વડોદરાની યુવતીનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી પૂર્વ પ્રેમીએ ફોટા પોસ્ટ કર્યા, સુરતના યુવકની ધરપકડ | Ex-boyfriend of Surat arrested for creating fake Instagram account and uploading photos of Vadodara girl's engagement

વડોદરા34 મિનિટ પહેલા

  • કૉપી લિંક
આરોપી અમિતકુમાર વિનોદસિંઘ - Divya Bhaskar

આરોપી અમિતકુમાર વિનોદસિંઘ

વડોદરાની યુવતીની સગાઈ થતાં તેને બદનામ કરવા પૂર્વ પ્રેમીએ તેના નામનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેમાં યુવતીના ફોટા પોસ્ટ કર્યા હતા. જેની જાણ થતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે સુરતના યુવકની ધરપકડ કરી છે.

સોશિયલ મીડિયા પર મેઘાના નામનું બોગસ એકાઉન્ટ
વડોદરા વાઘોડિયા રોડ પર રહેતી યુવતીની 6 મહિના પહેલાં સગાઈ થઈ હતી. જ્યારે તેનો પૂર્વ બોયફ્રેન્ડ યુવતીનું સોશિયલ મીડિયા પર બોગસ એકાઉન્ટ બનાવીને તેના ફોટા પોસ્ટ કરતો હતો અને તેના સંબંધીને પણ મોકલતો હતો. યુવતીને આ વિશે જાણ થતાં તેણે તપાસ કરતાં સમગ્ર પ્રકરણ પાછળ પૂર્વ બોયફ્રેન્ડ હોવાની જાણ થતાં તેણે અમિતકુમાર વિનોદસિંઘ (હાલ રહે. અડાજણ, સુરત. મૂળ રહે. સુગી, જિલ્લો ગયા, બિહાર) વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

એક સાથે અભ્યાસ કરતાં હોવાથી મિત્રતા ગાઢ બની
વાઘોડિયા રોડ પર રહેતી મેઘા (નામ બદલ્યું છે) 2019માં સાપુતારા ખાતે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરતી હતી અને ત્યાં અભ્યાસ દરમિયાન યુવક સાથે પરિચયમાં આવી હતી. બંને એક સાથે અભ્યાસ કરતાં હોવાને કારણે મિત્રતા ગાઢ બની હતી અને પ્રેમમાં ફેરવાઈ હતી. બે વર્ષના પ્રેમ સંબંધ બાદ મેઘા અને અમિતે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જોકે, મેઘાના પરિવારને મંજૂર ન હોવાને કારણે તેણે અમિત સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.

મેઘાની સગાઈની જાણ થતાં અમિતને માઠું લાગ્યું
આ દરમિયાન 6 મહિના પહેલાં જ મેઘાની સગાઈ કરવામાં આવી હતી, જેની જાણ અમિતને થઈ હતી. આ વાતથી અમિતને માઠું લાગી આવ્યું હતું અને તેણે સોશિયલ મીડિયા પર મેઘાના નામનું બોગસ એકાઉન્ટ બનાવ્યું હતું. તેમાં તે નિયમિત મેઘાના ફોટા પોસ્ટ કરતો હતો અને તેના પરિવારજનોને પણ મોકલતો હતો. આ અંગે મેઘાએ તપાસ કરતાં જાણ થઈ હતી કે, આ એકાઉન્ટ અમિતે બનાવ્યું છે અને તે જ ફોટા પોસ્ટ કરી રહ્યો છે. જે બાદ તેણીએ અમિત વિરુદ્ધ વડોદરા સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

મેઘાના પરિવારે અગાઉ અમિતને સમજાવ્યો
મેઘાએ પરિવારને અમિત વિશે જણાવતાં પરિવારે સગપણ વિશે ના પાડી હતી, છતાં તે મેઘાને ફોન કર્યા કરતો હતો. જેથી મેઘાનો પરિવાર સુરત ગયો અને અમિતને સમજાવ્યો હતો કે, આ સગપણ શક્ય નથી. પરિવારે અમિત પાસેથી લેખિતમાં પણ લીધું હતું કે, તે હવે મેઘાને હેરાન નહીં કરે. જોકે, તેને મેઘાની સગાઈની જાણ થતાં તેણે હેરાનગતિ શરૂ કરી હતી.

આરોપી અમિતની ધરપકડ
મેઘાએ વડોદરા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અમિતકુમાર વિનોદસિંઘની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post