વડોદરા13 મિનિટ પહેલા
વડોદરા ખાતે નેશનલ પિટ્ટુ ચેમ્પિયનશીપનો પ્રારંભ.
વડોદરા ખાતે ગુજરાતમાં સૌ પ્રથમવાર પિટ્ટુ (સત્તોડિયું)ની નેશનલ ચેમ્પિયનશીપનો આજથી સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પ્રારંભ થયો છે. ત્રણ દિવસ સુધી ચાલનારી આ ચેમ્પિયનશીપ અંગે ગુજરાત પિટ્ટુ એસોશિયેશનના પ્રમુખે જણાવ્યું છે કે આગામી બે-ત્રણ વર્ષમાં IPLની જેમ PPL ચેમ્પિયનશીપ યોજાશે.
મોદીએ મન કી બાતમાં ઉલ્લેખ કર્યો હતો
ગુજરાત પિટ્ટુ એસોશિયેશનના પ્રમુખ હર્ષિત (ગોપી) તલાટીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ 2018માં મન કી બાતના કાર્યક્રમમાં પિટ્ટુ (સત્તોડિયું) ભારતની સૌથી જૂની રમત છે તેનો ઉલ્લેખ કર્યો હતો. ભાગવત પુરાણમાં ઉલ્લેખ થયો છે એ મુજબ પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ તેમના સખાઓ સાથે આ રમત રમતાં હતા. આ રમતને હવે પુન: જીવિત કરવાનું વિચાર્યું છે.
ગુજરાતમાં સત્તોડિયાની પ્રથમવાર નેશનલ ટુર્નામેન્ટ
અત્યાર સુધીમાં પિટ્ટુની બે નેશનલ ટુર્નામેન્ટ યોજાઇ છે. જેમાં એક ભોપાલ અને બીજી ઇન્દોરમાં યોજાઇ હતી. જ્યારે ત્રીજી ટુર્નામેન્ટ આજથી ગુજરાતમાં પ્રથમ વખત વડોદરના સમા સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે શરૂ થઇ છે. જેમાં દેશભરમાંથી ગર્લ્સ અને બૉયસની કુલ 23 ટીમો ભાગ લઇ રહી છે. અત્યારે દરેક ટીમે લીગ મેચ અને પછી ક્વોટર ફાઇનલ, સેમીફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે. 28 ડિસેમ્બરે સાંજે આ ચેમ્પિયનશીપનો સમાપન સમારંભ યોજાશે
IPLની જેમ PPL યોજાશે
તેમણે કહ્યું કે જ્યારે ક્રિકેટમાં IPLની શરૂઆત થઇ ત્યારે ઘણા લોકોમાં તેની સફળતાને લઇને શંકાઓ હતી. પરંતુ અત્યાર તે સમગ્ર વિશ્વમાં ફુટબોલ બાદ જો સૌથી વધુ લોકપ્રિય હોત તો એ IPL છે. એ જ રીતે અમે પિટ્ટુની ગેમને PPL (પિટ્ટુ પ્રિમિયલ લીગ) નામથી આગામી એક-બે વર્ષમાં દેશની વિવિધ ટીમોને જોતરીને એક આર્થિક પ્લેટફોર્મ પુરુ પાડીશું. આ રમત દેશના તમામ જિલ્લાઓ, નગરો અને યુનિવર્સિટીઓમાં તેના માટે પ્રયાસો કરવામાં આવશે. ભાજપ શાસિત રાજ્યોમાં યુનિવર્સિટીઓમાં આ ગેમને સામેલ કરવાનું આયોજન પણ થશે. આમાં પિટ્ટુ એસોશિયનના રાષ્ટ્રીય પ્રમુખ અને ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીય મહત્વનો ભાગ ભજવશે.
સત્તોડિયું પ્રાચીન રમત, જુદાજુદા રાજ્યોમાં અલગ નામથી ઓળખ
પિટ્ટી એટલે કે સત્તોડિયું ભારતની પ્રાચીન રમતોમાં એક છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને છત્તીસગઢમાં તેને પિટ્ટુ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં સત્તોડિયું તરીકે ઓળખાય છે. આંધ્ર પ્રદેશમાં તેને યદુ પેનક્યુલાટા, કર્ણાટકમાં લગોરી, મહારાષ્ટ્રમાં લિગોર્ચા-લગોરી અને મધ્ય પ્રદેશમાં લિટોલિયા તરીકે ઓળખવામાં આવે છે. મેદાનમાં એક પર એક એમ સાત પથ્થર મુકી રમાતી આ રમતને સત્તોડિયું કહેવાય છે.