મજૂરી કરતા કરતા રાજકારણમાં એન્ટ્રી મારી ને સરપંચ થયા, 27 વર્ષથી વિધાનસભા ચૂંટણી હારતા, હવે સીધા જ મંત્રી બન્યા | Entered politics as a laborer, became Sarpanch,now bhikhusinh directly became a minister

ગાંધીનગર4 મિનિટ પહેલાલેખક: નિર્મલ દવે

તાજેતરમાં ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણીઓ પૂર્ણ થઈ અને ભાજપે 156 સીટ સાથે સરકાર પણ બનાવી લીધી છે. તેમજ 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી અને મંત્રીઓએ શપથ લીધા બાદ કામગીરી પણ શરૂ કરી દીધી છે. ભૂપેન્દ્ર પટેલના આ મંત્રી મંડળમાં ઘણાં નવા ચહેરાઓ પણ સામેલ છે અને તેઓ પહેલીવાર જ મંત્રી બન્યા છે. મોટાભાગના મંત્રીઓ ધારાસભ્ય તરીકે તો જાણીતા જ હતા. પરંતુ એક મંત્રી એવા છે જેઓ પહેલા ધારાસભ્ય પણ નહોતા. પરંતુ આ વખતે પહેલીવાર ધારાસભ્ય બન્યા છે અને તેમને સીધું જ મંત્રીપદ પણ મળી ગયું છે. તેઓ 27 વર્ષથી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા હતા પણ ક્યારેય નસીબે તેમને સાથ આપ્યો નહોતો. પરંતુ આ વખતે તેઓ ધારાસભ્ય બનવામાં સફળ તો રહ્યા તેમને મંત્રીપદ પણ નસીબ થયું. આમ અત્યારસુધી કમનસીબીનો સામનો કરી રહેલા આ મંત્રીના નસીબ ઉઘડી ગયા છે. આ મંત્રી એટલે બીજું કોઈ નહીં પણ મોડાસા સીટથી ચૂંટણી જીતેલા ભીખુસિંહ પરમાર છે. દિવ્ય ભાસ્કરે ભીખુસિંહ સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી હતી. જેમાં તેમની જિંદગીમાં આવેલા ઉતાર ચઢાવ તથા કેવા કેવા સંઘર્ષ કરવા પડ્યા તે અંગે વિસ્તારથી જણાવ્યું હતું.

ત્રીજા ધોરણમાં જ આવ્યો જિંદગીનો ટર્નિંગ પોઇન્ટ
સામાજિક ન્યાય અને અધિકારીતા તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી એવા ભીખુસિંહ પરમારની જિંદગી રોલર કોસ્ટર રાઈડ રહી છે. તેઓ 1995થી 2017 સુધીમાં 4 વિધાનસભા ચૂંટણી લડ્યા પણ એકેયવાર જીતી શક્યા નહોતા. ધો.3થી 8માં સ્કૂલ મોનિટરથી નેતાગીરીની શરૂઆત કરનારા ભીખુસિંહે 1978માં ગુજરાત એસ.ટી.ની સાફ સફાઈ કરવાથી કરિયરનો પ્રારંભ કર્યો હતો. તેમજ સરપંચ હોવાછતાં 3 ફેબ્રુઆરી 1978ના રોજ હેલ્પર તરીકે સરકારી બસોમાં સાફ સફાઈ કરવાની કામગીરી શરૂ કરી હતી. આ નોકરી તેમણે 1981માં છોડી દીધી નોકરી છોડ્યા બાદ તેઓ માઈનિંગમાં લેબર તરીકે કામ કરવા લાગ્યા હતા. આમ તેમણે એક સામાન્ય શ્રમિકથી લઈ મંત્રી બનવા સુધી સંઘર્ષ જ કર્યો, પરંતુ ક્યારેય હાર ન માની અને અંતે સફળતા પણ મળી.

ભીખુસિંહના પરિવારમાં કોણ કોણ છે?
ભીખુસિંહે પરિવાર અને અભ્યાસ અંગે જણાવ્યું કે, મારો જન્મ, 1 જૂન, 1954માં થયો હતો. જ્યારે મેં 1974માં ઓલ્ડ એસ.એસ.સી પાસ કર્યું હતું. મેં ધોરણ 9માં સ્કૂલ છોડી દીધી હતી. પરંતુ સ્કૂલમાં વિદ્યાર્થી ઘટતા હોવાથી મારા શિક્ષકે મન ફરી ભણવા બેસાડ્યો હતો. તેમજ પરિવારની વાત કરું તો મારા પરિવારમાં બે દીકરા અને બે દીકરી છે. આ ચારેયના લગ્ન થઈ ચૂક્યા છે, તેમજ ચારેયને એક દીકરો અને એક દીકરી એમ બે બે સંતાનો છે.

ઓલ્ડ એસ.સી.સી. પાસ કર્યા પછી ભણવાની ઇચ્છા હોવાછતાં આર્થિક સ્થિતિ નબળી હોવાની કારણે હું આગળ ભણી શક્યો નહીં. ઓલ્ડ એસ.એસ.એસ.સી પાસ કર્યા પછી મેં ભાગમાં જમીન વાવવા રાખીને ખેતી કરવાનું શરૂ કર્યું હતું.

નાની ઉંમરમાં જ ગામના આગેવાનોએ જોઇ લીધું હતું ભીખુસિંહનું ભવિષ્ય
રાજકીય સફર કેવી રીતે શરૂ થઈ? તેના સવાલના જવાબમાં મંત્રી ભીખુસિંહે કહ્યું કે, મારું કોઈ રાજકીય બેકગ્રાઉન્ડ જ નહોતું અને મારાથી જ રાજકારણની શરૂઆત થઈ હતી. ગામમાં ચૂંટણી આવી ત્યારે ગામના આગેવાનોને લાગ્યું કે આ છોકરો સારો છે, અને નાની ઉંમરમાં લોકોએ કંઈક મારું ભવિષ્ય જોયું હશે, એટલે ત્રણેય ગામના લોકોએ કહ્યું કે, આને સરપંચ બનાવો. તે સમયે ગ્રૂપ પંચાયત હતી. હું 1977માં જીતપુર ગ્રામ પંચાયતનો હું બિનહરિફ ગ્રૂપ સરપંચ બન્યો અને મારી રાજકીય સફરની શરૂઆત કરી હતી.

કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું પણ તત્કાલીન વડાપ્રધાને ટિકિટ કાપી નાંખી
તમારે 27 વર્ષ બાદ પહેલીવાર વિધાનસભા સુધી પહોંચવામાં કેવી કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો? તે અંગે કોંગ્રેસના જૂથવાદ અંગે ખુલાસો કરતા જણાવ્યું કે, 1995માં કોંગ્રેસે મને ટિકિટ આપી હતી. દિલ્હીથી પાર્લામેન્ટ્રી બોર્ડે જાહેર કરી હતી અને અહેમદ પટેલે પણ મને સૂચના આપી કે ભીખુસિંહ તને ટિકિટ આપી છે, તું ફોર્મ ભરી દે. અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ કનુકાકાએ પણ મને ફોન કરી કહી દીધું કે ભીખુસિંહ તને ટિકિટ મળી છે ફોર્મ ભરી દે. મેં 2000 કાર્યકરો સાથે ફોર્મ પણ ભરી દીધું. એ વખતે કોંગ્રેસે પોલિસી બનાવી હતી કે, સિટીંગ ધારાસભ્યને જ ટિકિટ આપવી. તો એક માત્ર મોડાસાના સિટીંગને ટિકિટ ન આપી અને મને આપી. જેથી મારો કેસ નરસિંહ રાવ(તત્કાલીન વડાપ્રધાન) સુધી પહોંચ્યો અને આ કેસ લઈને ઉર્મિલાબેન પટેલ દિલ્હી ગયા અને નરસિંહ રાવને કહ્યું કે, પાર્ટી પોલિસી મુજબ સિટીંગ ધારાસભ્યને ટિકિટ આપવી તો મોડસામાં કેમ નથી આપી? ત્યાર બાદ GPCCના તે સમયના પ્રમુખ પ્રબોધ રાવળને ફરી દિલ્હી બોલાવાયા અને નરસિંહ રાવે પૂછ્યું કે, પાર્ટી પોલિસીમાં શું છે? તો કહ્યું કે અમે હરિભાઈ જીતી શકે એમ ન હોવાથી તેમને ટિકિટ નથી, આ છોકરો જીતી શકે તેમ છે. તો નરસિંહ રાવે કહ્યું કે, ટિકિટ હરિભાઈને આપી દો ભલે સીટ ન આવે. એટલે મને મેન્ડેટ ન આપ્યો અને મેન્ડેટ ન આપ્યો એટલે મારે અપક્ષ લડવું પડ્યું. એ વખતે કોંગ્રેસના ઉમેદવારને 11000 મત મળ્યા અને મને 13000 મત મળ્યા હતા(આ સીટ ભાજપના ઉમેદવાર જીત્યા હતા).

રાજકીય લાગવગમાં ભીખુસિંહની રાજકીય કરિયર રોળાતી રહી
તમને 1995થી 2017 સુધી કેમ જીત ન મળી? આ અંગે કોંગ્રેસમાં સ્થાનિક અને રાજ્યકક્ષાએ ચાલતી રાજ રમત ખુલ્લી પાડતા તેમણે કહ્યું કે, 1995 પછી 1998માં ચૂંટણી આવી, પણ એ વખતે મેં ટિકિટ ન માગી. હું પાર્ટીમાં તો પાછો આવી ગયો હતો. મને બક્ષીપંચના મોરચાનો પ્રમુખ બનાવ્યો હતો. 2002માં મેં ટિકિટ માગી, બે નામ દિલ્હી ગયા હતા અને જેને ટિકિટ મળી એ તો કોંગ્રેસના પ્રાથમિક સભ્ય જ નહોતા. પરંતુ તેમની વગને કારણે તેમને ટિકિટ મળી, એટલે પાછો અપક્ષ તરીકે ઉભો રહ્યો એ વખતે મને લગભગ 19000 મત મળ્યા. એ પછી 2007ની વાત આવી અને ત્યારે પણ મારું નામ આવ્યું. તે સમયે મધુસુદન મિસ્ત્રી સંસદસભ્ય હતા. તેમની સાથે મારે થોડા વૈચારિક મતભેદ થયા, એટલે એમા પણ વગને કારણે મને ટિકિટ ન આપી, એટલે ફરી પાછો અપક્ષ ઉભો રહ્યો અને કોંગ્રેસ દર વખતે હારી. પરંતુ હું ઉભો રહેતો હતો એટલે ભાજપ જીતતો હતો. 2007માં જ્યારે ટિકિટ ન આપી એટલે મેં 2008માં ભાજપમાં જોડાયો. 2012માં પાછી ચૂંટણી આવી પણ ભાજપે ટિકિટ ન આપે, અને ટિકિટ ન આપે એ સ્વભાવિક હતું કે ન જ આપે. ત્યાર બાદ 2017માં ચૂંટણી આવી અને ભાજપે મને ટિકિટ આપી, આ ચૂંટણીમાં મારી 1640 મતે હાર થઈ અને 2022માં ભાજપે મારી ફરીથી પસંદગી કરી અને આ વખતે હું 35000 મતે જીત્યો. હું પરમાત્મા, અમિતભાઈ અને મોદી સાહેબની કૃપાથી મંત્રીપદ મળ્યું.

આ કારણે પરિવાર પાસે 45 વર્ષથી છે સરપંચ પદ
સતત હાર થતી હતી ત્યારે આ સ્થિતિમાં કોણ તમને પ્રોત્સાહન આપતું કોઈ એવી કઈ ઘટના કે વ્યક્તિ પ્રેરણારૂપ બન્યા? જેના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ કહ્યું કે, મને કોઈની પ્રેરણા મળી નથી. સ્વયંભૂ જે વિચારો જાગ્યા એ મારા વિચારોથી જ કામ કર્યું છે, મને કોઈ સપોર્ટ નહીં, કારણ કે મારી આર્થિક સ્થિતિ પણ ખૂબ ખરાબ હતી. પરંતુ જ્યારે હું વ્યવસાયમાં જોડાયો એ વ્યવસાયમાં મારે ખર્ચ પણ વધુ કરવા પડતા નથી. હું લોક સેવક તરીકે રહ્યો એટલે લોકોએ મને પસંદ કર્યો. આજે 45 વર્ષથી સરપંચનું પદ જાળવી રાખવું(હાલ તેમના દીકરા સરપંચ છે) એ લોકસભા, વિધાનસભા, જિલ્લા પંચાયત કરતા પણ મુશ્કેલ છે, કારણ કે એક ટર્મ, બે ટર્મ જીતો એટલે ઘણા પ્રશ્નો ઉભા થતા હોય છે. અમારે કોઈ પાસે રૂપિયા કમાવવાના નથી, અમારી આવી છાપ કે માત્ર સેવા કરવી. હું સરપંચ બન્યો ત્યારે મારી પાસે ટ્રેક્ટર હતું, તો કોઈની ડિલિવરીમાં મારું ટ્રેક્ટર મોકલતો અને ડિઝલના પૈસા પણ લેતો નહીં. અમે નાની નાની સેવા કરી, એના કારણે ધીરેધીરે લોકચાહના વધતી ગઈ. આ વખતે મને 35000 મતની લીડ, અમારા ભાજપના દિલીપસિંહને 6 વખત ટિકિટ મળી હતી તેમને છેલ્લામાં છેલ્લી 23000ની લીડ મળી હતી.

હારવા છતાં ભાજપે આ કારણે ટિકિટ આપી
તમે સતત હાર્યા હોવાછતાં ભાજપે તમારા પર કેમ વિશ્વાસ મૂક્યો? આ સવાલના જવાબમાં ભાજપમાં ટિકિટ આપવાના ધારાધોરણો અંગે વાત કરતા કહ્યું કે, આ પાર્ટીમાં કોંગ્રેસ જેવું નથી. બધા સમીકરણો જોવામાં આવે છે, સાથે સાથે લોકચાહના કેટલી છે એના વિવિધ રિપોર્ટ પણ જોવામાં આવે છે. અમારા ઉપરના નેતાઓ આ બધું જોતા જ હોય છે. કોઈ લાગવગ કરીને ટિકિટ લઈ જાય એવું મને જરાય લાગતું નથી. નિરિક્ષકો આવ્યા અને જે અપક્ષેતો હતા એ બધાનો અભિપ્રાય લીધો, એમાથી 80 ટકાએ મારી ફેવર કરી અને એ રિપોર્ટમાંથી પાર્ટીએ મારી બીજીવાર પસંદગી કરી.

રાજકીય ગુરુ સાથેનો એ જંગનો એક મત અને ભીખુસિંહ
રાજકીય ગરુ અને તેમની સાથે આગળ જતા થયેલી રાજકીય લડાઈ અંગે ભીખુસિંહ પરમારે કહ્યું કે, મારા રાજકીય લીંબોઇના વતની એવા ગુરુ અંબાલાલ ઉપાધ્યાય હતા. તેઓ મને ગ્રામ પંચાયતના આ રાજકારણમાં લાવ્યા હતા. તેઓ મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખ હતા, સહકારી ક્ષેત્રમાં હતા. તેમજ ઘણી બધી એપીએમસીના ચેરમેન અને મોડાસાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા હતા. થોડા સમય પહેલા જ તેમનું અવસાન થયું. કેટલીક નીતિઓને કારણે 1994માં અમે બન્ને સાબર ડેરીની સામ સામે ચૂંટણી લડ્યા. એ ચૂંટણીમાં અંબાલાલ ઉપાધ્યાય હારી ગયા અને બીજીવાર પણ તેઓ સાબર ડેરીમાં મારી સામે ચૂંટણી લડ્યા અને એ વખતે પણ હારી ગયા. ત્યાર પછી એપીએમસીના ચેરમેન પદેથી પણ મેં તેમને હટાવ્યા, 80ના દાયકામાં થયેલી એ ચૂંટણીમાં કુલ 17 મત હતા. જેમાંથી અંબાલાલ ઉપાધ્યાયને 8 અને છગનભાઈને 8 મત મળ્યા, પણ મારો એક મત બાકી હતો. જેથી અંબાલાલે આ મત લેવા ખૂબ પ્રયાસો કર્યા, પરંતુ મેં છગનભાઈને મત આપ્યો અને તેઓ ચેરમેન બની ગયા. જ્યારે હું વાઇસ ચેરમેન બની ગયો.

મારી અને એમની કેટલીક નીતિમાં ફેર હતો. એમની નીતિ એવી હતી કે અમુક વર્ગના લોકોને આગળ ન આવવા દેવા. માત્ર સરપંચ કે તાલુકા પંચાયત સુધી આ પૂરતા છે. પરંતુ મારામાં એમણે કેટલાક લક્ષણો જોયા હશે કે, આ છોકરાને વધુ ઉંચકીશ તો મને પાછળ રાખી દેશે, અને એવું જ થયું.

મંત્રીપદ સંભાળ્યા બાદ પરિવાર અને મુખ્યમંત્રી સાથે ભીખુસિંહ પરમાર.

મંત્રીપદ સંભાળ્યા બાદ પરિવાર અને મુખ્યમંત્રી સાથે ભીખુસિંહ પરમાર.

દિગ્ગજ કોંગ્રેસી નેતાની જૂથબંધીને કારણે ક્યારેય ટિકિટ જ ન મળી
27 વર્ષ સુધી સફળતા ન મળી તો ક્યારેય નાસીપાસ ન થયા? તે અંગે ન્યાય અને કર્તવ્યની વાત કરતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ કહ્યું કે, મને એવું ક્યારેય લાગ્યું જ નથી. હું હાર્યો પણ એવું લાગતું જ નહોતું, દિલથી એમ જ થતું કે હું મારું કર્તવ્ય નિભાવ્યે જ જાવ છું. મને અન્યાય થતો હતો એટલે લડતો હતો, મને કોઈ એવી અપેક્ષા નહીં કે આમ કરી જ નાંખવું. હું ન્યાય માગતો હતો, કોંગ્રેસ પાર્ટી કેમ ટિકિટ નહોતી આપતી? મારો ગુનો શું? બધા જ રિપોર્ટ મારા પોઝિટિવ જાય અને અહેમદ પટેલ મારી ટિકિટ કાપી નાંખે. કારણ કે હું ઇર્શાદ મિર્ઝાનો માણસ એટલે અહેમદ પટેલ મારા નામ પર તુરંત ચોકડી મારી દે. ગુજરાતમાં અમરસિંહ ચૌધરી અને માધવસિંહ સોલંકી એમ બે ગ્રુપ. હું માધવસિંહના ગ્રુપનો માણસ એટલે અમરસિંહ ગ્રુપ કાતર મૂકી દે.

તમારો સમય વેડફાયો હોય એવું લાગે છે? આ સવાલનો જવાબ આપતા ભીખુસિંહે કહ્યું કે, હા મારો સમય વેડફાયો હોય એવું ચોક્કસ લાગે છે, કારણ કે જો 1995માં હું ધારાસભ્ય બન્યો હોત તો અને મારી જુવાની હતી અને ઉમંગ હતો. આજે પણ એટલો જ ઉમંગ છે પણ ઉંમર તો કારણ રહેવાનું જ છે.

અરવલ્લી જિલ્લા માટે શું શું કરશે?
અરવલ્લી જિલ્લાને પહેલીવાર મંત્રીપદ મળ્યું છે તો તમે શું શું કામ કરશો? ભીખુસિંહે મેડિકલ કોલેજથી લઈ ઉદ્યોગો લાવવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, લોકશાહી આવ્યા બાદ પહેલીવાર મંત્રીપદ મળ્યું છે. આ વખતે ધારાસભ્ય બન્યા પછી અને હું ચૂંટણી પ્રચારમાં હતો ત્યારે મેં મતદારોને કહ્યું હતું કે, મારું પહેલું કામ મોડાસા ખાતે યુનિવર્સિટી સ્થાપાઈ એ મારી પ્રાથમિકતા હશે અને બીજું કામ સિવિલ, તેનું કામ શરૂ થઈ ગયું છે પણ ઝડપથી પૂરું થાય એ મારા પ્રયાસો હશે. જ્યારે મોડાસા એજ્યુકેશનનું હબ હોવાથી મોડાસા ખાતે મેડિકલ કોલેજ સ્થપાય. ચોથા નંબરમાં બક્ષીપંચની વસ્તી હોવાથી લોકોને વધુ રોજગારી મળે એ માટે ઉદ્યોગો પણ આવે એ મારી પ્રાયોરિટી છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની સાથે ભીખુસિંહ પરમાર.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની સાથે ભીખુસિંહ પરમાર.

એક ફિલ્મ અને ભીખુસિંહનું મંત્રાલય
તમને જે વિભાગ મળ્યા છે એમાં કેવા કેવા કામ કરવાના છો? માણસની જરૂરિયાતોને લઈ એક ફિલ્મનું ઉદાહરણ ટાંકતા ભીખુસિંહે કહ્યું કે, મને જે વિભાગ મળ્યા છે એ વિભાગ જોગાનુજોગ અન્ન અને પુરવઠો પહેલું પિક્ચર જોયું હતું એમાં માણસની પહેલામાં પહેલી જરૂરિયાત રોટી, કપડાં ઔર મકાન એમાં રોટી મારા ભાગે આવી, જ્યારે બીજો વિભાગ સામાજિક ન્યાય અને અધિકારીતા એમા નબળા વર્ગના લોકોને કેવી રીતે મદદરૂપ આપણે બનીએ. મને આ બન્ને વિભાગથી પ્રજાની સેવા કરવાની તક મળી છે.

અધિકારીઓ સાથે કામગીરીના પ્રારંભ અંગે ચર્ચા કરી રહેલા મંત્રી ભીખુસિંહ પરમાર.

અધિકારીઓ સાથે કામગીરીના પ્રારંભ અંગે ચર્ચા કરી રહેલા મંત્રી ભીખુસિંહ પરમાર.

પાંચ વિધાનસભા ચૂંટણી લડ્યા ને માત્ર એક જ વાર જીત્યા
ભીખુસિંહ અત્યારસુધીમાં પાંચવાર વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે અને 4 ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેઓ પહેલીવાર 1995માં મોડાસા સીટ પરથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા, ભાજપ તથા બસપા બાદ 13,041 મત મેળવીને ત્રીજા નંબરે રહ્યા હતા. જ્યારે 2002માં તેઓ ફરી અપક્ષ ચૂંટણી લડ્યા અને 17,596 મત સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. 2007માં તેઓ બસપામાંથી ચૂંટણીજંગમાં ઊતર્યા, પરંતુ તેમને માત્ર 7,696 મત જ મળ્યા. 2017માં મોડાસા સીટ પરથી ભાજપે ટિકિટ આપી હતી, પરંતુ 1640 મતથી વિજય દૂર રહી ગયો. આ વખતે ભાજપે ફરી તેમને ટિકિટ આપી અને પહેલીવાર જીતીને વિધાનસભામાં પહોંચ્યા અને મંત્રીપદ પણ મળ્યું.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post