Monday, December 26, 2022

Jayantibhai Patel of Dharampur built the library in memory of his late wife.akv – News18 Gujarati

Akshay kadam, valsad:  શાહજહાંએ તેની પત્નીની યાદમાં તાજમહેલ બનાવ્યો હતો ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુરના નગારીયાના રહીશે સ્વર્ગ વાસી પત્નીની યાદ અને સન્માનમાં પોતાના ઘરને લાયબ્રેરી બનાવી છે અને નામ આપ્યું છે “શીતળ છાંયડો”. અહીં અનેક વિદ્યાર્થીઓ ધરમપુરના ઉંડાણના ગામો માંથી આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે.અઢી વર્ષથી શરૂ થયેલી લાયબ્રેરી હાલ તો રણમાં મીઠી વિરીડી સમાન બની છે.અહીં લાયબ્રેરીમાં વાંચન કરીને પાસ થયેલા છ વિદ્યાર્થીએ સરકારી નોકરી મેળવી છે.

ચા,નાસ્તા અને રહેવાનું વ્યવસ્થા

ધરમપુરના નગારિયા વિસ્તારના અવધૂત નગરમાં રહેતા જયંતીભાઈ ગમનભાઈ પટેલની ધર્મપત્ની હંસાબેનનું કોરોનાકાળ દરમિયાન નિધન થયું હતું.તેમની યાદમાં તેમને શિક્ષણને વેગ મળે અને વધુમાં વધુ ગ્રામીણ કક્ષાના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી સરકારી ક્ષેત્રે નોકરી મેળવે એવા હેતુથી પોતાના ઘરના ટેરેસ ઉપર એક લાયબ્રેરીનું નિર્માણ કરાવ્યું છે.

જેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે અને તમામ સુવિધાઓ નિઃશુલ્ક છે. અહીં ઉંડાણના ગામના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા આવે છે. આવા વિદ્યાર્થીઓએ રાત્રે લાયબ્રેરીમાં રોકાણ કરવું હોય તો તેઓ આરામથી કરી શકે છે. અહીં ચા – નાસ્તાની સાથે સાથે જમવાની પણ સુવિધા જયંતીભાઈ દ્વારા આપવમાં આવે છે.વિદ્યાર્થીઓ પોતાના સમય બચાવી વાંચન કરી શકે એવી સુવિધાઓ પણ છે.

તમારા શહેરમાંથી (વલસાડ)

21થી વધુ સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું સાહિત્ય

અહીં 21 થી વધુ સ્પર્ધાત્મક પરીક્ષા માટે સાહિત્ય ઉપલબ્ધ છે. આ તમામ સાહિત્ય સહિતની સુવિધા માટે જયંતીભાઈએ ખર્ચ કર્યો છે અને પોતાના નિવાસ્થાને ગુડબાય ધામ તરીકેનું નામ આપ્યું છે. આમ શિક્ષણની જ્યોત વધુમાં વધુ પ્રચલિત થાય તે માટે તેમણે એક અનોખુ ઉદાહરણ સમાજમાં પૂરું પાડ્યું છે.

અહીં વાંચન કરવા આવતા વિવિધ ગામના 6 જેટલા વિદ્યાર્થી સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી છે અને સરકારી નોકરી મેળવી છે.આ તમામ વિદ્યાર્થીઓનો હાલમાં જ સન્માન સમારંભ પણ યોજાયો હતો. નગરીયા ખાતે ગુડબાય ધામમાં સ્વ હંસાબેનને યાદમાં જયંતીભાઈએ શરૂ કરેલા આ શિક્ષણ યજ્ઞને આસપાસના શિક્ષણ તજજ્ઞ બિરદાવી રહ્યા છે.

સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી હાલ કોણ ક્યાં નોકરી કરે છે ?

(1)રોનક દિનેશભાઈ પટેલ (રહે. મરેલા ગામ) ગુજરાત પોલીસમાં. (2)જીગ્નેશ પટેલ (રહે. ઓઝરપાડા) દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં સિનિયર ક્લાર્ક. (3) વિજય જયરામ જાદવ (રહે. જામલીયા ગામ) જુનિ. આસિસ્ટન્ટ વીજકંપની. (4) વિમલ પટેલ (રહે.ખારવેલ ગામ) જુનિયર આસિસ્ટન્ટ દક્ષિણ ગુજરાત વીજકંપની.

(5) વિમલ વસંતભાઈ ચૌહાણ (રહે. જરીયા ગામ) ગુજરાત પોલીસમાં એલઆરડી.(6) સ્નેહલ સુભાષભાઈ પટેલ (રહે.નાનીવહીયાળ ગામ) ગુજરાત પોલીસની લોકરક્ષક દળની પરીક્ષા પાસ કરી છે અને સાથે જ બિન સચિવાલયની પરીક્ષા પણ પાસ કરી છે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Husband and Wife, Local 18, Love story, Valsad

Related Posts: