વડોદરા9 મિનિટ પહેલા
- કૉપી લિંક

વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની.
- સમગ્ર ગુજરાતમાં વડોદરા જ એવું શહેર હતું જ્યાં સ્વચ્છતાનું કામ બે જુદા વિભાગમાં વહેંચાયેલું હતું
વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ આજે મહત્વનો નિર્ણય કરતા આદેશ કર્યો છે કે શહેરમાં વોર્ડના સેનેટરી વિભાગને સોલીડ વેસ્ટ વિભાગમાં મર્જ કરી દેવામાં આવ્યો છે. જેથી હવે સમગ્ર શહેરની સ્વચ્છતાની જવાબદારી સોલીડ વેસ્ટ વિભાગની રહેશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં સોલીડ વેસ્ટ વિભાગ જ સ્વચ્છતાની તમામ જવાબદારી સંભાળે છે. માત્ર વડોદરા જ એવું શહેર હતું જ્યાં રહેણાંક અને જાહેર માર્ગો માટે જુદા-જુદા વિભાગ દ્વારા સ્વચ્છતાની જવાબદારી સંભાળવામાં આવતી હતી.
સોલીડ વેસ્ટ વિભાગ માત્ર રહેણાંક-બિનરહેણાંકમાં કચરો એકત્ર કરતું
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં રહેણાંક અને બિનરહેણાંક જગ્યાઓમાં ઘન કચરાને એકત્ર, પરિવહન, સંગ્રહ, વર્ગીકરણ, પ્રક્રિયા અને નિકાલ માટેની આંતર-માળખાકીય સવલતો ઉભી કરવા સ્વચ્છ ભારત મિશન-સ્વચ્છતા સર્વેક્ષણને લગતી તમામ જવાબદારી અને સોલીડ વેસ્ટ (મેનેજમેન્ટ એન્ડ હેન્ડલીંગ) રૂલ્સ 2016ની જોગવાઇના અમલીકરણની કામગીરી કરવામાં આવે છે.
વાર્ડ સેનેટરી વિભાગ માર્ગોની સફાઇ કરતું
જ્યારે વોર્ડના સેનેટરી વિભાગ દ્વારા મુખ્ય માર્ગોની સફાઇ, આંતરિક માર્ગોની સફાઇ, નાના માર્ગોની સફાઇ, સીલ્વર ટ્રોલી, ગ્રીન કન્ટેનરની જગ્યાએ સફાઇ તથા દવાનો છંટકાવ, ઓપન સ્પોટ કલેક્શન, સ્વચ્છ ભારત મિશન-સ્વછતા સર્વેક્ષણને લગતી ક્ષેત્રીય કામગીરી કરવામાં આવે છે. તેમજ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરીનું રોજિંદા ધોરણે સુપરવીઝન કરવામાં આવે છે. આમ વોર્ડના સેનેટરી વિભાગ દ્વારા શહેરમાં ઉત્પન્ન થતાં ઘન કચરાના કલેક્શન માઅને પરીવહનની કામગીરી કરવામાં આવે છે. જ્યારે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વોર્ડ કક્ષાએથી ઘન કચરાના કલેક્શન અને પરીવહન બાદની ઘન કચરાના સંગ્રહ તથા વર્ગીકરણ અને ઘન કચરાની પ્રક્રિયા કરવાની કામગીરી કરવામાં આવે છે.
ગુજરાતની તમામ મહાનગર પાલિકામાં એક વિભાગ
ગુજરાતની અન્ય મહાનગરપાલિકાઓમાં ડોર ટુ ડોર ઘન કચરાનું કલેક્શન પરીવહન, સંગ્રહ અને વર્ગીકરણ કરવાની કામગીરી, તેના નિકાલ અને આંતર માળખાકિયા સુવિધા ઉભી કરવાની કામગીરી તેમજ મુખ્ય, આંતરિક, નાના માર્ગોની સફાઇ, દવાનો છંટકાવ, કેન્ટેનર હેન્ડલીંગ જેવી ઘનકચરાને લગતી બધી જ કામગીરીનું સંચાલન અને નિયંત્રણ એક જ છત્ર હેઠળ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વેસ્ટ (મેનેજમેન્ટ એન્ડ હેન્ડલીંગ) રૂલ્સ-2016ની જોગવાઇઓના અમલીકરણની કામગીરી પણ આ વિભાગ દ્વારા કરવામાં આવે છે. જે પદ્ઘતિ વધુ અસરકારક જણાઇ છે.
હવે સ્વચ્છતાની તમામ જવાબદારી સોલીડ વેસ્ટ વિભાગની
જેથી આ પદ્ઘતિનું વડોદરામાં શહેરમાં પણ અમલીકરણ કરવામાં આવશે. જેથી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને તેની હાલની કામગીરી ઉપરાંત મુખ્ય માર્ગોની, આંતરિક માર્ગોની, નાના રસ્તાઓની સફાઇ, કન્ટેનર હેન્ડલીંગ, દવાનો છંટકાવ, ઓપન સ્પોટ કલેક્શન અને હેન્ડલીંગ, સ્વચ્છ ભારત મિશન-સ્વચ્છતા સર્વેક્ષણને લગતી તમામ ક્ષેત્રીય કામગીરી અને ડોર ટુ ડોર કલેક્શનની તમામ ક્ષેત્રીય કામગીરીનું સંચાલન અને મોનીટરીંગની કામગીરી સોંપવામાં આવી છે. જેથી હવે વોર્ડ કક્ષાના સેનેટરી વિભાગના સિનિયર સેનેટરી ઇન્સપેક્ટરથી લઇને સફાઇ સેવક સુધીના તમામ કર્મચારીઓનું મહેકમ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના તાબા હેઠળ મુકવામાં આવ્યું છે.