેક ગ્રાન્ટેડ સ્કૂલ બંધ થાય છે.

સ્કૂલનું પરિણામ 30 ટકાથી ઓછું હોય તો શૂન્ય ગ્રાન્ટ
ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગ્રાન્ટ પણ સ્કૂલોનાં પરિણામ આધારે આપવામાં આવે છે, જે સ્કૂલનું પરિણામ 30 ટકા કરતાં ઓછું આવે તેને 0 ગ્રાન્ટ આપવામાં આવે છે. 40 ટકાથી ઓછું પરિણામ આવે તો 50 ટકા ગ્રાન્ટ આપવામાં આવે છે. ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારની સ્કૂલોમાં પરિણામ ઓછું આવે છે, જેને કારણે કેટલીક સ્કૂલોને તો ગ્રાન્ટ પણ મળતી નથી, જેને કારણે કેટલીક સંચાલકો ગ્રાન્ટેડ સ્કૂલમાંથી સ્કૂલને ખાનગી સ્કૂલમાં ફેરવી નાખે છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: