PM Modi mother Hiraba Passes Away Hiraba likess cleanliness Sb – News18 Gujarati
આ બાબતે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, અત્યારે પણ તેમના સ્વભાવમાં એવી જ ચીવટ જોવા મળે છે. તેઓ ગાંધીનગરમાં મારા ભાઈ અને મારા ભત્રીજાઓની સાથે રહેવા છતાં પણ આ ઉંમરે તેમનું કામ તેમની રીતે કરવાનો પ્રયાસ કરે છે.
વધુમાં જણાવ્યું હતું કે, આજે પણ સ્વચ્છતાને લઈને તેમની ચીવટ ઊડીને આંખે વળગે એવી છે. જ્યારે હું તેમને મળવા ગાંધીનગર જાઉં છું, ત્યારે તેમના પોતાના હાથે મીઠાઈ ખવડાવે છે. હું ભોજન પૂરું કરે એટલે નાની બાળકની જેમ માતા નેપ્કિન લઈને મારો ચહેરો સાફ કરે છે. તેઓ તેમની સાડીમાં એક નેપ્કિન કે નાનો રૂમાલ હંમેશા રાખે છે.
આ પણ વાંચોઃ PM Narendra Modi Mother Hiraben Modi Death: PM મોદીના માતા હીરાબાનું દેહાવસાન
PM મોદીએ લખ્યું કે, હું સ્વચ્છતાને લઈને માતાની ચીવટ પર અનેક પ્રસંગો ટાંકી શકું છું. વળી તેમનો અન્ય એક ગુણ પણ કેળવવા જેવો છે – સ્વચ્છતા અને સાફસફાઈ કરતાં લોકો પ્રત્યે સન્માનની ભાવના. મને યાદ છે કે, જ્યારે વડનગરમાં અમારા ઘરની લગોલગ નહેર સાફ કરવાં કોઈ આવતું હતું, ત્યારે મારી માતા તેમને ચા પીવડાવ્યાં વિના જવા ન દેતા. અમારું ઘર સફાઈ કર્મચારીઓ વચ્ચે કામ પછી ચા પીવા માટે જાણીતું હતું.
પશુપંખીની સારસંભાળ રાખતા
મારી માતાને અન્ય જીવો પ્રત્યે હંમેશા વિશેષ લગાવ રહ્યો છે. તેઓ દરેક પશુપંખીની સારસંભાળ રાખવામાં માને છે. દર ઉનાળામાં તેઓ પક્ષીઓ માટે પાણીનું પાત્ર મૂકે. તેઓ ખાતરી કરતાં હતાં, અમારા ઘરની આસપાસ ફરતાં કૂતરાં ક્યારેય ભૂખ્યાં ન જાય.
જ્યારે મારા પિતા ચાની કિટલીએથી પરત ફરે, ત્યારે મલાઈ લાવતા હતાં. માતા તેમાંથી સ્વાદિષ્ટ ઘી બનાવતાં હતાં. આ ઘીનું સેવન અમે જ નહીં પણ અમારી પડોશની ગાયો પણ કરતી હતી. માતા દરરોજ આ ઘીમાં બોળેલી રોટલીઓ ગાયને ખવડાવતાં. તેઓ ગાયને સૂકી રોટલીઓ ખવડાવવાને બદલે પ્રેમથી ઘરમાંથી બનેલા ઘી લગાવેલી રોટલીઓ આપતાં હતાં.
હીરાબા અન્ન બગાડનો વિરોધ કરતા
મારી માતા અનાજનો એક પણ દાણાનો બગાડ ન થાય એનું ધ્યાન રાખતાં હતાં. જ્યારે તેઓ અમારા પડોશમાં લગ્નમાં જમવા જાય, ત્યારે અમને બિનજરૂરી કોઈ ચીજ ન લેવાનું યાદ અપાવતાં. ઘરમાં એક નિયમ હતો – જેટલું ભોજન કરી શકો એટલું જ લેવું. આજે પણ માતા જેટલું ભોજન કરી શકે એટલું જ થાળીમાં લે છે અને તેમની થાળીમાં એક પણ કોળિયાનો બગાડ જોવા ન મળે. તેઓ સમયસર જમે અને ભોજનને બરોબર પચાવવા એને સારી રીતે ચાવે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Hiraba, Passes Away, PM Modi પીએમ મોદી
Post a Comment