ભુજ6 મિનિટ પહેલા
- કૉપી લિંક
- FSL અને ખાણ ખનીજ દ્વારા તપાસ બાદ જવાબદારો સામે પગલા લેવાશે
- મોટા પૈયાની દુર્ઘટનાના મૃતકો ત્રણેય મધ્યપ્રદેશના રહેવાસી
ખાવડા નજીક પૈયા ગામે શુક્રવારે સાંજે પથ્થરની ખાણમાં ભેખડ ધસી પડવાની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં હિટાચી મશીન સહીત ત્રણ લોકો દટાઈ ગયા હતા. મોડી રાત સુધી એક વ્યક્તિની લાશ મળી હતી. જયારે પથ્થરોમાં દટાયેલ એક કિશોર અને યુવાનની લાશ બીજા દિવસે બહાર નીકળી હતી. ત્રણ લોકોના જીવ લેનારી આ ઘટનામાં હવે એફએસએલની પણ મદદ લેવામાં આવશે.
શુક્રવારે સાંજે ખાવડા નજીક પૈયા ગામની સીમમાં પુષ્પાબેન આર.ભાટીના નામની પથ્થરની ખાણમાં ઇન્ડિયન ઇન્સરા કંપની દ્વારા હિટાચી મશીનોથી પથ્થર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન અચાનક મહાકાય ભેખડ ધસી પડતા બે હિટાચી સહીત ત્રણ લોકો પથ્થરોમાં દટાઈ ગયા હતા. બનાવની જાણ થતા ખાવડા પોલીસ અને એનડીઆરેફની ટીમ સહીત સ્થાનિકો ઘટના સ્થળે દોડી ગયા હતા.
મોડી રાત સુધી બચાવ કામગીરી બાદ એક હિટાચી મશીન સહીત 40 વર્ષીય અશોકકુમાર. બી. કૈલાશ પટેલ (રહે. દેવગાંવ. સીધી. મધ્ય પ્રદેશ)ના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જયારે રાત્રી દરમ્યાન લગાતાર બચાવ કામગીરી ચાલુ રાખી ભારે મહેનત બાદ બીજા દિવસે બપોરે 16 વર્ષીય કિશોર જયસિંગ (રહે. રેવા. હનુમ ાના. મધ્યપ્રદેશ) અને 28 વર્ષીય યુવાન જ્ઞાનેન્દ્રપ્રસાદ કોલ (રહે. બલ્લ્હા. સીધી . મધ્યપ્રદેશ) ના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. પૈયાની સીમમાં બનેલી દુર્ઘટના અંગે ખાવડા પીએસઆઈ ડી.બી.વાઘેલાએ જણાવ્યું હતું કે હાલ આ ઘટનામાં અકસ્માત મોતની નોંધ કરાઇ છે. સમગ્ર પ્રકરણમાં એફ.એસ.એલ અને ખાણ ખનીજ દ્વારા તપાસ બાદ જવાબદારો વિરુધ્ધ પગલા લેવામાં આવશે.
નોંધનીય છે કે, કચ્છમાં એક બાજુ બેફામ ખનીજ ચોરી થઇ રહી છે , તો બીજી બાજુ જ્યાં કાયદેસરની લીઝ છે ત્યાં પણ સુરક્ષાના મુદ્દે બાંધછોડ જોવા મળતી હોય છે. ખાણખનીજ વિભાગે ખનીજ ચોરીની સાથે સુરક્ષાની પણ ધ્યાન રાખવાની જરૂર ઉભી થઇ છે.