ઓસ્ટ્રેલિયામાં રહેતા મોદીના મિત્ર અબ્બાસભાઈની હીરાબાને શ્રદ્ધાંજલિ, જાણે મારી બાને મળતો હોય એવો જ ભાવ મને એ વખતે થયેલો | PM Modi's friend Abbasbhaipaid tribute to Hiraba
અમદાવાદ10 મિનિટ પહેલા
- કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું આજે(30 ડિસેમ્બર, 2022) નિધન થયું છે. તેમની ગાંધીનગરના રાયસણખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી. હીરાબાએ 18 જૂને શતાયુ વર્ષમાં પ્રવેશ કર્યો હતો. હીરાબાએ શતાયુ વર્ષમાં પ્રવેશ કર્યો એ દિવસે વડાપ્રધાન મોદીએ માતા માટે ભાવનાત્મક બ્લોગ લખ્યો હતો. આ બ્લોગમાં જેમનો ઉલ્લેખ કર્યો એ અબ્બાસભાઈની દેશ-દુનિયામાં ચર્ચા થઈ હતી. આ અબ્બાસભાઈ કોણ છે? તેઓ ક્યાં રહે છે? શું કરે છે? વગેરે વગેરે. આપને જણાવી દઈએ અબ્બાસભાઈ હાલ તેમના દીકરા સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે. છેલ્લા 20 વર્ષથી સીડનીમાં રહેતાં અબ્બાસભાઈએ લખેલો લેખ હીરાબાને શ્રધ્ધાંજલિ સ્વરૂપે અર્પણ…
પૂજ્ય હીરાબાની શતાયુ થવાની ઘટના એ માતૃત્વના જયજયકાર જેવી છે..મને એમના દર્શન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે..જાણે મારી બાને મળતો હોય એવો જ ભાવ મને એ વખતે થયેલો..હીરાબાને કોઇપણ વ્યકિત મળે પોતાની જનનીને મળતા હોય એવું જ લાગે..પોતાના આંગણે ગાયને પ્રેમથી બોલાવી રોટલી ખવડાવતાં હીરાબાનું આ પ્રેમાળ સ્વરૂપ આપણે સહુએ જોયું છે..સતત પ્રભુ સ્મરણ અને માણસ સહિત મૂંગા અબોલ પ્રાણીઓ તમામ તરફનો છલકાતાં સન્નારી એટલે બા..સ્નેહમૂર્તિ હીરાબા સો વરસ પુરાં કરે છે એ આનંદ અને ઉત્સવની ઘટના છે..એક સદીની એમની જીવનયાત્રા પ્રેરણાના ઝરણા જેવી છે..ભારતવર્ષના શ્રેષ્ઠ પ્રધાનમંત્રીશ્રી માનનીય નરેન્દ્રભાઇનાં એ માતુશ્રી છે..પોતાનાં છ સંતાનોને એમણે સંઘર્ષ કરી મોટાં કર્યાં છે..દેશસેવા,માનવપ્રેમ,અને પ્રામાણિકતા જેવા ઉચ્ચ સંસ્કારોનું સિંચન એમણે પોતાનાં સંતાનોમાં સહજ રીતે કર્યું છે…હીરાબા એટલે પવિત્રતાની જીવંત મૂર્તિ..એક ગુજરાતી ગૌરવશાળી મહિલા તરીકેનું રેખાચિત્ર જો આલેખવું હોય તો એમની જ તસવીર સામે આવે..મા તે મા બીજા બધા વગડાના વા એવું જે કહેવાયું છે એ આવી સંઘર્ષશીલ માતાને જોઇને જ કહેવાયું હશે..
મા માટે ‘જનેતા’ જેવો અદ્ભુત શબ્દ આપણી ભાષા જ આપી શકે !..મા વિશે કશું જ ના લખી શકાય..એના ઉપકાર કે એનું વ્હાલ શબ્દોથી આલેખી શકાય નહીં..જનનીની કેવળ એક જ જોડ જગતપિતાએ બનાવી છે..એ છે જનની !માડીનો મેઘ બારેમાસ વરસતો રહે છે..!…કવિ બહેરામજી મલબારી કહે છે એ શબ્દો જનની,જન્મભૂમિ અને જનનીએ આપેલી ભાષા એટલે કે માતૃભાષા ત્રણેયને લાગુ પડે છે…”અર્પી દઉં સો જન્મ એવડું મા તુજ લ્હેણું…”
નરેન્દ્ર મોદીએ પોતાની માતા હીરાબાના શતાયુ પ્રવેશના દિવસે લખેલા બ્લોગમાં તેમના બાળપણના મિત્ર અબ્બાસનો ઉલ્લેખ કર્યો હતો. અબ્બાસના પિતાનું અવસાન થયા બાદ તે નિરાધાર થઇ ગયા હતા અને અભ્યાસ છોડવો પડે તેવી સ્થિતિ હતી, તેવામાં મોદી પરિવારે તેમની જવાબદારી લીધી હતી તેવો ઉલ્લેખ વડાપ્રધાને બ્લોગમાં કર્યો હતો. આ અબ્બાસભાઈ હાલ ઓસ્ટ્રેલિયમાં પોતાના નાના પુત્ર સાથે રહે છે, જો કે તેમનો મોટો પુત્ર આજે પણ મહેસાણા જિલ્લાના ખેરાળુ પાસેના કેસિમ્પા ગામમાં રહે છે.
મોદીના પિતાએ અબ્બાસની તમામ જવાબદારી ઉપાડી
નરેન્દ્ર મોદીના મોટાભાઈ સોમાભાઇ મોદી જણાવે છે કે, તે વખતે અબ્બાસ વડનગરની પાસેના રસૂલપુર ગામે રહેતા હતા. આ ગામ મુસ્લિમ બહુલ વસ્તી ધરાવે છે. નાનપણમાં જ પિતા ગુમાવી દેનારા અબ્બાસ મારા નાના ભાઇ પંકજ મોદીની ઉંમરના હતા અને તેમના મિત્ર હતા. પિતાનું અવસાન થતા અબ્બાસને અભ્યાસ છોડવો પડે તેવી સ્થિતિ થઇ હતી, ત્યારે મારા પિતા દામોદરદાસે તેમની જવાબદારી લઇ તેમને અમારા ઘરે લઇ આવ્યા અને તેમની રહેવાથી માંડીને અભ્યાસ સુધીની તમામ જવાબદારી નિભાવી હતી.
મારા પરિવારના માનવતાના મૂલ્યો વધુ પડતા હતાઃ સોમાભાઈ
અબ્બાસ ભણીગણીને ગુજરાત સરકારના નાગરિક પૂરવઠા વિભાગમાં વર્ગ-2 અધિકારી તરીકે જોડાયા હતા. હજુ ગયા વર્ષે જ તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા છે અને હાલ તેઓ તેમના નાના પુત્રની સાથે ઓસ્ટ્રેલિયમાં રહે છે. સોમાભાઇ જણાવે છે કે અમારા પરિવારની સ્થિતિ પણ તે વખતે આર્થિક રીતે સારી ન હતી, પરંતુ સંવેદનશીલતા અને માનવતાના મૂલ્યો અમારે માટે વધુ હતા તેથી અમે આર્થિક ચિંતા કર્યા વિના અબ્બાસને અમારી સાથે રાખ્યો હતો.
ઇદના તહેવારમાં માતા હીરાબા અબ્બાસ માટે પકવાન બનાવતાઃ મોદી
નરેન્દ્ર મોદીએ પણ પોતાના બ્લોગમાં જણાવ્યું છે કે અબ્બાસ માટે ઇદ જેવા તહેવારો વખતે મારાં માતા હીરાબા પકવાન બનાવીને જમાડતા અને અમે સહુ બાળપણમાં સાથે રમીને મોટાં થયાં.
Post a Comment