નડિયાદ33 મિનિટ પહેલા
- કૉપી લિંક
- આખડોલ કેનાલમાંથી મળેલી બાળકી- નવા બિલોદરા પાસે હત્યા કરાયેલી મહિલાની બાળકીને સંસ્થામાં આશ્રય
ખેડા જિલ્લામાં છેલ્લા 26 દિવસમાં બાળકી નોંધારી બનવાની ઘટના ઘટી હતી. નડિયાદના આખડોલ કેનાલમાં પાણી વગરની ખાલી કેનાલમાં થયેલ માટીના ટેકરા ઉપર તા.28 નવેમ્બરના રોજ એક માસની બાળકીને ઓળખ છુપાવવા પ્રેમીએ ત્યજી દીધી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
જ્યારે બીજી તરફ તા.6 ડિસેમ્બરના રોજ નડિયાદના નવા બિલોદરા પાસે મહિલાની હત્યા કરાયેલી લાશ બાજુમાંથી ચાર થી પાંચ વર્ષની દીકરી મળી આવી હતી. નોધારા બનેલા બંને દીકરીઓને હાલ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા શહેરના માતૃછાયા સંસ્થામાં રાખી લાલન પાલન કરવામાં આવી રહ્યું છે. આમ ખેડા જિલ્લામાં 26 દિવસમાં બે બાળકો નોંધારા બન્યા છે.
વિધવાને જન્મેલી બાળાને કેનાલમાં મૂકીને ભાગી જનાર પ્રેમી ઝડપાયો , દીકરીના જન્મ બાદ કકળાટ થતા ત્યજી દીધી, બંનેનું એક જ રટણ ઓળખ છુપાવવા માટે કારસ્તાન કર્યુ
નડિયાદ તાલુકાના આખડોલ ગામની સીમમાં તા.28 નવેમ્બરના રોજ પાણી વગરની કેનાલમાંથી બાળકી મળી આવી હતી.બનાવ સ્થળે પહોંચેલી પોલીસ ટીમે ત્યજી દીધેલી બાળકીને નડિયાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી ગુનો નોધી જિલ્લાની આશાવર્કરો અને મેટરનીટી હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી.
તપાસ કરતા બાતમી આધારે તા.14 ડિસેમ્બરના રોજ બાળકીને જન્મ આપનાર માતાની અટકાયત કરી પૂછપરછ કરતા પોતે છેલ્લા અઢી વર્ષથી વિધવા છે અને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. જેમાં મોટી દિકરીના વિવાહ કરી દીધા છે.જ્યારે એક દિકરો અને એક દિકરીના બાકી છે.
ગામમાં રહેતા પંકજ ઉર્ફે લાલ જયંતીભાઈ પરમાર રહે,ધોરીયા કુવા વિસ્તાર વડતાલ ઉં.28 સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે ગર્ભ રહેતા તા.23 નવેમ્બરે ગોત્રી હોસ્પિટલમાં ખાતે બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીના જન્મ બાદ મહિલાની નણંદ બાળકી અંગે ઘરમાં કકળાટ કરતાં મહિલાએ બાળકી પ્રેમી પંકજ ઉર્ફે લાલાને સોંપી હતી.
પોલીસે પ્રેમીની શોધખોળ કરતા તા.23ના રોજ પંકજ ઉર્ફે લાલાને વડતાલના ધોરીયાકૂવા ગામમાંથી ઝડપી પાડી પૂછપરછ કરતા ઓળખ છુપાવવા માટે બાળકીને ત્યજી દીધી હોવાનું જણાવ્યુ હતુ.પોલીસે પ્રેમીના ડીએનએ ટેસ્ટની કાર્યવાહી કરી જામીન પર મૂક્ત કર્યો હતો.
18 દિવસ બાદ મૃતકના હત્યારા સુધી પહોચવા પોલીસ નિષ્ફળ, એકસપ્રેસ વે નજીકથી મહિલાની લાશ મળી હતી, બિહાર અને યુપીના પોલીસ સ્ટેશનોમાં ફેકસ કરી જાણ કરાઈ
નડિયાદના નવા બિલોદરા એકસપ્રેસ વે નજીક તા.6 ડિસેમ્બરના સવારે 10:30 વાગ્યાની અરસામાં એક મહિલા મૃત હાલતમાં અને તેની બાજુમાં 4 થી 5 વર્ષની દીકરી મળી આવી હતી.મૃતક મહિલાની લાશને પીએમ માટે ખસેડી દિકરીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.મરણજનાર મહિલાના હાથના અંગુઠા અને કાડા વચ્ચે ઓમનુ અને હાથ પર દિલ ત્રોફાવ્યું હોવાનું બહાર આવ્યું હતું અને મહિલાને શરીરે જૂના ડામ છે.ડોકટરે મૃતક મહિલાનુ પીએમ કરતા મહિલા સાથે રેપ ન થયો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ ટીમે બનાવ સ્થળે ડોંગ સ્કોર્ડ અને એફએસએલની ટીમ બોલાવી તપાસ કરી હતી.જ્યારે દિકરીને વેફર,બિસ્કીટ અને પાણીની બોટલ આપી પૂછપરછ કરતા દિકરી હિન્દી ભાષામાં વાત કરી તેનુ નામ ખુશી, માતાનુ નામ પૂજા અને પિતાનુ નામ ઉદય જણાવ્યુ હતુ.
બીજી તરફ પોલીસ ટીમે ગુનો નોધી શહેરમાં લાગેલ નેત્રમ કમાન્ડ,રેલવે સ્ટેશન,બસસ્ટેન્ડ, અમદાવાદ અને વડોદરા તરફના એક્સપ્રેસ વે પરના કેમેરા ખંગાળી ભેદ ઉકેલવાનો પ્રયત્ન હાથ ધર્યો છે.તેમજ બિહાર અને ઉત્તરપ્રદેશ રાજયના પોલીસ સ્ટેશનમાં ફેક્સ કરી મહિલાની જાણ કરાઇ છે.મળી આવેલ દિકરીને સારવાર બાદ નડિયાદ શહેરની માતૃછાયા સંસ્થામાં રાખવામાં આવી છે.