- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- Even If The Customer Who Attacked The Electricity Worker Has Paid The Light Bill, The Entire Service Of His Electricity Connection Will Be Disconnected, PGVCL’s Power
રાજકોટએક કલાક પહેલાલેખક: નિહિર પટેલ
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
- રાજકોટ સિટી-2 ડિવિઝનના કાર્યપાલક ઈજનેર એચ.એન. ભોજાણીએ કહ્યું, સૌરાષ્ટ્રભરમાં આવી જ રીતે કડક કાર્યવાહી કરાશે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હવે પીજીવીસીએલની ટીમ ઉપર કે વીજકર્મી ઉપર હુમલો કરનાર વીજગ્રાહકને માઠા પરિણામ ભોગવવા પડશે કારણ કે જે વીજગ્રાહક વીજકર્મી ઉપર હુમલો કરશે તેની સામે પોલીસ ફરિયાદ તો થશે જ પરંતુ તેના વીજ કનેક્શનની આખી સર્વિસ લાઈન તે ગ્રાહકે બિલ ભર્યું હશે તો પણ પીજીવીસીએલ ઉતારી લેશે. રાજકોટ સિટી ડિવિઝન-2ના કાર્યપાલક ઈજનેર એચ.એન. ભોજાણીએ આ અંગે જણાવ્યું હતું કે, આ પ્રકારના કેસમાં પીજીવીસીએલ કડક પગલાં લે છે.
પરંતુ હવે માત્ર રાજકોટમાં નહીં પરંતુ પીજીવીસીએલના કાર્યક્ષેત્રમાં આવતા તમામ વિસ્તારોમાં આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે. બિલ નહીં ભરનાર ગ્રાહક પાસે વીજકર્મી આવે અને તેની ઉપર હુમલો થાય કે પાવર ચેકિંગમાં ગયેલી ટીમ ઉપર હુમલો કરવામાં આવે તો તે ગ્રાહકે હુમલો કર્યા બાદ વીજબિલ ભરપાઈ કરી દીધું હશે તો પણ તેના કનેક્શનની સર્વિસ લાઈન ઉતારી લઇ કડક કાર્યવાહી કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી પાવર ચેકિંગમાં ગયેલી પીજીવીસીએલની ટીમ ઉપર અવારનવાર હુમલાઓ થતા હોય છે જેમાં અનેક વીજકર્મીઓ ઘાયલ થતા હોય છે.
હુમલો કરનાર ગ્રાહક સામે પોલીસ ફરિયાદ તો કરવામાં આવે જ છે પરંતુ હવે પોતાના કર્મચારીઓ ઉપર હુમલો કરનાર સામે હવે પીજીવીસીએલ આકરું વલણ દાખવશે અને તે ગ્રાહકના કનેક્શનની આખી સર્વિસ લાઈન જ ઉતારી લેવાશે. પીજીવીસીએલમાં આ પ્રકારની કાર્યવાહી મોટેભાગે ક્યારેય કરવામાં આવી નથી.
ગ્રાહક વીજકર્મી ઉપર હુમલો કરે અને બાદમાં બિલ પણ ભરી દે. પરંતુ આ પ્રકારનું કૃત્ય અન્ય લોકો કરતા વિચારે અને ન કરે તે માટે હુમલો કરનાર ગ્રાહકની આખી સર્વિસ લાઈન જ ઉતારી લેવાનો કડક નિર્ણય કર્યો હોવાનું કાર્યપાલક ઈજનેર એચ.એન. ભોજાણીએ જણાવ્યું હતું.સૌરાષ્ટ્રમાં બીજે કયાંય પણ આ પ્રકારની ઘટના બનશે તો હુમલો કરનાર ગ્રાહકની સર્વિસલાઈન ઉતારી લેવામાં આવશે.
જાગનાથ પ્લોટમાં વીજકર્મચારીને લાકડીથી મારનાર ગ્રાહકની સર્વિસ લાઈન ઉતારી લીધી
પીજીવીસીએલના મહિલા કોલેજ સબ ડિવિઝનના લાઈનમેન જ્યારે જાગનાથ પ્લોટ-4માં શિવાલય એપાર્ટમેન્ટમાં રહેતા ગ્રાહકે વીજબિલ ભર્યું નહીં હોવાથી કનેક્શન કાપવા માટે ગયા હતા. તે દરમિયાન વીજગ્રાહકે કનેક્શન કાપવા આવેલા વીજકર્મીને લાકડીથી ફટકાર્યો હોવાની પોલીસ ફરિયાદ પણ કરી છે. માર મારવાની ઘટના બાદ તે વીજગ્રાહકે તેમનું બાકી રહેલું બિલ પણ ઓનલાઈન માધ્યમથી પીજીવીસીએલને ભરી દીધું હતું પરંતુ 7 ડિસેમ્બરને બુધવારે પીજીવીસીએલની ટીમે જાગનાથ પ્લોટ વિસ્તારના આ ગ્રાહકના કનેક્શનની આખી સર્વિસ લાઈન જ ઉતારી લીધી હતી અને કડક કાર્યવાહી કરી હતી.
અગાઉ ચેકિંગ ટીમ પર હુમલો કરનાર આખા ગામનો પુરવઠો બંધ કરાયાના દાખલા છે
સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજલોસ ઘટાડવા માટે પીજીવીસીએલ ગામડે ગામડે પાવર ચેકિંગ ઝુંબેશ ચલાવી રહી છે. ત્યારે અગાઉ જ્યારે વીજચેકિંગ ટીમ જ્યારે ગામડાંઓમાં પાવરચેકિંગ કરવા માટે જતી ત્યારે ગ્રામજનો દ્વારા ટીમ ઉપર સામૂહિક હુમલાઓ કરવામાં આવ્યાના અનેક દાખલા છે અને ત્યારે વીજકંપનીએ આ પ્રકારના કૃત્ય સામે કડક કાર્યવાહી કરીને આખા ગામનો વીજપુરવઠો બંધ કરી દીધો હોવાના પણ દાખલા હોવાનું વીજકંપનીના અધિકારીઓ જણાવે છે.