કલોલ: ડીંગુચાનાં પરિવારનાં ચાર લોકોનાં મોતનું દર્દ હજી ગુજરાતીઓનાં મનમાંથી જઇ નથી રહ્યું ત્યારે વધુ એક આંચકારૂપ કિસ્સો સામે આવ્યો છે. અમેરિકા જવાની લ્હાયમાં વધુ એક પરિવાર પીંખાયો છે. કલોલનો 32 વર્ષનો બ્રિજકુમાર યાદવ, તેમની પત્ની અને ત્રણ વર્ષનો દીકરો મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવા જઇ રહ્યો હતો. ગુજરાતીઓનું એક ગ્રુપ કેનેડામાં ભારે હિમવર્ષાને કારણે મેક્સિકોથી અમેરિકામાં પ્રવેશી રહ્યા હતા. ત્યારે આ પરિવાર 30 ફૂટ ઊંચી ટ્રમ્પ વોલને ઓળંગીને અમેરિકામાં જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે દરમિયાન આ પરિવાર નીચે પટકાયું હતું. જેના કારણે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે પત્ની અને ત્રણ વર્ષના પુત્રની હાલત ગંભીર છે.
બ્રિજકુમાર યાદવ બોરીસણા ગામનાં વતની
મૃતકની ઓળખ બોરીસણા ગામમાં રહેતા બ્રિજકુમાર યાદવ તરીકે થઈ છે. જે ડીંગુચા ગામથી માત્ર 14 કિમી દૂર છે. યુએસ અને મેક્સિકન સરકારી એજન્સીઓએ મૃતકની પત્ની અને બાળકનું નામ જાહેર કર્યું નથી, એમ પોલીસે જણાવ્યું હતું.
કલોલનો એજન્ટ બન્યો ફરીથી મોતનો સોદાગર
ત્યાંના સ્થાનિક મીડિયા પ્રમાણે, પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, “યાદવ, તેની પત્ની અને બાળક પખવાડિયા પહેલા અમેરિકાની તેમની ગેરકાયદેસર પ્રવાસ પર નીકળ્યા હતા. તેઓએ કલોલમાં એક એજન્ટનો સંપર્ક કર્યો હતો, જેણે તેમને યુએસમાં સ્થાયી થવામાં મદદ કરવાનું વચન આપ્યું હતું. બ્રિજકુમાર યાદવ કલોલમાં એક જીઆઈડીસીની ખાનગી પેઢીમાં કામ કરે છે. યાદવ અને તેનો પરિવાર 40 લોકોના ઉત્તર ગુજરાતનાં એક ગ્રુપ સાથે જતો હતો.” નોંધનીય છે કે, આ તમામ લોકોને અમેરિકા જવાના સપના સાથે નીકળ્યા હતા.
ટ્રમ્પ વોલ પરથી પટકાયા
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ‘ટ્રમ્પ વોલ’ની 30 ફૂટ ઊંચી દીવાલ પર ફેન્સિંગ પણ કરેલું છે. આ પરિવાર તેની પર ચઢીને તેને પાર કરવાના પ્રયત્નમાં હતા. પરંતુ તે દરમિયાન જ યાદવ અને તેમનું બાળક તિજુઆના બાજુ પર પડ્યા હતા જ્યારે તેમની પત્ની સાન ડિએગો બાજુ પર પડ્યા હતા.
પત્ની અમેરિકામાં અને બાળક મેક્સિકોમાં
અધિકારીએ આ અંગે વધુમાં જણાવ્યુ કે, “આ લોકો પડ્યાનો અવાજ સાંભળીને, મેક્સિકો બાજુના સુરક્ષા કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા અને યાદવનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. પેરામેડિક્સની એક ટીમે તેને મૃત જાહેર કર્યો અને તેના પુત્રને મેક્સિકોની તિજુઆનાની હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યો હતો. તેમની પત્નીને હાથ અને હિપબોન પર ફ્રેક્ચર થયુ છે. હાલ તેમની સારવાર અમેરિકાનાં સાન ડિએગોની હોસ્પિટલમાં ચાલી રહી છે.”